૩૬૫ - પારાયણ વખતે પ્રતાપ
આ ઉત્સવ પ્રસંગે દેશોદેશથી ઘણા સંત-હરિભક્તો આવેલા હતા, તે સૌને રાજી કરવા શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાના ઉત્તમ અવસરને જાણી ઉપરદળના ઠક્કર મોતીભાઈ જીવણભાઈએ ચૈત્ર વદ ચોથથી ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસારવાનું નક્કી કર્યું તેથી સૌને અધિક આનંદ થયો. આ પ્રકારે શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠારૂપ બ્રહ્મયજ્ઞમાં સૌને દર્શન-સેવા તથા કથાવાર્તાનો ઘણો લાભ મળતો હતો, પણ સંત-હરિભક્તોના મોટા સમૂહમાં એ ટાણે કોલેરાના રોગનો ઉપદ્રવ જણાવા માંડ્યો અને વ્યાર ગામના એક હરિભક્તે તો એ રોગથી દેહ પણ મૂકી દીધો. આથી સંતોએ તથા દેશાંતરથી આવેલા મોટા મોટા હરિભક્તોએ મળી બાપાશ્રીને પ્રાર્થના કરી જે, શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ રહે ત્યાં સુધી આ રોગથી કે બીજા કોઈ દરદથી અહીં કોઈ દેહ મેલે નહિ, એવી કૃપા કરો તો ઠીક.’ ત્યારે બાપાશ્રી કહે, ‘કાંઈ ફિકર રાખો મા. ઘનશ્યામ મહારાજ સારું કરશે, હવે કોઈ નહિ મરે.’ આવાં આશીર્વાદ-વચનથી સૌ રાજી થયા. પછી તો રોજ સવાર-સાંજ પારાયણ વંચાય ને વાતો થાય. સમય થયે સંત-હરિભક્તો ઠાકોરજી જમાડે, બપોરે નારાયણસરોવરમાં નહાય. આમ અખંડ બ્રહ્મયજ્ઞ થતાં સૌને ‘અક્ષરધામમાં બેઠા થકા શ્રીજીમહારાજનાં દર્શન કરીએ છીએ અને ત્યાં જ કાથાવાર્તા થાય છે’ એવું લાગે.
આ ઉત્સવ પ્રસંગે છપૈયા મંદિરના કારભારી નાગરદાસ બાવાભાઈ શ્રી ઘનશ્યામ મહારાજની સેવારૂપ કાર્યમાં તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રી આદિ સંઘની સરભરા કરવામાં સારો લાભ લેતા હતા.
શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાવિધિ માટે ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજે પાસે રહી જન્મસ્થાનની સામે યજ્ઞમંડપ તૈયાર કરાવી કાશી તથા અયોધ્યા આદિના વૈદિક કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણો પાસે યથાશાસ્ત્રવિધિ ચાલુ કરાવ્યો હતો, તેમાં પણ ગ્રહસ્થાપન વગેરેમાં મુખ્ય ભાગ આચાર્યશ્રી પોતે જ લેતા.
આ સમૈયામાં ચારે તરફ કથાવાર્તા ને કીર્તન સાથે હોમહવન થતાં ભારે ધામધૂમ થઈ રહી હતી. હજારો-હજાર હરિભક્તો આવેજાય, કેટલાક ગરબીઓ ગાય, મંદિરમાં ચોઘડિયાં વાગે, સાથે ઢોલ, ત્રાંસા, શરણાઈ આદિ વાગતાં એ સ્થાન ગાજી રહ્યું જણાય. સભા સામું કોઈ જુએ તો સંત-હરિભક્તોની વિશાળ સભા બેઠી જ હોય. કેટલાક હરિભક્તો ઉત્સવ કરે, ઠાકોરજી જમાડવા ટાણે મોટી મોટી પંક્તિઓ થાય. સવારે, બપોરે અને સાંજે આરતીઓ વાગે, ત્યારે તો શોભા કહ્યામાં જ ન આવે. સૌનાં હૃદયમાં જાણે એકસરખો ઉમંગ.
સાત દિવસની પારાયણનો બ્રહ્મયજ્ઞ ચાલતો હતો તેમ પાછો ત્રણ દિવસ સુધી હોમહવન ચાલતો થયો. વચમાં અલૌકિક ચમત્કાર પણ જણાયા કરતા.