૫૮૯ - મોહનને દર્શન આપી મંદવાડ મટાડ્યો
ભૂજમાં કથાની સમાપ્તિ થયા પછી બાપાશ્રી સંતોને ગામડે જઈ આવવાની ભલામણ કરતા હતા, તે જ વખતે બીજે સ્વરૂપે પોતે ધ્રાંગધ્રામાં સોની મોહનને દર્શન આપીને કહ્યું જે, ‘તને પૂનમના રોજ બપોરે બાર વાગ્યે ધામમાં તેડી જશું.’ આ વાત તે મોહને તેના બાપને કહી, તેથી તેણે વૃષપુરમાં બાપાશ્રી પર તાર કર્યો જે, ‘મોહનને સાટે મને લઈ જાઓ તો ભલે, પણ એને રાખો.’ પછી એ તાર સોની મોતીભાઈ ઉપર આવતાં તે તુરત બાપાશ્રી પાસે ગયા ને તેમણે પણ પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રી કહે, ‘તેને લખો કે તમારી પ્રાર્થના મંજૂર.’(આ આવેલ તાર અને તે તારનો બાપાશ્રીએ લખાવેલ જવાબ, એ બેય વાંચી તારમાસ્તર મણિલાલભાઈ તો આશ્વર્ય પામી ગયા ને મહિમા જાણી સત્સંગી થયા) એ વખતે અહીં મોહનને બાપાશ્રીએ ફરી વાર દર્શન આપીને કહ્યું જે, ‘હવે તને હમણાં રાખશું’ -એમ કહી તેને જમવાની આજ્ઞા કરી જે, ‘તને ભાવે તેટલી ઘીવાળી લાપસી આજ જમજે એટલે તારો મંદવાડ મટી જશે.’ પછી તે મોહને તેની માને કહી લાપસી કરાવી. સૌને એમ જે, ‘મંદવાડમાં આવું ન જમાય.’ પણ આ મોહનને તો બાપાશ્રીએ કહેલ હોવાથી તેને એ બીક નહોતી, તેથી સાજો માણસ જમે તેટલી ઘીવાળી લાપસી જમી ગયો. ત્યાર પછી પાંચસાત દિવસ થયા ત્યાં તો જાણે મંદવાડ હતો જ નહિ એવું ઠીક થઈ ગયું.
(આથી બે વર્ષ પહેલાં આ મોહનના પિતા લીલાધરભાઈ તથા તેમના બીજા બે દીકરા બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર ગયા હતા ત્યાં તેમને થોડા દિવસ રાખી બાપાશ્રીએ બહુ જ સુખ આપ્યું હતું, પણ ચાલતી વખતે આ મોહનનું કાંડું ઝાલી બોલ્યા હતા જે, ‘તને અમારી સેવામાં રાખવો છે.’ ત્યારે મોહન કહે, ‘બાપા! મારાં મોટાં ભાગ્ય!’ આથી પોતે રાજી થઈ માથે હાથ મૂકી રજા આપી હતી. આ મર્મવચનમાં લીલાધરભાઈ કાંઈ સમજી શક્યા નહોતા, પણ બાપાશ્રીએ જ્યારે મોહનને દર્શન દઈ પૂનમના રોજ તેડી જવાનું કહ્યું અને એ વાત પોતે જાણી, ત્યારે તે વખતની વાત તેમને યાદ આવી જે, બાપાશ્રીએ તેમને ધામમાં લઈ જવા માટે જ ‘ સેવામાં રાખવો છે,’ - એમ મર્મમાં કહ્યું હશે).