૨૦૮ - બે વર્ષના દીકરાને મહારાજ તેડવા આવ્યા
જાદવજીભાઈ ધામમાં ગયાને હજુ બે મહિના પૂરા થયા નહોતા, ત્યાં તો વળી પ્લેગનો રોગ ચાલતો થયો, એટલે ગામોગામ ડૉક્ટરી તપાસ થવા માંડી. કોઈને એ રોગ થાય કે ક્વૉરૅન્ટીનમાં લઈ જાય, અથવા ઘરના માણસોને જુદા રાખે, આથી ઘણા માણસો તો ગામબહાર રહેવા લાગ્યા. નારાયણપુરમાં પણ આ રોગની પ્રવૃત્તિ થતાં ધનજીભાઈ વગેરે કુટુંબ વાડીમાં છાપરાં કરી રહેવા ગયા, તે વખતે તેનો બે વર્ષનો નાનો દીકરો માંદો હતો, તેને પણ ત્યાં જ લાવ્યા. એ છોકરાને જોવા સારું બાપાશ્રી રોજ વૃષપુરથી આવતા; પણ તેને તાવ અને શરદી ઘણી હોવાથી જરાય સુવાણ થાય નહિ, એ જોઈ એક દિવસ ધનજીભાઈએ બાપાશ્રીને પ્રાર્થના કરી કે, ’બાપા! બિચારા આવડા નાના છોકરાને પીડા બહુ જણાય છે, તે દયા કરો તો શાંતિ થઈ જાય.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ધનજી! કાલે આને શાંતિ થઈ જશે. આ છોકરો મુક્ત છે, તેને ઉપરથી આમ દેખાય છે, પણ માંહી એવું નથી. કાલે તો સાવ નિરાંત થઈ જશે.’ એમ મર્મમાં કહ્યું, પણ તે કાંઈ સમજ્યા નહિ. પછી પોતે ત્યાંથી પ્રેમજીભાઈની વાડીએ ગયા; ત્યાં એ વાત કરી કે, ‘ ધનજીભાઈને કહેજો જે, એ છોકરો આ લોકમાં રહેવા આવ્યો નથી, અધૂરું પૂરું કરવા આવ્યો છે, તેથી ઘરમાં કોઈ શોક કરશો મા.’ પછી પ્રેમજીભાઈએ તેમને ઘેર જઈ આ વાત કરી, તેથી સૌએ જાણ્યું જે, હવે આ નહિ રહે. પછી બીજે દિવસ અગિયાર વાગ્યે એ છોકરાને મહારાજ તેડી ગયા, એવાં દર્શન ઘરમાં તેની માને થયાં, તેથી સૌને એમ થયું જે, આવડા છોકરાનાં કેવડાં ભાગ્ય, જે બાપાશ્રી તેને જોવા સારુ રોજ આવતા ને અંત સમયે શ્રીજીમહારાજ પધાર્યા. આ કોઈ બળીયો જીવ ખરો!