૬૯૭ - પાઘડીઓ બંધાવી આશીર્વાદ આપ્યા
આ રીતે મહિમાભરેલાં પ્રસન્નતાનાં વચનો સાંભળી હરિભક્તો રાજી થયા. પછી પંક્તિ ઊઠવાનો સમય થયો એટલે બાપાશ્રી આંબાના વૃક્ષ નીચે આવી હરિભક્તોએ સહિત બેઠા. ત્યાં યજ્ઞમાં સેવા કરનારા તથા ગામોગામથી આવેલા નાતના આગેવાન હરિભક્તો પણ આવ્યા. એ સહુને બાપાશ્રીએ પાઘડીઓ બંધાવવા માંડી. ત્યારે હરિભક્તો કહે, ‘બાપા! પહેલી અમને પૂજા કરવા દ્યો,’ -એમ કહી મોટા મોટા હરિભક્તોએ એક પછી એક પાસે આવી બાપાશ્રી તથા તેમના પુત્રોની પૂજા કરી. પછી એ સહુને બાપાશ્રીએ પાઘડીઓ બંધાવવા માંડી, તે ઘણી વાર સુધી હરિભક્તોનાં નામ લઈ લઈ આગળ બોલાવતા આવે ને પાઘડીઓ બંધાવતા આવે, એમ સૌના ઉપર ઘણો રાજીપો જણાવ્યો. પછી પોતે વાત કરવા લાગ્યા જે, ‘આ યજ્ઞમાં તમોએ રાતદિવસ દાખડા બહુ કર્યા છે તે બધુંય મારી જાણમાં છે, પણ આ સેવામાં સૌને લાભ બહુ મોટો મળ્યો. આ યજ્ઞમાં જે જે આવ્યા ને આ મહાપ્રસાદી જમ્યા તેનો છેલ્લો જન્મ થઈ ગયો એમ જાણજો, અમે તો સહુને મૂર્તિમાં રાખવાનો સંકલ્પ કર્યો છે. આ સભા દિવ્ય છે, આ મુક્ત સર્વે અક્ષરધામમાં મહારાજની મૂર્તિમાં રહેનારા છે, મહારાજના અનાદિ મુક્તોએ દયા કરીને મૂર્તિનું સુખ પમાડવા આવા માર્ગ કાઢ્યા છે, અમે તો આજ સુધી આવાં જ કામ કર્યાં છે, અમને બીજું કાંઈ આવડતું નથી, તમો આ યજ્ઞ, આવાં દર્શન, આ જમવું, રમવું ને મળવું એ બધુંય સંભારી રાખજો.’
પછી પોતાની સેવા કરનારા આશાભાઈને આગળ બોલાવી તેમના માથે પાઘડી બંધાવવા માંડી, ત્યારે આશાભાઈ કહે, ‘બાપા! તમે રાજી છો ને દયા કરી સેવામાં રાખો છો, એ મને ખરેખરી સાચી પાઘડી બંધાવી છે; આ સેવા ક્યાંથી મળે? તમે આવા ને આવા સદાય રાજી રહેજો એટલે મને બધુંય આપ્યું.’ આવાં વિનયવચનો સાંભળી બાપાશ્રી હરિભક્તો પાસે તેમની પ્રશંસા કરતા બોલ્યા જે, ‘આ આશાભાઈ મારી રાત ને દિવસ સેવા કર્યા કરે છે, તેને ઊંઘ, ઉજાગરો, ભૂખ કે થાકની ગણતરી નથી, આ તો મહિમાની મૂર્તિ છે, આને હું વઢું, વખાણું, બોલાવું કે ન બોલાવું, રહેવાનું કે જવાનું કહું, પણ ક્યારેય અકળાય નહિ, એણે કોઈ દિવસ પૂરી ઊંઘેય નહિ કરી હોય! હું કહું એ તો કરે, પણ ઘરમાં નાનું છોકરું હોય ને તે કહે, ‘આશાબાપા! ત્યારે પોતે કહે, ‘હાં બાપા!’ - એમ કહે ને તુરત તેની પાસે જઈ કામ હોય તે કરી આવે, વાડીમાં કાંઈ કામકાજ હોય તો ત્યાંય પહોંચી જાય, મંદિરમાં સાધુ કે હરિભક્ત આવ્યા હોય તે પણ એમની સેવા જોઈને રાજી રાજી થઈ જાય.’ એમ કહીને પછી સોની મોતીભાઈને માથે હાથ મૂકીને બોલ્યા જે, ‘આ મોતીભાઈ પણ એ જેવા જ મારા કામમાં આવે છે, આ તો સાવ ઢૂકડા રહે એટલે કાંઈ કામ હોય ને ભૂજ સમાચાર મોકલીએ કે તુરત જાણે આવ્યા જ છે! તેમના દીકરાઓ પણ મહિમાવાળા; પછી પોતાની હરવખત સેવા કરનારા હીરજીભાઈ તથા જાદવજીભાઈનાં નામ લઈને તેની પ્રશંસા કરી જે, ‘આ પણ ખરેખરા છે, મારી સેવા ટાણે ટાણે બહુ કરે છે. અમારા કાનજી ને મનજી તો સાવ ભોળા, બેસવાનું કહીએ તો બેસે ને ઊઠવાનું કહીએ તો ઊઠે અને આ નાના છોકરા માવજી, જાદવો ને હરજી, એ પણ મહિમાવાળા ખરા, એટલે ટાણે ટાણે બને તે સેવા કરે છે, પણ આ આશોભાઈ તે આશોભાઈ.’ એમ કહી તેમને પોતાને હાથે પાઘડી બંધાવી. પછી મોતીભાઈ આદિ સૌને પાઘડીઓ બંધાવતા બાપાશ્રી ધનજીભાઈના વચેટ દીકરા લાલજીભાઈને માથે પાઘડી બંધાવવા મંડ્યા ત્યારે તે કહે, ‘બાપા! મારા મોટાભાઈને બંધાવો તો ઠીક લાગે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તારા મોટાભાઈ રામજીને તો ધોળું બાંધે તો બંધાવું.’ ત્યારે રામજીભાઈ કહે, ‘બાપા! જેમ આપ રાજી હો તેમ કરો, હું તો આપ જેમ કરશો તેમ રાજી થઈશ.’ એવાં વચન સાંભળી બાપાશ્રીએ તેમને સાવ ધોળી પાઘડી બંધાવી ને કહ્યું જે, ‘આ મેં સમજીને ધોળું બંધાવ્યું છે એમ જાણજે, કેમ કે તુંને પછી આવા બંધાવનારા નહિ મળે.’ એમ મર્મવચન કહ્યું, પણ તે વખતે કોઈ સમજી શક્યા નહિ.
આ રીતે બાપાશ્રી પોતાની અનુવૃત્તિ સાચવી સેવા કરનારાઓને પ્રસન્નતારૂપ મોજ આપતા હતા ત્યાં હીરજીભાઈના દીકરા પ્રેમજીભાઈએ આવી બાપાશ્રીને ‘જય સ્વામિનારાયણ’ કર્યા, ત્યારે પોતે કંઠમાંથી ફૂલનો હાર ઉતારી તેને પહેરાવ્યો ને માથે હાથ મૂકી બોલ્યા જે, ‘આ પ્રેમજી પણ સેવક ખરો છે, હું એને જે કાંઈ કામ ચીંધુ તે રાજી થઈને કરે પણ આળસ નહિ, નાહવા ટાણે નવરાવે ને હું સૂતો હોઉં ત્યારે પાસે બેસીને સેવા કરે, સૂઈ જવાનું કહું ત્યારે એમ ને એમ પાથર્યા વિના સૂઈ જાય, ક્યારેક રાતમાં ઓચિંતાનો જાગીને કહે, ‘બાપા! શું કામ છે?’ ત્યારે હું કહું, ‘પ્રેમજી બચ્ચા! આ ટાણે હજી રાત છે, સૂઈ જા.’ ત્યારે વળી સૂવે, સભામાં પણ બેસે, સાધુ આવે ત્યારે દોડી દોડીને સેવા કરે, આટલી નાની ઉંમરમાં સમજણે સહિત મહિમા, એ મોટાના રાજીપાનું ફળ છે.’
આ રીતે સેવા કરનારા હરિભક્તો પર પ્રસન્નતા જણાવી બાપાશ્રી મંદિરમાં પધાર્યા, ત્યાં તો સંતમંડળ ઠાકોરજીને જમાડી સભા કરી બેઠા હતા. ત્યાં બાપાશ્રી સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી ઠાકોરજીને જમાડવા ઘેર પધાર્યા. આથી સંત-હરિભક્તોને એમ જે, ‘આ યજ્ઞમાં બાપાશ્રીને જમવાનું, સૂવાનું કે થાક લાગવાનું તો જાણે નામ જ નથી.’
વળી થોડી વારે ઘેરથી પોતે મંદિરમાં આવ્યા એટલે સંતોએ ફૂલના હાર પહેરાવ્યા, ત્યારે બાપાશ્રીએ પણ સૌને એ હાર પહેરાવી કહ્યું જે, ‘તમોએ આ યજ્ઞમાં સેવા બહુ કરી છે, તેનું તમને અખંડ ને અવિનાશી ફળ જે શ્રીજીમહારાજની મૂર્તિનું દિવ્ય સુખ તે મળશે.’ એમ આશીર્વાદ આપી રાજી કર્યા.