૫૦ - સદ્‍ગુરુ નિર્ગુણદાસજી

0:000:00

આ રીતે થોડો સમય વીત્યા પછી અમદાવાદથી સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીનું મંડળ મૂળી થઈ ભૂજ આવ્યું. તેમની સાથે મૂળીના સાધુ કૃષ્ણજીવનદાસજી, બાલકૃષ્ણદાસજી, ભક્તિપ્રિયદાસજી વગેરે હતા. એ બધા રણ ઊતરીને પગરસ્તે કચ્છમાં આવ્યા હતા. આ સંતોને અનાદિ મુક્તરાજ ભાઈશ્રીના સામર્થ્યની બરાબર ખબર હતી, પણ એ વાત બહુ ખાનગી રાખતા ને પોતાના સમાગમવાળાને જણાવતા. આ સંતોના ભૂજ પધારવાના ખબર આગળથી મળતાં માંડવીથી મુક્તરાજ લક્ષ્મીરામભાઈ પ્રથમથી જ ભૂજ આવેલા અને ગામડાંમાં ખબર પડતાં આ અનાદિ મુક્તરાજ ભાઈશ્રી, તથા દહીંસરાથી કેસરાભાઈ, નારાયણપુરથી જાદવજીભાઈ અને રામપુરથી દેવરાજભાઈ આદિ ઘણા હરિભક્તો પણ ભૂજ આવી પહોંચ્યા. સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજી તો મહાસમર્થ અને પ્રતાપી પુરુષ હતા, કેમ કે શ્રીજીમહારાજનો હૃદગત અભિપ્રાય જાણનારા અને સત્સંગના શિરોમણિ એવા મહા અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામીને જેમણે સેવેલા, તેમાં શું કહેવાનું હોય? શ્રીજીમહારાજનાં દર્શન સાથે આવા મહા મુક્તનો જોગ-સમાગમ કરવા આ મુક્તો બધા એકત્ર થયા હતા, જેથી સવારમાં ઊઠતાંની સાથે નાહી, ધોઈ, પૂજાપાઠથી પરવારી ઠાકોરજીની મંગળા તથા શણગાર આરતીનાં દર્શન કરી કથાવાર્તા માટે સૌ બેસી જતા એ વખતે સભામંડપ આખોય સંત-હરિભક્તોથી ભરાઈ જતો. જેમ વક્તા મહાસમર્થ તેમ શ્રોતામાં પણ કેટલાક જૂના, અનુભવી, દૃઢ અંગવાળા, વૃદ્ધ હરિભક્તો હોવાથી મૂર્તિના સુખની નવીન નવીન ચમત્કારિક વાતો થતી. સવારે તથા બપોરે ઠાકોરજી જમાડીને, વળી સાંજે, સંધ્યાઆરતી વખતે અને છેલ્લી વારે શયનઆરતી પછી, એમ કથાવાર્તાનો અખાડો ચાલુ જ રહેતો. એકબીજા મુક્તો પરસ્પર મહિમાની વાતો કરતા, પણ આ અનાદિ મુક્તરાજ તો, જાણે કાંઈ ન જાણતા હોય તેમ મૌન બેસી રહેતા. એ વખતે બ્રહ્મચારી ઉત્તમાનંદજી સ્વામી ઠાકોરજીની સેવામાં હતા, તે પાસે રહી આ સર્વે મુક્તોને જમાડી રાજી કરતા. ઝવેરી હોય તે હીરાને પારખી લે, તેમ અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામી, અક્ષરજીવનદાસજી સ્વામી તથા મુક્તરાજ લક્ષ્મીરામભાઈ, કેસરાભાઈ જેવા મોટા મુક્તો રાત્રે એકાંતે બેસી શ્રીજીમહારાજના રહસ્ય-જ્ઞાનની વાતો કરતા, તે સાથે આ મુક્તરાજ ભાઈશ્રીની મોટપનું પણ વર્ણન કરતા. તેથી દિવ્ય સભાનાં દર્શન, સેવા, સમાગમ, કથાવાર્તાનું સુખ એ વખતે ભૂજના હરિભક્તોને બહુ મળતું. સભામાં સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામી પુરુષોત્તમપણાની, આજ્ઞા-ઉપાસનાની, મહારાજ તથા મોટાના મહિમાની, મનુષ્યભાવ-દિવ્યભાવ એક સમજવાની, એવી અનેક પ્રકારની નવીન નવીન વાતો કરતા હોવાથી સભામાં સર્વત્ર આનંદ આનંદ થઈ રહેતો.

આ રીતે કોઈ પાંચ દિવસ, તો કોઈ આઠદસ દિવસ અને કોઈ તો મહિનો સુધી સમાગમ કરવા ભૂજમાં રહેતા, પણ જ્યારે એ હરિભક્તો પોતાને ગામ જવા રજા માગે ત્યારે સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામી તેમને એ પાઠ ભણાવતા જે, ‘મહારાજ ને મોટા મુક્ત એ બે વડે જ કલ્યાણ છે, માટે, ‘આજ્ઞા-ઉપાસના’ દૃઢ રાખી તેમને રાજી કરી લેવા. એ રાજી ન થાય ત્યાં સુધી ગમે તેટલાં સાધન કરે તોય કલ્યાણ ન થાય.’ છેવટે સ્વામીશ્રી નામ લઈને કહેતા જે, ‘આ અબજીભાઈ છે. તે અનાદિ સિદ્ધમુક્ત છે, મહારાજના લાડીલા છે, બહુ જ મોટા છે, એમ જાણી અમે પણ એમનો જોગ કરવા આવીએ છીએ. આવા સમર્થ છતાં એ કોઈને જણાવે તેવા નથી, પણ સૂર્ય ઊગે ત્યારે કોઈથી અજાણ્યું ન રહે, તેમ પછી સૌ જાણશે; માટે હેત રાખજો, સેવા કરજો,’ એમ કહી પોતે પણ ચંદનપુષ્પથી હરિભક્તો પાસે પૂજા કરાવે. એ વખતે આ મુક્તરાજ સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજી તથા લક્ષ્મીરામભાઈ આદિની પ્રથમ પૂજા કરતા. મૂળીના મોટા સંત સ્વામી બાળકૃષ્ણદાસજી તે તો ત્રણેય અવસ્થામાં અખંડ મૂર્તિ દેખતા હોવાથી એમની નજર તો મહારાજ સામી જ રહેતી, જ્યારે આ મુક્તમંડળ પરસ્પર પૂજાઓ કરે, વાતો કરે અથવા મળે, ત્યારે એ સ્વામીશ્રી તો, જોઈ જોઈને આનંદ પામે, કોઈ તેમને પૂછે તો એમ કહે જે, ‘શ્રીજીમહારાજ સૌને દર્શન દે છે, હેત જણાવી સુખ આપે છે. સર્વે દિવ્ય મૂર્તિઓ ને દિવ્ય સુખ છે.’ સંતોમાં તથા હરિભક્તોમાં આવા સ્થિતિવાળા મુક્તોનાં દર્શનથી પ્રસન્ન થઈ ભૂજના મોટા મોટા હરિભક્તો રસોઈઓ આપી, સેવા કરી ખૂબ લહાવ લેતા. સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજી એ વખતે સંત-હરિભક્તોને આ અનાદિ મુક્તરાજનો મહિમા ઘણો કહેતા, પણ ભાઈશ્રી કાંઈ બોલે નહિ, તેથી તેમના પાસે વાતો કરાવવા સભામાં એવા એવા પ્રશ્ન પૂછે કે, જેનો ઉત્તર આપતાં વાતો કરવી જ પડે. પણ એ વખતે આ મુક્તરાજ તો બહુ જ ટૂંકામાં ઉત્તર આપી મૌન થઈ જતા. તેથી સ્વામીશ્રીને એ તાણ રહ્યા જ કરતી કે આ મુક્તરાજ વાતો કરે તો, ઘણા સંત-હરિભક્તોને લાભ થાય. સૌ તેમને ઓળખે, રાજી કરે ને સુખિયા થાય. છેવટે જ્યારે ભૂજથી વૃષપુર જવા ભાઈશ્રીએ રજા માગી, દંડવત્ કર્યા ને સ્વામીશ્રીને કહ્યું જે, ‘આપ વૃષપુર ક્યારે પધારશો?’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘અમે વૃષપુર આવશું, પણ તમારે સંતોને વાતો કરી સુખિયા કરવા પડશે.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘જેવી મહારાજની મરજી,’ –આ વચનથી સ્વામી કહે, ‘હું મરજી જાણીને જ કહું છું.’ એમ તે વખતે રાજી કરી પોતે વૃષપુર પધાર્યા. ( આ વખતે ભાઈશ્રીને ઘેર એક પુત્રનો જન્મ થયો હતો ). સ્વામીશ્રીના આગ્રહથી આ મુક્તરાજે જાણ્યું જે, ‘હવે તો વાતો કરવી જ પડશે,’ – એમ ધારી, થોડે થોડે વાતોનું પ્રકરણ પોતે ચાલતું કર્યું.