૩૦૭ - સમૈયાની ધામધૂમ
સમૈયાને દિવસે પારાયણની સમાપ્તિ હોવાથી બહુ પ્રકારની ધામધૂમ સાથે ઠાકોરજીને ભેટો મૂકી, આચાર્ય મહારાજને શિરપાવ કરી આરતી ઉતારી; પછી સંતોને વસ્ત્રો ઓઢાડી, અનાદિમુક્તરાજ બાપાશ્રીને પણ મોટી પાઘડી બંધાવી.
ત્યાર પછી સદ્ગુરુઓના આસને હરિભક્તોની ભીડમાં બાપાશ્રી મહારાજના મહિમાની ચમત્કારી વાતો કરી સૌને રાજી કરતા આખો દિવસ બ્રહ્મયજ્ઞ ચાલ્યો. સંધ્યા-આરતી પછી તો ઠાકોરજી પાસે ઉત્સવ થવા લાગ્યો ને એક કોર ચોઘડિયાંના ને શરણાઈઓના નાદ થતાં હજારો હરિભક્તો જન્મસમયનાં દર્શનની વાટ જોઈ રહ્યા હતા; ત્યાં તો દસ વાગ્યા ને આરતી થઈ એટલે સર્વત્ર આનંદ આનંદ છાઈ રહ્યો ને ‘જય જય’ શબ્દ થતાં ભીડમાં ને ભીડમાં સહુ દર્શન કરવા લાગ્યા. થોડી વારે ભીડ ઓછી થઈ ત્યારે સદ્ગુરુ આદિ સંતોએ સહિત બાપાશ્રી મંદિર પર દર્શન કરવા આવ્યા. તે વખતે જાણે મૂર્તિઓમાંથી તેજની છટા છૂટતી હોય ને મહાપ્રભુ મંદ મંદ હસતા હોય એવું સૌને જણાતું હતું. આ રીતે મુક્તરાજ કંકુબાની પારાયણમાં નાનામોટા સહુને આનંદ પમાડી, બાપાશ્રી ત્યાં બે દિવસ રોકાણા હતા. એક દિવસ કંકુબા તથા મોંધીબા આદિ બાઈઓએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘તમે દયા કરી પધાર્યા તેથી હજારો હરિભક્તો સુખિયા થયા.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે મહારાજને રાજી કરવા આવાં મોટાં કામ કરાવો છો તે તમને ધન્ય છે. શ્રીજીમહારાજનો રાજીપો કથાવાર્તા રૂપ બ્રહ્મયજ્ઞ કરવાથી ઘણો થાય છે. તમારી પારાયણમાં મહારાજ સભામાં તેજોમય દર્શન દેતા હતા ને સંત-હરિભક્તો પર અમૃતનજર કરી રહ્યા હતા, તેથી તમારું દ્રવ્ય લેખે આવી ગયું. અમારે ત્યાં યજ્ઞ-સમૈયા થાય છે પણ બીજી રીતના; કેમ કે બધી એક નાત એટલે સૌ હાથોહાથ કામ કરવા મંડી પડે. અહીં તો સંતો ઉપર બધુંય કામ, તોપણ શોભા સારી થઈ,’ –એમ કહી તેમને રાજી કર્યા.