૨૬ - મૂર્તિનું અહોનિશ ચિંતવન
હવે આ મુક્તરાજ જેમ જેમ પ્રસિદ્ધિમાં આવતા ગયા તેમ તેમ ભૂજ, સુખપુર, માનકૂવા, ભારાસર, સામત્રા, નારાયણપુર, કેરા, દહીંસરા, મેઘપુર, ગોડપુર, રામપુર, વેકરા, માંડવી વગેરે ગામોમાં કથાપ્રસંગ હોય, સમૈયા હોય, મૂર્તિઓ પધરાવવાની હોય, અથવા સગાંવહાલાંઓને ત્યાં નાતતેડાં હોય, ત્યારે સૌની સાથે જાય, આવે પણ પોતાને તો અખંડવૃત્તિ મૂર્તિમાં જ રહે. વૃષપુર કે બીજે ગામ એકાદ દિવસ સૂઈ રહ્યા હોય ત્યારે સહુને એમની ખબર જે, પોતાની મેળાએ ઊઠે છે, તેથી કોઈ ઉઠાડે નહિ. વાડીમાં કે ઘેર મહારાજની વાત કરતા હોય ને નેત્ર ઘેરાવા લાગે કે વાત અધૂરી રહે, ને ઢળી પડે; બીજા જાણે સૂઈ રહ્યા, પણ પોતે તો સમાધિદશામાં જ રહેતા. કલાકે, બે કલાકે, ચાર કલાકે જ્યારે જાગે ત્યારે જે કામ કરવાનું હોય તે ઊઠીને કરવા માંડે – આવી રીતે અલૌકિકભાવે વર્તતા ને વ્યાવહારિક કામકાજ કરતા. આ મુક્તરાજને ત્યાં પ્રથમ એક પુત્રીનો જન્મ થયો હતો, ત્યાર પછી એક પુત્રનો પણ જન્મ થયો, તે જોઈ દેવબાઈને પૂર્ણ સંતોષ થયો. પોતાને વૃદ્ધાવસ્થા આવી ગયેલ હોવાથી શરીર ક્યારેક ઠીક રહે, ક્યારેક ઠીક ન રહે, જેથી વૃત્તિ પાછી વાળી દીધી. રાત્રિદિવસ ઘરમાં આ અનાદિ મુક્તરાજનાં દર્શન તથા સમાધિ આદિ ઐશ્વર્યો જોઈને પોતે પણ મહારાજની મૂર્તિનું અહોનિશ ચિંતવન કરી સુખિયા રહેતા.
આમ થોડા દિવસ વીત્યા પછી એક વખત દેવબાઈએ, ગુવારની સીંગો સૂકવણી કરવા મેડી પર તડકે નાખેલી તે લેવા ગયાં. લઈને આવતાં પગથિયું ભૂલ્યાં કે લથડી પડ્યાં. ‘હે મહારાજ!’ કહેતાં મૂર્તિ આકારે વૃત્તિ થઈ ગઈ. કોઈ ઘેર નહિ ને ઘર બંધ હતું, તેથી બારણું ઊઘડ્યું નહિ, પછી ‘હે મહારાજ! હે મહારાજ! હે ભાઈ!’ એવા ઊંચે સાદે તેમના શબ્દ સાંભળી જતાઆવતા માણસોએ જોયું તો દેવબાઈને પડી ગયાં દીઠાં. પણ કમાડ માંહીથી બંધ કરેલ તે ઊઘડે નહિ. તેથી સુતારને બોલાવી કમાડ ઊઘડાવ્યું ને દેવબાઈને બેઠાં કર્યા. આ નિમિત્ત થયું. પછી પાંચાભાઈને વાડીએ ખબર કર્યા. આ મુક્તરાજે પણ જાણ્યું. બન્ને આવ્યા. ખબર પડતાં બીજાં બાઈઓ તથા સગાંવહાલાંઓ પણ આવ્યાં. વૃદ્ધ શરીર એટલે સાજા થવાની દેવબાઈએ આશા મૂકી. પાંચાભાઈને કહ્યું, ‘હું તો હવે ધામમાં શ્રીજીમહારાજ પાસે જઈશ. થાય તે ભલે કરો!’ પાંચાભાઈ કહે, ‘હળદર ભરી શેક તો કરીએ! બીજું આપણાથી શું થાય?’ આમ બન્નેની વાત સાંભળી મુક્તરાજ કહે, ‘મા! અમને થાય તે સેવા કરવા દ્યો; મહારાજ સારું કરશે.’ પછી હળદર ભરી શેક કરવા માંડ્યો. સગાંવહાલાં જોવા આવે, બોલાવે, ખબર પૂછે. આ મુક્તરાજે વાડીએ જવાનું બંધ કરી પાંચાભાઈને કહ્યું, ‘તમારે ઘરની ચિંતા ન રાખવી, હું સેવા કરીશ.’ એમ કહી રાત્રિદિવસ પોતે તાપશેક કરવા માંડ્યો, તેથી ત્રણચાર દિવસે પછાડનું દુઃખ મટ્યું. ત્યાર પછી પોતાના પુત્રને પાસે બોલાવી દેવબાઈ કહેવા લાગ્યાં જે, ‘ભાઈ! તમે મહારાજના સંકલ્પથી મારે ઘેર આવ્યા છો ને અનેક જીવનાં કલ્યાણ કરો છો, તે હું જાણું છું તોપણ મારાથી જાણેઅજાણે તમને કાંઈ કહેવાણું હોય, કે કાંઈ મનમાં સંકલ્પ થઈ ગયા હોય, તો તે બધા માફ કરજો. હવે મારે આ શરીરથી તમારી સેવા નહિ બની શકે એમ જણાય છે, તો દયા કરી મને મહારાજની મૂર્તિ ન ભુલાય તેમ કરજો ને મારા ઉપર રાજી રહેજો.’ આ વચન સાંભળી મુક્તરાજે ધીરજ આપવા માંડી, ‘મા! મહારાજ જેમ રાખે તેમ આપણે રહેવાનું છે, માટે મૂર્તિ વિના બીજા સંકલ્પ ન કરવા. સદા દિવ્ય સાકાર અને તેજોમય એવા જે સર્વોપરી પુરુષોત્તમનારાયણ ભગવાન પોતાના ધામમાં રહ્યા થકા અનેક જીવનાં કલ્યાણ કરવા આ પૃથ્વી પર ધર્મભક્તિને ઘેર પ્રગટ થયા અને એ જ મહાપ્રભુ પ્રતિમારૂપે દર્શન આપે છે, તેની પ્રાપ્તિ થયા પછી શું કરવાનું બાકી રહે? તમે તો એ મહાપ્રભુને બહુ રાજી કર્યા, તેથી મહારાજ કહે, ‘માગો, જે જોઈએ તે માગો!’ આ કાંઈ સાધારણ વાત ન કહેવાય! મોટા મોટા ઋષિમુનિ રાત્રિદિવસ ધ્યાન ધરીને થાકી જાય છે, તોય સ્વપ્નામાં પણ દેખાતા નથી, એવા મોંઘા શ્રીજીમહારાજ આપણી સાથે વાતો કરે તે કેવડાં મોટાં ભાગ્ય! તમારે તો આનંદમાં જ રહેવું.’ આવાં વચન સાંભળી દેવબાઈ ઘણાં રાજી થયાં ને પ્રેમભીનાં નેત્રે ગદગદ થઈ હાથ જોડ્યા.