૪૨૮ - મોતીભાઈના પિતાને મોક્ષનો આશીર્વાદ

0:000:00

બીજે દિવસે એ ભૂજ જવા તૈયાર થયા ત્યારે બાપાશ્રીને દંડવત્ કરી પ્રાર્થના કરી જે, ‘મને ધામમાં ક્યારે લઈ જશો?’ ત્યારે બાપાશ્રીએ ચપટી વગાડીને કહ્યું જે, ‘તરતમાં.’ આમ સહેજે વાતની વાતમાં આશીર્વાદ મળ્યો જાણી પોતાને દેશમાં જવાનો વિચાર રહેતો હતો, તે જણાવ્યો ને કહ્યું જે, ‘બાપા! હું દેશમાં જઉં ને કદાચ ત્યાં દેહ પડે તોય તમે ત્યાં તેડવા પધારો તો જાઉં, નહિ તો અહીં બેઠાં મહારાજ તથા આપને સંભારીશ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે સુખેથી દેશમાં જજો ને કોઈ વાતે ચિંતા રાખશો મા.’ પછી એ થોડા દિવસ ભૂજ રહી હળવદ ગયા. ત્યાં તેમને ભાદરવા મહિનામાં મંદવાડ વધુ થઈ ગયો, ત્યારે બાપાશ્રીએ તેમને ચપટી વગાડી તરતમાં ધામમાં લઈ જવાનું વચન આપેલું હતું તે સંભારતા ને સગાંવહાલાંને એ વાત કરતા વાટ જોવા લાગ્યા. ત્યાં તો એક દિવસ બાપાશ્રીએ ધોળાં વસ્ત્રોએ સહિત કંઠમાં મોટો હાર પહેરેલો તથા માથે મોટી પાઘડી બાંધેલી, -એવાં દર્શન આપ્યાં ને કહ્યું જે, ‘ચાલો, અમે તમને અક્ષરધામમાં તેડી જવા આવ્યા છીએ.’ એમ કહેતા હતા ત્યાં તેમને બાપાશ્રી સાથે મહારાજનાં પણ તેજોમય દર્શન થવા લાગ્યાં, એટલે એ હાથ જોડી પગે લાગતા ને આનંદ પામતા દેહત્યાગ કરી ધામમાં ચાલ્યા ગયા.

એ વખતે ભૂજમાં ગિરજાશંકરભાઈને બાપાશ્રીએ સ્વપ્નમાં એવી જ રીતે દર્શન આપ્યાં, ત્યારે ગિરજાશંકરભાઈ કહે, ‘બાપા! આવડો મોટો ફૂલનો હાર પહેરીને ઉતાવળા ક્યાં પધારો છો?’ ત્યારે બાપાશ્રી કહે, ‘હળવદમાં સોની મોતીભાઈના પિતાને અમે વચન આપ્યું છે, તેથી એમને ધામમાં લઈ જવા જઈએ છીએ.’ આ વાતથી ગિરજાશંકરભાઈને એમ થયું જે, ‘હું વહેલો એમને ઘેર જઈ મોતીભાઈને આ વાત કરું.’ પછી એ નાહી પૂજા કરી ઠાકોરજીને જમાડી તેમને ઘેર ગયા, ત્યાં તો તેમના પર હળવદથી તેમના પિતાશ્રી ધામમાં ગયાનો તાર આવેલ હોવાથી ઘરના સૌ નાહવા ગયા હતા. પછી ગિરજાશંકરભાઈએ રાત્રે મોતીભાઈને ઘેર જઈને આ વાત કરી, ત્યારે ઘરમાં સૌને એમ થયું જે, ‘બાપાશ્રીએ ચપટી વગાડી ધામમાં તેડી જવાનું કહ્યું હતું તે પ્રમાણે જ તેડી ગયા.’

આ વાતને થોડા દિવસ વીત્યા પછી એક વખત બાપાશ્રી ભૂજ દર્શને ગયા હતા, ત્યારે ગિરજાશંકરભાઈએ તે વાત પૂછી ને કહ્યું જે, ‘બાપા! તમે કોઈ દિવસ ન ભુલાય એવો મોટો હાર પહેરીને મોતીભાઈના બાપને અંત વખતે હળવદમાં દર્શન દેવા પધાર્યા હતા?’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમને એ વાત મનાય છે કે કેમ?’ ત્યારે તે કહે ‘બાપા! આ કાંઈ કોઈના પાસેથી સાંભળેલી વાત નથી. આ તો મારી નજરે જોયું છે તે કેમ ન મનાય?’