૫૬૨ - સંત મંડળ આવતાં સહુને આનંદ
હવે સમાપ્તિને બે દિવસ બાકી હતા ત્યાં અમદાવાદથી સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી વગેરે સંતમંડળ ભૂજ થઈને ઓચિંતાના ત્યાં આવ્યા, તે વખતે બાપાશ્રી ઉઘાડે શરીરે ચોકમાં બેઠા હતા, તે આ સંતોને જોઈને ઊભા થઈ ગયા ને દંડવત્ કરવા મંડ્યા, પણ સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી કહે, ‘હવે રાખો! આજ દિવસ સુધી અમને આવું નિર્માનીપણું રાખવાનું ઘણુંય શિખડાવ્યું છે.’ એમ કહી ઝાલી લીધા. પછી મંદિરમાં જઈ સહુ સંતોએ પોતપોતાનો સામાન તથા પૂજા વગેરે રાખી દંડવત્ કરી મહારાજનાં દર્શન કર્યાં ને બાપાશ્રીને પણ અતિ હેતે સહિત મળ્યા. પછી ઘણી વાર આસને બેસીને સંતોએ મંદિરની મિલકત સંબંધી કોર્ટમાં જે કેસ ચાલતો હતો તે વાત બાપાશ્રીને જણાવી.
આ કથા-યજ્ઞમાં ઓચિંતાના આવા મોટા સદ્ગુરુઓ આવ્યાથી કેશરાજભાઈ તથા રામજીભાઈ અને તેમના પુત્રો તથા ગામના નાનામોટા હરિભક્તો અત્યંત રાજી થયા અને કચ્છના રિવાજ પ્રમાણે ગામડાંમાં ફરી વાર કંકોત્રીઓ મોકલાવેલી હોવાથી બીજે દિવસ હરિભક્તોની મંડળીઓ આવી પહોંચી એટલે ભીડ ઘણી થઈ. સંધ્યાઆરતી પછી મંદિરમાં સંતો પાસે મોટી સભા ભરાણી. એક કોર પાકશાળામાં શીરો, સુખડી વગેરે પાક તૈયાર થવા લાગ્યા ત્યારે બીજી તરફ મંડળીઓએ ઠાકોરજીની પાલખી શણગારી ઉત્સવ કરવા માંડયો ને છત્ર, ચમર, ડંકા, નિશાન, આરતીએ સહિત સહુ ધામધૂમથી કીર્તન બોલતા ને ગુલાલ ઉડાડતા ગામમાં ફર્યા. એ વખતે વાડીઓમાં તથા ગામ બહાર પણ કેટલાક હરિભક્તો ગરબી ગાવા લાગ્યા.
સવારમાં સમાપ્તિ હોવાથી પાછા સહુ વહેલા તૈયાર થઈ ગયા ને કેશરાજભાઈ તથા રામજીભાઈએ ઠાકોરજીને અર્પણ કરવા છાબો ભરાવી, તે લઈ હરિભક્તોએ ઉત્સવ કરતા કરતા સભામાં આવી તે છાબો મૂકી, ત્યાં થોડી વાર કથા વંચાણા પછી સમાપ્તિ થઈ ત્યારે આરતી ઊતારી સહુ કીર્તન બોલ્યા. એ ટાણે કેશરાજભાઈ, રામજીભાઈ, વિશરામભાઈ આદિ સહકુટુંબે તથા હરિભક્તોએ પુસ્તક, પુરાણી તથા સંતોની ચંદન, પુષ્પ તથા વસ્ત્રોથી પૂજા કરીને બાપાશ્રીને મોટી પાઘડી બંધાવી; એ રીતે કથા-યજ્ઞ પૂરો થયો. પછી હરિભક્તોને જમાડવા સારુ શીરો, સુખડી આદિ પાક તૈયાર કરેલ હતા, ત્યાં બાપાશ્રી સંતોએ સહિત પધાર્યા ને મહારાજને જમાડી ગામબહાર હરિભક્તોની મોટી મોટી પંક્તિઓ કરાવી સૌને શીરો, સુખડી તથા શાક, ખીચડી વગેરે સારી રીતે જમાડી તૃપ્ત કર્યા ને આત્યંતિક મોક્ષના આશીર્વાદ આપ્યા; પછી વળી ત્યાં પણ કેશરાજભાઈ તથા રામજીભાઈએ બાપાશ્રી તથા મોટા મોટા હરિભક્તોને પાઘડીઓ બંધાવી, ત્યારે બાપાશ્રીએ પણ તેમને એવી જ રીતે પ્રસન્નતારૂપ પાઘડીઓ બંધાવી.