૩૯ - ‘મોટાનો મહિમા મોટા જાણે’
એક વખત મુક્તરાજ લક્ષ્મીરામભાઈ છપૈયે શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગયા હતા. તે વળતાં અમદાવાદ, વડતાલ, ગઢડા, મૂળી આદિ ધામોનાં દર્શન કરી ભૂજ આવ્યા. ત્યાંથી બીજે દિવસ લક્ષ્મીરામભાઈ માંડવી જવાના હતા તેવા ખબર આગળથી મળેલા, તેથી ભાઈશ્રી નારાયણપુર ગયા ને ત્યાંથી જાદવજીભાઈ આદિ સહકુટુંબને પોતાની સાથે લઈ લક્ષ્મીરામભાઈનાં દર્શન કરવા સામા ચાલ્યા તે ખત્રીવાળા તળાવની દક્ષિણાદિ તરફ જયાં સડકનો ફાંટો ફૂટે છે ત્યાં મોટા બાવળ નીચે બેસીને સૌ વાટ જોવા લાગ્યા. પછી લક્ષ્મીરામભાઈ સાંજના રેંકડામાં બેસીને નીકળ્યા ત્યારે તેમને દેખીને ભાઈશ્રી તથા જાદવજીભાઈ આદિ સહુ દંડવત્ કરવા મંડ્યા. લક્ષ્મીરામભાઈ પણ ભાઈશ્રીને જોઈને રેંકડામાંથી ઊતરી દંડવત્ કરવા લાગ્યા. ત્યારે ભાઈશ્રી સામા દંડવત્ કરે ને કહેતા જાય કે, ‘ભાઈ, તમે તીર્થ કરીને આવો છો. બ્રાહ્મણ ને વયોવૃદ્ધ છો, માટે આ ઠીક નથી કરતા.’ તોપણ તે દંડવત્ કરતા બંધ ન રહ્યા. પછી સામા જઈને ઉપાડી લીધા ને બાથમાં ભીડીને અતિહેતે મળ્યા. એમ મોટાનો મહિમા મોટા જાણે.