૬૭૫ - ધનજીભાઈના દીકરાઓને આજ્ઞા

0:000:00

ત્યાર પછી વદ બારશના રોજ ધનજીભાઈના ખરખરે કણબીની નાત તથા સગાંવહાલાં, વેપારી તથા ગામધણી, જાગીરદાર વગેરે આવવા લાગ્યા ત્યારે બાપાશ્રી પણ ત્યાં પધાર્યા, તેમાં બાઈઓ સર્વે તેમને ઘેર બેસીને કથા વાંચતાં અને ભાઈઓ સર્વે પડખેના મંદિરમાં કથા કરતા. તે વખતે જે જે આવતા તે પ્રથમ ઠાકોરજીને તથા બાપાશ્રીને પગે લાગીને બેસે. એ સર્વેને પોતે ધીરજ રાખવાનાં વચનો કહેતા તથા મર્મમાં એમ પણ જણાવતા જે, ‘ધનજી જતાં ખાલું પડ્યું અને અમે પણ મે’માન છીએ અને જવાની તૈયારીમાં છીએ.’ પછી બહારગામથી હરિભક્તો આવેલા હતા તે બપોરના પોતાને ગામ ગયા. પછી બાપાશ્રી તથા વૃષપુરના ઝીણા કુંવરજી, એ બેય ધનજીભાઈના ઘેર ગયા. ત્યાં તેમના ઘરમાં સહુ ઉદાસ થઈ ગયેલા, તેમને જમવાનું કહ્યું, પણ તેઓ કહે, ‘બાપા! અમે પછી જમશું.’ ત્યારે પોતે કહ્યું, ‘એમ નહિ, હમણાં જ જમવાનું કરો.’ એમ કહી સાંખ્યયોગી અમરબાઈ પાસે રોટલા-શાક કરાવી સૌને જમાડ્યા. પછી પોતે ત્રણે દીકરાઓને પાસે બેસારી પૂછવા લાગ્યા જે, ‘બચ્ચા! હવે તમે ધનજીના પરોજણ(ઉત્તરકાર્ય)નું શું કરશો?’ ત્યારે તેઓ કહે, ‘બાપા! અમે તો આપનાં બચ્ચાં છીએ તે અમને શું ખબર પડે! અમારો બાપ અમને ભૂખ્યાદૂખ્યા મૂકી ગયા નથી એ તો આપ જાણો છો, માટે તમે કહો તેમ કરીએ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘લ્યો હું કહું પ્રથમ તો ભૂજમાં ઠાકોરજીના થાળ અને સંતોને રસોઈ તથા સત્સંગી, સગાંવહાલાં, હેતુ-મિત્ર ને નારાયણપુર આખું ગામ ધુંવાબંધ, -એટલું કરો તો ઠીક.’ પછી પોતે ઝીણાભાઈને પૂછવા લાગ્યા જે, ‘કેમ ઝીણા! આટલું ઠીક થશેને?’ ત્યારે તે કહે, ‘બાપા! સમય પ્રમાણે તો આટલું ઘણુંય છે.’ પછી રામજીભાઈ તથા લાલજીભાઈએ સામાનનું પૂછ્યું તો કહે, ‘સાઠપાંસઠ મણ ધી તથા બસો મણ ગોળ લેજો અને તે પ્રમાણે ઘઉં, ચોખા, દાળ વગેરે તૈયાર કરાવજો. હું પણ બેત્રણ દિવસ પછી આવી જઈશ.’ એ રીતે ભલામણ કરી પોતે વૃષપુર આવ્યા. ત્યાંથી પાછા ત્રીજે દિવસે નારાયણપુર જઈ શું શું સામાન તૈયાર કરાવ્યો વગેરે પૂછી ગયા હતા.