૫૪૫ - ગંગાજી પર દેહનો વિધિ

0:000:00

આ વાતની ખબર પડતાં રામપુરના હરિભક્તોએ સવાર સુધીમાં તો માણસો મોકલી તથા સાઇકલો દોડાવી ગામોગામ ખબર પહોંચાડી દીધા. એટલે ગામોગામ તે દિવસ સહુએ અગતો પાળ્યેા (કામ બંધ રાખ્યું) અને નાનાંમોટાં બાઈ, ભાઈ તથા ગુણ-બુદ્ધિવાળા હજારો મનુષ્ય રામપુર આવી પહોંચ્યાં. તે વખતે બાઈઓની આંખ્યોમાં તો આંસુ સુકાય જ નહિ. સહુ 'સ્વામિનારાયણ, સ્વામિનારાયણ' કરે ને પરસ્પર એમ બોલે કે, કચ્છમાં આજ એક મોટું સજીવન તીર્થ બંધ થયું; ધનબા માની આપણને મોટી ખોટ આવી. એમ બોલતાં સહુ ઉદાસ થઈ રહ્યાં હતાં ત્યાં હરિભક્તોએ લાકડાની પાલખી તૈયાર કરાવી, એટલે મુક્તરાજ ધનબાને તેમાં પધરાવી બાઈઓ ઉપાડી ચાલ્યાં અને હરિભક્તો આગળ ઉત્સવનાં કીર્તન બોલતા ને ધૂન્ય કરતા ચાલ્યા આવે. બાઈઓ 'સ્વામિનારાયણ, સ્વામિનારાયણ' કરે. એમ એ સૌ ગંગાજીએ પહોંચ્યાં. ત્યાં દેહનો વિધિ કરવા માટે સુખડનાં લાકડાં, ઘી, તુળસી, નાળિયેર વગેરે હરિભક્તો લાવેલા, તેથી તેમનાં સેવક કાનબાને હાથે તેમનો અગ્નિસંસ્કારવિધિ કર્યો. એ ટાણે ગંગાજી ઉપર ઘણી ભીડ થઈ હતી, તેમાં સૌની સાથે બાપાશ્રી પણ આવી ગયેલા હોવાથી દેવરાજભાઈ આદિ હરિભક્તો સાથે પોતે મુક્તરાજ ધનબા ધામમાં પધાર્યા સંબંધી વાત કરતા હતા. ત્યારે દેવરાજભાઈએ ધનબાને દેહ મૂકવા ટાણે દર્શન થયાં હતાં વગેરે વાતો કરી, ત્યારે પોતે એમ બોલ્યા જે, 'આવાં મોટાં મુક્તને મહારાજ અને દિવ્ય સભા તેડવા આવે તેમાં શી નવાઈ!' આમ વાત કરતા, જ્યારે અગ્નિસંસ્કાર થઈ રહ્યો ત્યારે સહુ ગંગાજીમાં નાહી વસ્ત્રો બદલી મંદિરમાં આવ્યાં પછી મોટી સભા થઈ, ત્યારે બાપાશ્રીએ હરિભક્તો પાસે મુક્તરાજ ધનબાનો ખરખરો કર્યો તથા મહારાજના મહિમાની ઘણી વાર વાતો કરી. ત્યાર પછી દેવરાજભાઈ તથા ગામના હરિભક્તોને લઈને મુક્તરાજ ધનબાના ખરખરા નિમિત્તે બાપાશ્રી બાઈઓના મંદિરમાં ગયા.