૩૩૮ - વાલોળનું શાક જમાડી રોગ મટાડ્યો

0:000:00

આ યજ્ઞમાં ભૂજ રાજ્યના કેટલાક અમલદારો આવેલા, તેમને એક ખોજાના મેડીબંધ નવા ઘરમાં ઉતારો આપેલ હોવાથી એક દિવસ એ ઘરધણી ખોજાને તેઓએ પૂછ્યું જે, ‘કણબી તો બાપાની નાત્યના ગણાય, પણ તમે તો મુસલમાન થઈને આવાં નવાં ઘર કેમ વાપરવા આપ્યાં? ત્યારે તે કહે, ‘ભાઈ! ઘર તો શું? પણ મારું સર્વસ્વ તેમને આપી દઉં તોય ઓછું છે,’ –એમ કહીને પછી પોતાની વાત કરી જે, ‘હું કોઈ ઉપાયે જીવું તેમ નહોતું, એવો અસાધ્ય રોગ મને થયો હતો; તેમાં મારા બાપે ઘણા વૈદ ને ડૉકટરની દવાઓ કરાવી, તે ખાઈ ખાઈને હું કંટાળી ગયો તોય કેટલાકે કહ્યું જે, આ છોકરાને ખુદા બચાવે તો ભલે! અમારા પાસે આનું ઔષધ નથી. પછી મારા બાપ સાવ નિરાશ થઈ મને માંચીમાં બેસારી અબજીબાપા પાસે લઈ આવ્યા ને કહ્યું જે, ‘મારે આ એક જ છોકરો છે, તેને દવા કરી કરીને હું થાક્યો છું, પણ કાંઈ વળતું નથી. હવે જો તમે આનો હાથ ઝાલો ને બચાવો તો બચે એવું છે.’ એ વખતે બાપાશ્રી થોડી વાર વિચારી રહ્યા, ત્યાં તો મારા બાપ બહુ દિલગીર થઈ ગયા; એ જોઈ પોતાના ઘરમાં પોણો શેર વાલોળનું શાક કરેલું, તે પોતે મોટા વાટકામાં લઈ આવ્યા ને મને કહ્યું જે, ‘સ્વામિનારાયણનું નામ લઈ આટલું શાક જમી જા, તો તારો રોગ મટી જાય ને થોડું જમે તો થોડો રોગ મટે.’ પછી મને એમ થયું જે, ‘રોગ મટતો હોય તો આટલામાં શું?’ એમ જાણી બધું શાક જમી ગયો કે તુરત જાણે શરીરમાં શક્તિ આવી ગઈ; પછી તો માંચીમાંથી ઊઠીને ચાલીને ઘેર ગયો ને રોગ તો જાણે હતો જ નહિ એવું થઈ ગયું. આવો મહાન ઉપકાર મારાથી કેમ ભુલાય?’ આવાં વચન સાંભળી ગિરજાશંકરભાઈ આદિ અમલદારોને બાપાશ્રીને વિષે ઘણું હેત થઈ ગયું.