૬૦૯ - અતિવૃષ્ટિ વખતે મંદવાડ જણાવ્યો

0:000:00

ત્યાર પછી અષાઢ તથા શ્રાવણ માસમાં તો ગામોગામ બહુ જ વૃષ્ટિ થવા લાગી અને પવનનું તોફાન પણ ઘણું થયું. વળી નદીઓનાં પૂર આવતાં દેશદેશાંતરમાં સર્વત્ર પાણી પાણી થઈ રહ્યું હતું, તેમ જ ગામોગામ મકાનો પડતાં મનુષ્યોનાં તથા લાખો રૂપિયાનાં નુકસાન થયાં. તે વૃષ્ટિમાં બાપાશ્રીના જૂના ઘરનો કરો તથા મંદિર પાસેના ઘરની મેડી અને છત્રીએ પોતે કરાવેલ ધર્મશાળા એ સર્વે પડી ગયાં. એ વખતે પોતે પણ શરીરમાં વધુ મંદવાડ જણાવવા માંડ્યો. ભૂજમાં આ મંદવાડની ખબર પડતાં પુરાણી કેશવપ્રિયદાસજી તથા તેમના સાધુ શ્રીરંગદાસજી સોની મોતીભાઈને સાથે લઈ વૃષપુર આવ્યા અને ઠાકોરજીનાં દર્શન કરી મંદિરની ઓરડીમાં બાપાશ્રી ખાટલા પર સૂતા હતા ત્યાં જઈ દંડવત્ કરવા લાગ્યા. તે જોઈ પોતે બેઠા થવા ઇચ્છા કરી, પણ બેઠું થવાણું નહિ; પછી પુરાણી પાસે જઈ દર્શન કરવા લાગ્યા ત્યારે તેમનો હાથ ઝાલી બેઠા થઈને મળ્યા. એ વખતે પુરાણીએ મંદવાડના સમાચાર પૂછ્યા તો કહે, ‘હમણાં બે દિવસ શરદીનો તાવ ઘણો આવ્યો હતો. હવે તો તાવ થોડો છે, પણ ગરમી વધુ જણાય છે, તેમ લઘુ કરવાનું ઘડી ઘડી થઈ જાય છે, શરીરમાં ત્રેવડ મુદ્દલ જણાતી નથી, અહીંથી ઠાકોરજીનાં દર્શને જવું હોય તોય કોઈક હાથ ઝાલે ત્યારે જવાય છે, પણ મને લાગે છે કે, હજી મંદવાડ વધશે.’ આવાં વચનથી પુરાણી કેશવપ્રિયદાસજી તથા મોતીભાઈ વગેરે સેવામાં જ રહ્યા. બાપાશ્રીના પૌત્ર તથા હીરજીભાઈ અને જાદવજીભાઈ, જે પ્રથમથી જ સેવા કરવામાં હોંશવાળા હતા તે તથા તેમના પુત્ર પ્રેમજી વગેરે સેવા કરવા લાગ્યા અને બાપાશ્રી તો સૂતા સૂતા કથા સાંભળ્યા કરે. ઘેરથી પુત્ર-પૌત્રાદિક કાંજી, રાબ કે દૂધ વગેરે જમાડવા લઈ આવે તો થોડું જમે. એ વખતે પોતે પુરાણી કેશવપ્રિયદાસજી પાસે ‘રહસ્યાર્થપ્રદીપિકા ટીકાવાળાં વચનામૃત’ ની કથા વંચાવ્યા કરતા અને ચોકમાં ચંદની બંધાવી હતી તે નીચે ખાટલો ઢળવી સૂતા. સંત-હરિભક્તો વારાફરતી સેવા કર્યા કરે, તેમાં કેટલીક વાર તો જાણે પોતે ઉપશમ સ્થિતિમાં રહેતા હોય તેમ પણ જણાવવા માંડ્યું અને એક દિવસ તો મુદ્દલ જમ્યા જ નહિ; પછી બહુ આગ્રહ કર્યો ત્યારે કહે જે, ‘મોતૈયો લાડુ લાવો તો જમીએ.’ પછી થોડી વારે એ તૈયાર કરી લાવ્યા, તેમાંથી પોતે એક લાડુ જમ્યા ને કહ્યું જે, ‘આજ જરા ઠીક લાગ્યું.’

એક વખત કહે, ‘ખજૂર લાવો તો જમીએ.’ ત્યારે મૂળજી પટેલની દુકાને સારી ખજૂર હતી તે મગાવી, ઠળિયા કાઢી ઘીમાં બોળીને આપવા માંડી, ત્યારે પોતે ખજૂરને હાથમાં લઈને બોલ્યા જે, ‘ખજૂરથી તોડો ને મૂર્તિમાં જોડો.’ પછી તો ત્રણચાર વાર એ જ રીતે બોલતાં થોડી ખજૂર જમ્યા.

એક દિવસ પોતે ઘણી ઉધરસ જણાવી, તેથી ઉધરસ આવ્યા જ કરે; પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ ઘી, ગોળ સાથે ઊની કરેલી સૂંઠ ચટાડી કે તુરત ઉધરસ બંધ થઈ ગઈ, તેથી સવાર સુધી સૂઈ રહ્યા; પછી જાગ્યા ત્યારે નાહવાનું કહ્યું, પણ ઊઠી ન શકતાં સેવકો માંચીમાં બેસારી કૂવે લઈ ગયા. એટલે ખૂબ પાણી રેડાવ્યું ને કહે જે, ‘મને ગરમી બહુ થાય છે.’ પછી થોડી વાર ઝાડ નીચે પોઢ્યા ત્યારે કહ્યું જે, ‘ મને વાયરો ઠીક લાગે છે.’

એક દિવસ વળી એમ કહ્યું જે, ‘મને ગરમી બહુ થાય છે તે પાકું તરબૂચ હોય તો મહારાજને જમાડીએ.’ પછી હરિભક્તોએ ગામમાં, સીમમાં, કેરે તથા નારાયણપુર વગેરે ઠેકાણે તપાસ કરાવી, પણ ક્યાંય ન મળતાં હીરજીભાઈનો દીકરો પ્રેમજી સાઈકલ ઉપર બેસી ભૂજથી ત્રણ તરબૂચ લઈ આવ્યો તે જમ્યા ને તેનું પાણી પણ પીધું. પછી એમ કહ્યું જે, ‘આ તરબૂચ લાવનારની બહુ મહેનત છે, પણ આના જમનારા ને જમાડનારા કેવા છે! તો દૃષ્ટિમાત્રે જીવને મૂર્તિમાં લઈ જાય એવા છે. આ વાત અંતદૃષ્ટિવાળા જાણે, બહારદૃષ્ટિ વાળાને ખબર ન પડે.’

ત્યાર પછી કરાંચીથી સેવક સોમચંદભાઈ દર્શન કરવા આવેલ, તેમની સાથે લાલુભાઈએ બાપાશ્રીને જમાડવા મેવાનો કંડીઓ આપેલ હતો; તેમાં લીલી દ્રાક્ષ તથા દાડમ વગેરે ફળો હતાં, તે પોતે હેતે સહિત મહારાજને જમાડી દ્રાક્ષ એમ ને એમ જમ્યા અને દાડમનું પાણી કઢાવીને પીધું, પછી એમ બોલ્યા જે, ‘આ ઠીક લાવ્યા.’ એ રીતે કરાંચીના હરિભક્તો પર પ્રસન્નતા જણાવી.

બીજે દિવસ સવારમાં પોતે ચોકમાં સૂતા હતા ત્યારે સોમચંદભાઈનો હાથ ઝાલીને કહે કે, ‘તમે ક્યાંથી આવ્યા છો?’ ત્યારે તે કહે, ‘બાપા! કરાંચીથી, આપને કાલે સૌના ‘જય સ્વામિનારાયણ’ કહ્યા હતા.’ ત્યારે કહે ‘મને કાંઈ ખબર રહી નહિ.’ આમ અજાણ્યા થઈને ભલામણ કરવા મંડ્યા જે, ‘તમે ભલે આવ્યા, પણ કરાંચીના હરિભક્તોને જણાવશો નહિ જે, બાપાને મંદવાડ છે; નહિ તો ત્યાંના હરિભક્તો મહિમાવાળા છે, તેથી કેટલાક અહીં આવી બેસશે. તમે જુઓ છો ને! મને શરીરમાં ઠીક રહેતું નથી, તેમ ઘરમાં સૌ સાજા- માંદા જેવા છે, વરસાદથી ઘર પડી ગયાં છે ને છત્રીએ ધર્મશાળા પણ પડી ગઈ છે, તે હજી સમું થાય ત્યારે ખરું! હું તો અહીં મંદિરમાં સૂતો રહું છું, તેથી હરિભક્તો આવે તેને રસોઈ કરી કરીને કોણ જમાડે? આવનારને વિચાર ન હોય, એ તો બાપાને ઠીક નથી એમ કહીને દોડ્યા આવે; પછી અમારે ઘેર કોઈને કાંઈ ભૂખ્યા રખાય છે? હજી અમદાવાદ અને બીજે ક્યાંય ખબર નથી, જો ખબર પડે તો દિવસ ઊગ્યા વિના રહે, તો હરિભક્તો આવ્યા વિના રહે; માટે તમે કાંઈ ન લખજો’ – એમ મનુષ્યભાવ જણાવ્યો.

વળી બે દિવસ વીત્યા પછી પોતાની પાસે મહિમાવાળા હરિભક્તો બેઠા હતા તેને પોતે એમ કહેવા લાગ્યા જે, ‘હમણાં કલ્યાણની ગંગા ભરપૂર વહે છે, તેમાં તમે આવી ગયા તે બહુ સારું કર્યું, અહીં તો જે આવે તેને છૂટ છે, મોક્ષના દરવાજા મહારાજે ઉઘાડા મૂક્યા છે, તેમ અમે પણ ખજાના ખુલ્લા મૂક્યા છે તે કોઈ આવો! કોઈ આવો! જેને ખપશે તે લેશે.’ આ રીતે ક્યારેક દિવ્યભાવ પણ જણાવતા.

એક દિવસ ઘેરથી પૌત્ર જાદવજી કાંજી, ખીચડી, કઢી ને પૂડલા તથા શાક, અથાણું વગેરે લાવ્યા ને કહેવા લાગ્યા જે, ‘બાપા! તમને જે રુચિ થાય તે આમાંથી જમજો.’ ત્યારે એ સર્વેમાંથી બાપાશ્રી કાંજી જમવા લાગ્યા, પણ તેમાં જરા ઘી ચડિયાતું જણાયું, તેથી પૌત્ર જાદવજીને પાસે બોલાવીને કહ્યું જે, ‘તમે ઘરના સૌ એમ જાણતા હશો કે, બાપાને સારું સારું ખવરાવીને સાજા કરી દઈએ, પણ અમે તમારા સાજા કર્યા સાજા થઈએ તેવા નથી.’ એમ કહી થોડું જમ્યા.

એક દિવસ પોતે ગરમી બહુ જણાવવા માંડી ને કહ્યું જે, ‘જાદવા! મને સપડતો વાયરો નાખ્ય.’ પછી તે મોટો પંખો લઈ વાયરો નાખવા મંડ્યા. થોડી વાર એ રીતે વાયરો નાખતાં બાપાશ્રીએ તેમના પર રાજીપો જણાવી ઊંચે સાદે કહ્યું જે, ‘ વાહ રે જાદવા વાહ! આ સેવક તો ખરેખરો છે. ક્યારેય થાકે નહિ, સેવામાં મંડ્યો જ હોય. એને ગમે તેટલું વઢો તોય કાંઈ નહિ,’ – એમ તેમના પર પ્રસન્નતા જણાવી.

એક દિવસ બાપાશ્રી રાત્રે પોઢ્યા હતા ને પોતાને કેડ પર જરા ધાધર હોવાથી ચળ આવતી હોય તેમ ખંજોળવા લાગ્યા, ત્યારે સેવક સોમચંદે ના પાડી ને પ્રાર્થના કરી જે,’ બાપા! થોડું ખંજોળો તો ઠીક, નહિ તો પછી બળશે બહુ.’ ત્યારે પોતે પ્રશ્ન કર્યો જે, ‘મને બળશે કે તમને?’ પછી તો તે કાંઈ બોલ્યા નહિ. જ્યારે બીજી વાર પાછું બહુ ખંજોળવા માંડ્યું, ત્યારે જરા હાથ ઝાલી રાખતાં હાથ તરછોડી નાખ્યો ને પોતે ઊઠીને ચોકમાં ખજૂરીના થડ પાસે ગયા, ત્યાં ઊભા રહી ખૂબ ખંજોળ્યું; પછી બહુ જ બળવા માંડ્યું હોય તેમ જણાવી કહ્યું જે, ‘અહીં આવો, મને બહુ બળે છે તે પાણી લાવો તો છાંટું,’ – એમ કહ્યું, એટલે તે તુરત પાણી લઈ આવ્યા, તે લઈ થોડું થોડું પાણી છાંટ્યું, પણ પાણીથી બળતરા મટી ન હોય તેમ જણાવી કહે જે, ‘મને હવે વાયરો નાખો તો ટાઢું થાય. ‘પછી તે સેવક સોમચંદે મોટા પંખાથી થોડી વાર બહુ જ વાયરો નાખ્યો, ત્યારે પોતે ઊંચે સાદે બોલવા લાગ્યા જે, ‘વાહ રે વાહ, સોમચંદભાઈ વાહ! અમે તમારું પૂરું કરશું હો,’ – એમ આશીર્વાદ આપી સૂતા સૂતા તેમના માથા પર બેય હાથ મૂકી બહુ પ્રસન્નતા જણાવી.

એવી જ રીતે એક વાર પુરાણી કેશવપ્રિયદાસજી બાપાશ્રીના સાથળ દાબતા હતા, ત્યારે પોતે બહુ જ રાજીપો જણાવી બોલ્યા જે, ‘વાહ રે ‘પુરાણી વાહ,’ – એમ કહી પીવા માટે પાણી માગ્યું, એટલે પુરાણી તુરત લાવ્યા, ત્યારે પોતે બેઠા થઈને કહે, પુરાણી! સ્વામિનારાયણ ભગવાને આપણને પ્રત્યક્ષ દર્શન આપ્યાં એ વાત બહુ જબરી થઈ છે ને એ મૂર્તિના સુખભોકતા અનાદિ મુક્ત પણ બહુ જ મોટા મળ્યા, તેથી કાંઈ પણ અપૂર્ણપણું માનવું નહિ,’ – એમ કહી જળપાન કર્યું ને પુરાણીને માથે હાથ મૂકી ઘણું જ હેત જણાવ્યું.

એક દિવસ બાપાશ્રીએ શરીરમાં તાવ વધુ જણાવ્યો ને લઘુ કરવાનું પણ ઘડી ઘડી થાય, તેથી જાણે પોતે અકળાઈ ગયા હોય તેમ જણાવી ભીના પંખેથી ખૂબ વાયરો નખાવ્યો. પછી કહે, ‘હવે જરા શાંતિ થઈ.’

સોની મોતીભાઈ તથા પુરાણી કેશવપ્રિયદાસજી તો એ વખતે પાસે ને પાસે રહેતા તે બેઠા કરે, લઘુ કરાવે, નાહવું હોય તો નવરાવે, જમાડે, પાણી પાય ને વાયરો નાખે; એમ એ સેવામાં હાજર રહેતા તથા ગામડેથી હરિભક્તો આવે તે પણ સેવા કરતા હતા.

આ રીતે બાપાશ્રી મંદવાડની રીત જણાવતા. એક વાર પુરાણી કેશવપ્રિયદાસજીને કહેવા લાગ્યા જે, ‘પુરાણી! આ અમારો મંદવાડ જોઈને કોઈ અવળું લેશે તેનું ઠીકરું ફૂટી જશે, અમારે ને મંદવાડને શું સબંધ છે? અમે કયા દરજ્જામાં છીએ ને ક્યાં છીએ! એ વાત જેમ છે તેમ જણાય તો લેશમાત્ર મોહ ન થાય.’