૧૦૭ - મોટા મુક્ત મોક્ષનો દરવાજો છે

0:000:00

એક દિવસ મંદિરની ઓશરીમાં ભાઈશ્રી સૂતા હતા ને ગામડેથી હરિભક્તો આવ્યા તે ઠાકોરજીનાં દર્શન કરી પાસે બેઠા ને બીજા હરિભક્તને પૂછ્યું જે, ‘ભાઈ આજ કેમ સૂતા છે?’ ત્યારે તે કહે, ‘અમથા.’ હરિભક્તોએ ઘણી વાર વાટ જોઈ ત્યારે જાગ્યા ને સમાચાર પૂછ્યા. વળી બેઠા બેઠા ધ્યાનમાં ઊતરી ગયા. થોડી વાર પછી પોતાની મેળાએ વાત કરવા લાગ્યા જે, ‘લાખ વર્ષ સાધન કર્યે જે કામ ન થાય તે કામ દર્શનમાત્રે થાય એવો જોગ આ ટાણે છે. તમે ગામડેથી ચાલીને અહીં આવો તે જાણે કેટલુંય લાગે, પણ મહારાજ ને મુક્ત ક્યાંથી આવ્યા છે, એ સમજાય તો ‘અહો અહો’ થઈ જાય.’ આગળ મોટા સંતો વાત કરતા કે, ‘ઘરમાં દાણા ખાવા ન હોય તો હાથમાં રામપત્તર લઈને માગી ખાવું, પણ મોટાનો જોગ ન મૂકવો, કેમ કે એ મોક્ષનો દરવાજો છે; આ તો કેવું છે તો જેમ કોઈ પરદેશ કમાવા જતો હોય ને વચમાં કોઈ મળે ને કહે જે, ‘લે ચિંતામણી, પાછો વળ, તોય ચિંતામણિ ન લે ને કમાવા જાય, તે કેવો મૂરખ કેહવાય? તેમ મહારાજ ને મુક્તની પ્રાપ્તિ થઈ છે, પણ જીવને એ વસ્તુનું પારખું નથી, તેથી બીજે ધોડા કરે છે. એમને કોઈ પારકા-પોતાના ન હોય, પણ મૂર્તિઆકારે વૃત્તિ કરવી એટલું તો પોતાને કરવું જોઈએ.’ એમ કહી તેમના પર પ્રસન્નતા જણાવી બેઠા થઈને મળ્યા.