૧૮૬ - દેહ મૂકવા સમે મહારાજની દયા
પછી બાપાશ્રી તથા સંતો વૃષપુર આવ્યા ત્યારે સ્વામીશ્રીની સાથે જે ભગવતચરણદાસજી સ્વામીના નવા સાધુ બળદેવચરણદાસજી હતા, તેમને તે જ દિવસે તાવ આવ્યો તે ઊતરે જ નહિ! એક બે દિવસ એમ ને એમ રહ્યું, પછી મંદવાડ વધી જતા તેને પૂર્વાશ્રમની સ્મૃતિ થઈ આવી ને દેહ મૂકવા જેવું વસમું લાગવા માંડ્યું, ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! આજ એમનો દેહ પડવાનો છે, તેથી પાસે બેસી વાતો કરી મૂર્તિમાં વૃત્તિ રખાવો.’ આવાં વચનથી બન્ને સદ્ગુરુઓએ ઉપદેશ ઘણો કરવા માંડ્યો પણ એ તો એનું એ જ બોલે ને બીજી વાત સમજે નહિ; પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, ‘આ સાધુને વાતો બહુ કરી, પણ તેને પૂર્વાશ્રમ ની યાદ ભુલાતી નથી, તેથી વારે વારે એ જ વાત કરે છે, માટે આપ કાંઈ દયા કરો તો ઠીક,’ -ત્યારે બાપાશ્રી કહે,’એવું થઈ ગયું હોય તો આપણે ઠેકાણે પાડવા પડે, કેમ કે તમ જેવા સંત પાસે હોય ને આવા સ્થાનમાં વાસના સોતા દેહ મૂકે ને ઘેર જઈને ધૂણે, તો તમારી ને અમારી આબરૂ જાય.’ -એમ કહી સંતોને લઈ બાપાશ્રી તેમની પાસે આવ્યા ને બધે શરીરે હાથ ફેરવી ઊંચે સાદે બોલ્યા જે, ‘સ્વામી! આંખો ઉઘાડી મહારાજની મૂર્તિ સામું જુઓ ને દર્શન કરો. જુઓને! આવા મોટા સંત પાસે ઊભા છે. હરિભક્ત ઊભા છે. આ દિવ્ય સભા તો જુઓ!’ -એમ કહ્યું એટલામાં તો પૂર્વની સ્મૃતિ ભુલાઈ ગઈ ને હાથ જોડી પગે લાગ્યા ને ‘વાહ, મહારાજ! વાહ, કૃપાળુ!’ એમ બોલતાં શાંત થઈ સૂઈ રહ્યા ને ઉપશમ અવસ્થા જેવું થઈ ગયું. પછી સંતો ને બાપાશ્રીએ થાળ જમાડી લેવાનું કહ્યું ને પોતે પણ ઘેર જઈ ઠાકોરજી જમાડી આવ્યા, ત્યાં તો સંતો પણ ઉતાવળથી જમી તૈયાર થઈ ગયા ને વચનામૃત ની કથા કરી; પછી સ્વામીશ્રી કહે, ‘આ સાધુને હવે ક્યારે મહારાજ તેડી જશે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! હમણાં મહારાજને પોઢવું છે, પછી વાત.’ વળી દોઢ વાગ્યો ત્યારે પોતે સંતોને જગાડી ને નાહી આવવાનું કહ્યું એટલે તે ઉતાવળા નાહી આવ્યા. એ વખતે વળી એમ બોલ્યા જે, ‘મહારાજને કીર્તન સાંભળવાની મરજી જણાય છે, તે કીર્તન બોલો.’ પછી સંતો ભેળા મળી ઝાઝી વાર સુધી કીર્તન બોલ્યા. ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ જાણ્યું જે, ‘હવે આ સાધુને દેહ મૂકવાની વાર થશે તો મોડું બહુ થઈ જશે ને સાંજ પડશે, તેથી પાસે આવીને પૂછ્યું જે, હજી કેટલી વાર થશે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! મહારાજ એમ કહે છે કે અમને ભૂખ લાગી છે, તે કાંઈક જમાડો એટલે તેડી જઈએ.’ પછી સ્વામીશ્રી કહે, ‘સુખડી કરી લાવું?’ ત્યારે બાપાશ્રી ના પાડી ને કહ્યું, ‘એટલી વાર તો હવે નહિ ખમે.’ એમ કહી સૌના જોતાં પોતે જામફળી ઉપર ચડીને પાકાં પાકા જામફળ જરા વારમાં ઉતારી લાવ્યા ને સ્વામીશ્રી પાસે સુધરાવી પોતે મહારાજની મૂર્તિને જમાડવા લાગ્યા; પછી એમ બોલ્યા જે, ‘સ્વામી! મહારાજ થાળ જમ્યા, હવે સાધુને તેડવા જાય છે, તમે જાઓ, ઉતાવળ કરો.’ એ જ વખતે સ્વામીશ્રી ઉતાવળા પાસે ગયા ને સંતો સેવામાં હતા તેમણે મળીને ખાટલા પરથી હેઠે ઉતાર્યા કે તરત દેહ મૂકી દીધો. આ રીતે બાપાશ્રીએ તે સાધુની દેહ મૂકવા સમે વાસના ટળાવી, તેથી મહારાજ દર્શન દઈ તેડી ગયા.
બીજે દિવસ સભા થઈ તે વખતે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, ‘એ સાધુને મહારાજે ક્યાં મૂક્યા હશે?’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘આ સ્વામી ઈશ્વરચરણદાસજી અહીં દેહ મૂકવાનો સંકલ્પ કરીને આવ્યા હતા, તેમને બદલે એ સાધુએ દેહ મૂક્યો, તેથી એને બીજે કેમ મૂકાય? એને તો ઠેઠ શ્રીજીમહારાજના સુખમાં મૂકી દીધા.’