૩૮૬ - સૂરજપુર તથા વૃષપુરમાં આનંદ
બીજે દિવસે સૂરજપુરમાં મંદિરના પાયાનું મુહુર્ત સવારના દસ વાગ્યાનું હતું, તે નિમિત્તે બાપાશ્રી સંતોએ સહિત ત્યાં પધાર્યા ને મુહૂર્ત સાચવી ઠાકોરજી પાસે થોડી વાર મહારાજની વાતો કરી, ત્યાં તો ઠાકોરજીના સેવકે કાજુ ને ગોળનો મહારાજને થાળ ધર્યો. ત્યાં એક હરિભક્ત કાકડી લાવ્યા, તે પણ સુધારીને જમાડી; પછી ત્રણે થાળની પ્રસાદી બાપાશ્રીને હાથે સૌને વહેંચી. થોડી વારે થાળ તૈયાર થયા એટલે સંતોએ ઠાકોરજીને જમાડ્યા; પછી વચનામૃતની કથા કરી સહુ વૃષપુર આવવા નીકળ્યા, ત્યારે ગામના ઘણા હરિભક્તો ભેળા ચાલ્યા. આગળ જતાં એક હરિભક્તે વંતાકની ગાંસડી ઠાકોરજીના થાળમાં વાપરવા માટે સંતોને આપીને પ્રાર્થના કરી જે, `મારી આટલી સેવા અંગીકાર કરો.’ તરત જ બાપાશ્રી કહે કે, `લાવો, સંતો! આજ વંતાકનો યજ્ઞ કરીએ.’ એમ કહી મહારાજને જમાડી સૌને એક એક વંતાક વહેંચી આપ્યું. પછી વૃષપુર આવવા નીકળ્યા. માર્ગમાં હરિભક્તોની વાડીઓ આવતી હતી, ત્યાં સૌને સંતોનાં પગલાં કરાવ્યાંની તાણ હોવાથી પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે બાપાશ્રી સંતોને કહે, ‘આજ આ હરિભક્તોને રાજી કરો.’ ત્યારે સંતો કહે, ‘ભલે.’ પછી જે જે હરિભક્તો આગ્રહ કરે તેની વાડીઓમાં જવા લાગ્યા. તેમાં પ્રથમ તો દેવજીભાઈની વાડીએ જઈને કીર્તન બોલ્યા ત્યાં તેમણે મીઠી આંબલીના કાતરા લાવી બાપાશ્રી આગળ મૂક્યા તે ત્યાં જ ઠાકોરજીને જમાડી સૌને વહેંચી આપ્યાં. પછી અણદા ભક્તની વાડીએ ગયા, ત્યાં તે પોપૈયાં લાવ્યા તે સુધારી ઠાકોરજીને થાળ જમાડી સૌને પ્રસાદી વહેંચી આપી. એ વખતે બાપાશ્રી એમ બોલ્યા જે, ‘આ ટાણે જે કોઈ પ્રસાદી જમ્યા હશે, તેને અમે અંત સમયે અક્ષરધામમાં તેડી જઈશું.’ એમ કહી વાડીમાં પોપૈયાંના ઝાડ હેઠે સંતોને ફેરવ્યા, ત્યાંથી કાનજીભાઈની વાડીએ જઈ તેમને રાજી કર્યા; પછી સંત-હરિભક્તોએ સહિત કાળીતલાવડી પર પ્રસાદીની છત્રીએ આવી ત્યાં દર્શન કરી સહુ બેઠા, એટલે બાપાશ્રી કહે, ‘અહીં તો અમારે સંતોને જમાડવા જોઈએ.’ એમ કહી ટોપરાં સુધારી તેમાં સાકર ભેળવી મહારાજને જમાડી પ્રસાદી વહેંચવાનું કરતા હતા ત્યાં કલ્યાણસિંહજી કહે, ‘બાપા! હું ગુલાબપાકની રસોઈ લાવ્યો છું, એટલી મારી સેવા અંગીકાર કરવી જોશે.’ એમ કહી ઠાકોરજીને પહેરાવેલ પ્રસાદીનો ગુલાબનો હાર પોતાને છેડે બાંધેલ હતો તે બાપાશ્રીને આપ્યો, તે લઈ બાપાશ્રીએ તેની પાંખડીઓ છૂટી કરી સાકર-ટોપરાં સાથે ભેળવી સૌને વહેંચીને બોલ્યા જે, ‘અહીં તો ગુલાબપાક ને ટોપરાપાક એમ બે થાળ થયા.’ પછી કૂવા પાસે આવી સંતોને કહ્યું જે, ‘આ કૂવાનું નામ અમે ગંગાજળીઓ રાખ્યું છે, કેમ કે એ નામ લેતાં ગંગાજળીએ કૂવે મહારાજ નાહ્યા છે, એવી સ્મૃતિ થાય.’ એમ કહી નહાતાં નહાતાં સહુને લોટા વતે પાણી છાંટ્યું ને બોલ્યા જે, ‘આજની લીલા જે કોઈ સંભારશે તેનું આત્યંતિક કલ્યાણ થશે.’
આવી રીતે સૌને રાજી કરી બાપાશ્રી સંત-હરિભક્તોએ સહિત માર્ગમાં વાતો કરતા કરતા ગામ સોંસરા થઈ મંદિરમાં આવ્યા, ત્યાં ઠાકોરજીનાં દર્શન કર્યા પછી સંતોએ વચનામૃત વાંચવા માંડ્યા, તેમાં લોયાના સાતમા વચનામૃતમાં ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ, એ ત્રણ પ્રકારના જ્ઞાનની વાત આવ્યા પછી એમ આવ્યું જે, ‘કોઈ કાર્ય એવું છે જે, અનુભવજ્ઞાને કરીને જાણ્યામાં આવે, ત્યારે તે કાર્યને અર્થે ભગવાન તેવા રૂપનું ધારણ કરે છે.’ પછી બાપાશ્રી સભા સામું જોઈને કહે, ‘એ રૂપ કયું? ને કાર્ય કયું?’ આ પ્રશ્નથી સહુ વિચારી રહ્યા, પણ બોલ્યા નહિ; એટલે પોતે જ કહ્યું જે, ‘રૂપ તે આદિ ને કાર્ય તે અનાદિનો નિશ્ચય કરાવવો તે.’ પછી વળી વાત કરવા લાગ્યા જે, ‘વચનામૃતમાં મહારાજે કેટલાક શબ્દ દ્વિઅર્થી કહ્યા છે, તેનો મર્મ મોટા થકી સમજે તેને ખબર પડે.’
મહારાજ કહે, ‘અમે સર્વ શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું’ એવાં વચનથી પરોક્ષ શાસ્ત્ર સામી નજર જતી રહે, પણ મહારાજે તો પ્રત્યક્ષનાં જ શાસ્ત્ર કહ્યાં છે. વળી ‘પોતાને વિષે ભિન્ન ભિન્ન મૂર્તિઓ દેખાડી’ એમ કહ્યું. તેમાં પણ આ પ્રત્યક્ષ મુક્ત દેખાય છે તે મૂર્તિઓની જ વાત કરી છે એમ સમજવું. મોટા મુક્તના જોગ-સમાગમ વડે જેને સ્થિતિ થાય ત્યારે તો એવા શબ્દો એની મેળાએ જ સમજાવા માંડે. જુઓને! મહારાજે દૃષ્ટાંત આપ્યું છે કે, ‘મહા સમુદ્રને વિષે એક વર્ષ સુધી વહાણ ચાલ્યું જાય, તેને આગલો કાંઠો કે પાછલો કાંઠો દેખ્યામાં આવે નહિ.’ તે દૃષ્ટાંતે સ્થિતિવાળો એમ સમજે કે, ‘આગલો કાંઠો એ અનાદિની સ્થિતિ ને પાછલો કાંઠો એ એકાંતિકની સ્થિતિ. તે મધ્યે રહીને જે જુએ તે એમ જાણે જે, આ પરમ એકાંતિકની સ્થિતિ છે, કેમ કે જેને મૂર્તિ આકારે દૃષ્ટિ થાય તે બીજું કાંઈ દેખે નહિ, તેથી એક શ્રીજીમહારાજ વિના એની પાસે બીજા શબ્દ ક્યાંથી નીકળે? ને એ બીજા કોનું પ્રમાણ કરે?’
‘અમદાવાદના પહેલા વચનામૃતમાં નેત્રમાં સૂર્ય-ચંદ્ર ધારવાનું કહ્યું, એવા શબ્દ આવે ત્યાં પણ જેની દૃષ્ટિ મૂર્તિ આકારે હોય તે તો મૂર્તિ જ ધારે. સર્વત્ર મૂર્તિ ધારવી એ વાત તો સહુથી શ્રેષ્ઠ જ છે. પછી મૂર્તિ ધારતાં ધારતાં જ્યારે ઘાટ-સંકલ્પ બંધ થઈ જાય, ત્યારે ચૈતન્યને વિષે મૂર્તિ ધરાય ને અંતર ટાઢું થઈ જાય. પછી એને આ બહારની મૂર્તિ ને આ અંતરની મૂર્તિ એમ ન રહે, એક જ થઈ જાય. આવા અર્થ મોટાના જોગ-સમાગમે સમજાય.’
એ વખતે માથકવાળા કલ્યાણસિંહજીએ પ્રશ્ન પૂછ્યું જે, ‘બાપા! બ્રહ્માનંદ સ્વામીના કીર્તનમાં ‘જોયું સર્વે જગત તપાસી રે રઢ લાગી.’ ‘-એમ કહ્યું છે, તે જગત ક્યાં સુધી કહેવાય?’ ત્યારે બાપાશ્રી કહે, ‘ચૈતન્યભૂમિમાં જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી જગત નહિ. બાકી બીજું બધું જગત.’ આ ઉત્તરથી તે ઘણા રાજી થયા.
બીજે દિવસ બાપાશ્રી ઓશરીમાં સૂતા હતા, તે જોઈ એક હરિભક્તે ‘જય સ્વામિનારાયણ’ કરી પૂછ્યું કે, ‘બાપા! આજ ઘણી વાર થયા સૂતા છો, તે આપને શરીરે તો ઠીક છે ને?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘અમે તો મહારાજની મૂર્તિમાં રહ્યા થકા એ દિવ્યમૂર્તિનું સુખ ભોગવીએ છીએ, પણ બીજું કાંઈ જોતા જ નથી.’ આમ ન સમજે તે ફાવે તેમ જાણે. અમારે તો બધુંય સરખું છે. મૂર્તિ વિના બીજી કાંઈ વસ્તુ જ નથી; એક મૂર્તિ જ છે. આમ વાત કરતા હતા, ત્યાં સંતો સાથે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી ભૂજથી દર્શન કરવા આવ્યા તેમને પોતે ઊભા થઈ મળ્યા ને સુખસમાચાર પૂછી, વળી સૂતા સૂતા વાત કરવા લાગ્યા જે, ‘અમારો ઠરાવ તો એક શ્રીજીમહારાજની મૂર્તિ આપવાનો છે, પણ જીવને એ વાતની ખબર ન પડે, તેથી સમજણ વિના આ લોકનું જે તે માગ્યા કરે. જો બીજે ઠેકાણેથી વૃત્તિ તોડી મૂર્તિ સામું નિશાન રાખે તો બહુ ભારે કામ થઈ જાય. બીજું માગ માગ કરે તેને એવું ન મળે.’ એમ કહીને દૃષ્ટાંત આપ્યું જે, `અમારે ખેતરમાં ખળાં ભરાય ત્યાં કોઈ માગવા આવે તેને ખોબે ખોબે આપે, કાં સૂપડાં ભરીને આપે, પણ કાંઈ ગાડું ભરીને કોઈ આપે?’ તેમ પ્રસન્નતાનાં સાધન કર્યા વિના અમથું માગવાથી થોડું મળે. શ્રીજીમહારાજ કોઈને દયા કરીને આપે તો તેની ના નહિ, કેમ કે એ ધણી છે. લોકમાં કેટલાક એમ બોલે છે કે, ‘ભાઈ! કોઈ ધણીનો ધણી છે?’ તેમ મહારાજ પણ ઝાડ, પહાડ, પશુ, પક્ષી આદિનો દૃષ્ટિમાત્રે મોક્ષ કરી નાખે. એ તો એમની અપાર દયા કહેવાય, પણ આપણે તો મન, કર્મ, વચને એમના થઈ રહેવું; તેમાં ઘણો લાભ છે. એમ વાત કરતા કરતા પાછા થોડી વાર સૂઈ ગયા તે મોડેથી જાગ્યા. એ વખતે સંતો તથા બ્રહ્મચારી ભૂજ ગયા; તેમને પોતે બહુ હેતે મળ્યા ને કહ્યું જે, `આજ વાત થઈ તે સંભારી રાખજો; બહુ કામ આવે એવી છે.’
વળી સાંજના સભામાં વચનામૃતની કથા વંચાતી હતી, તે વખતે પોતે સંતો સામું જોઈને વાત કરવા લાગ્યા જે, ‘સર્વેના કારણ એક શ્રીજીમહારાજ છે. એ મૂર્તિ વિના કોઈ જ્યાં ત્યાં બાઝે તેને બહુ દુઃખ થાય છે.’ અને કોઈ બીજો ભગવાન થવા જાય તેને તો ભૂખ, દુઃખ ને માર જ જડે. આપણે તો શ્રીજીમહારાજ વિના બીજા કોઈમાં એવું હેત ન રહે તેવી ચોખ્ખી સમજણ કરવી. પતિવ્રતાની ભક્તિ પણ તેની જ કહેવાય. કારણમૂર્તિ વિના બીજી તાણ રહે તો મહારાજનો મહિમા જણાણો જ નથી. મહારાજમાં શું નથી; બધુંય છે. અનાદિમુક્ત કોટાનકોટિ કલ્પ વીતી જાય તોય મૂર્તિના સુખમાંથી તૃપ્ત થતા નથી, અને સુખમાં લુબ્ધ થકા સળંગ જોડાઈ રહ્યા છે, સુખમાં થીજી રહ્યા છે, કિલ્લોલ કરે છે, સુખમાં ચાલ્યા જ જાય છે, અપાર ને અપાર સુખ અનુભવે છે. સ્વતંત્ર થકા એ સુખનો આહાર કરે છે, પણ ક્યારેય એ મૂર્તિના સુખનો પાર પામી શકતા નથી, તો પરમ એકાંતિક મુક્ત તો ક્યાંથી પાર પામી શકે? એમ જાણી મીન સ્નેહી જળ ને ચંદ્ર સ્નેહી ચકોરની પેઠે મૂર્તિમાં જોડાવું. મૂર્તિના સુખની જ તાણ રાખવી. બીજી બધી તાણ મૂકી દેવી. આવો મોટા મુક્તનો અભિપ્રાય છે. કેમ કે એમને મૂર્તિ વિના બીજો રસ નથી, એમની તો વાત જ નોખી છે, એમની દૃષ્ટિમાં જે કોઈ આવે તેને પળમાત્રમાં ન્યાલ કરી મૂર્તિના સુખમાં પહોંચાડી દે. જુઓને, અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની કેવડી દયા! અજ્ઞાની બ્રાહ્મણોએ સંતોની નિંદા કરવા માંડી તોય પોતાની કૃપાદૃષ્ટિએ તેમને દેહ મેલાવી ધામમાં મૂકી દીધા. એ ક્યાંઈ મળતું ન આવે, પણ એવા મોટા મુક્તની તો એ રીત જ છે. શ્રીજીમહારાજ ને તેમના મુક્તનો તો જીવ ને સુખિયા કરવાનો જ ઠરાવ છે. ભગવાન કે મોટા પુરુષના જોગમાં જે આવે તેના ભાગ્યનું માપ થાય નહિ. અમે પણ ઝાડ, પહાડ, પશુ, પક્ષી આદિ જે કોઈ નજરમાં આવે તેના મોક્ષ થવાના સંકલ્પ કરીએ છીએ. આવો મહિમા ન જાણે તેથી લૂખાપણું મટે નહિ. આ લોકમાં ચિંતામણી, કલ્પવૃક્ષ પણ કેવાં કામ કરે છે? તો મહારાજ ને તેમના અનાદિમુક્ત મોક્ષ કરે તેમાં શું નવાઈ? મહારાજની મૂર્તિમાં નકરું તેજ જ ભર્યુ છે, એવા સ્વામિનારાયણ ભગવાન અને એમની દિવ્ય સભા આપણને મળી તે કામ બહુ ભારે થઈ ગયું છે, એમની કૃપાએ આત્યંતિક મુક્તિ એટલે છેલ્લી મોક્ષ પ્રાપ્તિ થઈ; આવી દિવ્ય સભામાં મૂર્તિનું સુખ તત્કાળ મળે છે. આપણે તો કારણમૂર્તિનું અનુસંધાન અખંડ રાખ્યા કરવું. મહારાજનું કામ મહારાજ કરે છે એટલે પુરુષોત્તમનારાયણ પોતે જ કૃપા કરે ત્યારે સાધર્મ્યપણું પમાય અને ત્યારે જ પૂરું થાય. જ્ઞાન-ધ્યાન પણ એ જ. એને જ ખરી પ્રાપ્તિ કહેવાય.
આ પ્રકારે ચમત્કારી વાતો અને સેવા-સમાગમથી સૌને સુખિયા કરતા બાપાશ્રીએ સંતોને થોડા દિવસ પોતાની પાસે રાખી બહુ જ રાજી કર્યા. પછી એકાદશીને દિવસે પોતે છત્રીએ પધાર્યા ત્યારે પણ સંતોને ઘણી વાર વાતો કરી કહ્યું કે, ‘હવે તમો કાલે ગુજરાતમાં જવાનું કરજો.’ બાપાશ્રી આજ્ઞા કરે એટલે સંતોને પોતાનો એકે ઠરાવ નહિ, તેથી પ્રસન્ન થકા બીજે દિવસ સૌ ઠાકોરજીને થાળ જમાડી તૈયાર થયા ને બાપાશ્રીની ચંદન, કુંકુમ ને ફ્રૂલના હારથી પૂજા કરી; ત્યારે બાપાશ્રી પણ એવી જ રીતે સંતોની પૂજા કરી મળ્યા. પછી હરિભક્તોએ સહિત પોતે ઘણે છેટે સુધી વળાવવા ગયા. ત્યાં પાછા બીજી વાર સંતોને મળ્યા ને કહ્યું જે, ‘હવે સહુ ગાડામાં બેસી જાઓ.’ એમ તેમને વિદાય કરી પોતે હરિભક્તોએ સહિત પાછા વળ્યા.