૬૪૦ - ભારાસરમાં ‘શિક્ષાપત્રીભાષ્ય’ની પારાયણ
થોડા દિવસ પછી ભારાસરમાં વિશરામભાઈએ તથા રામજીભાઈએ ‘શિક્ષાપત્રીભાષ્ય’ની મોટી પારાયણ બેસારવાનો વિચાર કર્યો ને તેમાં સદ્ગુરુઓને તેડાવવા માટે વૃષપુરમાં આવી બાપાશ્રીને પ્રાર્થના કરી જે, ‘બાપા! આપ રાજી હો તો અમો કથા કરાવીએ અને તે કથામાં તમે અમદાવાદથી સદ્ગુરુઓને પહેલાં તેડાવો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘આ વખતે સદ્ગુરુઓ નહિ આવે અને આવશે તો ભૂજના સંતોને નહીં ફાવે, માટે તમે તમારે કથા કરાવો ને હું આવીશ એટલે એમાં સદ્ગુરુઓ આવી જશે.’ ત્યારે તેઓ કહે, ‘બાપા! એનું કારણ શું?’ ત્યારે બાપાશ્રી કહે, ‘વાતમાં તો કાંઈ નથી, પણ સાંવલદાસભાઈ, સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોને સાથે લઈ મને કરાંચી તેડી જવા આવ્યા હતા, ત્યારે એ સંતો માંડવી સુધી મોટરમાં બેસીને કેમ ગયા? આમ તેમનું કહેવું છે અને હવે એ અહીં આવે ત્યારે એક ઉપવાસ કરાવવો, એવું ભેગા થઈ ગોઠવે છે. એવી માલ વિનાની વાતમાં શું કહેવું? આગબોટ કે રેલમાં બેસતાં કોઈ વાર બાઈ-ભાઈનું ભેગું થઈ જાય છે, એવું હોય ને કહેતા હોય તો તો ઠીક, પણ આમાં તો એવું કાંઈ હતું નહિ, આ મોટર તો સાંવલદાસભાઈ ભૂજથી આઉગી ભાડે કરીને લાવ્યા હતા, તેમાં સંત-હરિભક્તો વિના બીજા કોઈ હતા નહિ તોય આવી ખોટી વાત ઝાલી છે, તે અત્યારે સમજાવવા જતાં સરખું નહિ આવે. કુંભારિયાની પારાયણ વખતે પુરાણી નંદકિશોરદાસજીએ પણ આવી વાતો કરવા ધાર્યું હતું, પણ કાંઈ વળ્યું નહિ. તે પુરાણી મૂળીના પાટોત્સવ પછી ‘સત્સંગ મહાસભા’થી જુદા પડી, આચાર્યશ્રીની હા-એ-હા કરવા મંડ્યા છે. પ્રથમ તો સૌને એ જ સમજાવતા હતા કે, જો મંદિરોની મિલકત આચાર્યની ખાનગી મિલકત ગણાય તો દેવનો મોટો અપરાધ થાય. મિલકત તો સર્વે દેવની જ છે. આ માટે કેટલીક સભાઓ થઈ ને કેટલાંય મનામણાં થયાં, પછી જ્યારે કાંઈ ઉપાય ન સૂજયો ત્યારે અમદાવાદના શેઠ બળદેવભાઈ જેવા મોટા મોટાએ કોર્ટમાં જઈ વાંધો લીધો, તેમાં એ પુરાણી પણ ભેળા હતા; હવે એ રહી રહીને આચાર્યશ્રીને મળતા થઈ, આ સદ્ગુરુઓથી જુદા પડ્યા એટલે એ પણ આ સંતોને માટે સંત-હરિભક્તોને જુદું જુદું કહે અને અહીંના સંતોને તો કોઈ વાત કરે તે કાને સાંભળવાની રહી એટલે તે પણ બીજાને કહેવે કરીને આવા વાંક કાઢતા જણાય છે. હશે! તેમને સૂજે તેમ કરે, આપણે તો એ સર્વેનું સારું ઇચ્છીએ છીએ. શ્રીજીમહારાજ સૌને સુખિયા રાખે, પણ તમે આ ફેરે સદ્ગુરુઓને તેડાવવાનો આગ્રહ કરશો નહિ ને કથા કરાવવાનો તમારો શુભ સંકલ્પ છે તે પૂરો કરો.’ રામજીભાઈ તથા વિશરામભાઈને આ વાતથી સારું ન લાગ્યું, પણ બાપાશ્રીએ આજ્ઞા કરી તેથી શું કરે? પછી તેમણે પારાયણ માટે જોઈતી સામગ્રી ભેળી કર્યા પછી ભૂજના સંતોને તેડાવ્યા, એટલે તેમણે આવી કથામંડપ તૈયાર કરાવ્યો. હવે પારાયણ બેસવાના દિવસે બાપાશ્રીએ પધારવાનું કહ્યું હતું, પણ સવાર સુધી આવી ન શકતાં પ્રારંભ વખતે રામજીભાઈ તથા તેમના પુત્રો અને વિશરામભાઈએ મહારાજની મૂર્તિ સાથે પુસ્તક અને પુરાણીની ચંદન-પુષ્પહારથી પૂજા કરી. પછી સૌ કથા સાંભળતાં વાટ જોઈ રહ્યા હતા જે, બાપાશ્રી હમણાં આવી પહોંચશે, પણ સવારની કથામાં તો આવી ન શક્યા; પછી જ્યારે કથા ઊઠી ત્યારે આવ્યા. એ જોઈ સૌ દંડવત્ કરી મળ્યા.
બાપાશ્રી આવ્યા પછી નારાયણપુરવાળા ધનજીભાઈ તથા તેમના પુત્રો અને રામજીભાઈ, વિશરામભાઈ આદિ સૌએ મળી નિર્ણય કર્યો કે, આપણે ભૂજના સંતોને આગ્રહ કરી સદ્ગુરુઓ માટે તેડાવવાનું કહીએ. પછી સંતોમાંથી ખાનગી રીતે અભિપ્રાય જાણતાં જે પ્રમાણે બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે માંહોમાંહી વાતો થયેલ છે, એમ જાણી સહુ દિલગીર થયા. પછી વળી એકાંતે ભેળું થવાનો વિચાર કર્યો, પણ બાપાશ્રી કહે, ‘આ બધી વાત પરસ્પર ભેદભાવવાળી છે,’ અમે તો કહીએ છીએ કે, ‘મહારાજ સૌનું સારું કરો. પણ આવા મોટા સંતોને વિષે આવો ભાવ રાખવાથી આગળ જતાં બહુ દુઃખ થાય. મહારાજ અને મોટા મુક્તના ઠરાવ તો એવા હોય જે, કોઈ ગમે તેમ ધારે, ગમે તેમ બોલે, પણ સૌનું સારું જ કરવું; કેમ કે અક્ષરધામમાંથી એ જીવોના મોક્ષ કરવા આવ્યા છે. આપણે પણ એવા દિવ્ય મુક્ત ભેળું રહેવું છે, તેથી સહુના સારા સંકલ્પ કરવા.’ એવી વાત કરી સૌને રાજી કર્યા, પણ ધનજીભાઈને મનમાં આ વાતનું બહુ દુઃખ થતાં એ કહેવા લાગ્યા જે, ‘બાપા! અનંત બ્રહ્માંડમાં ખોળતાં આવા સંત મળવા દુર્લભ. તેમને મોટરમાં બેસવા માટે ઉપવાસ કરાવવાનું કહેવું એ વાતમાં તો સાવ અન્યાય છે. ભલે કોઈ અવળી વાત ઝલાવી જાય, પણ ઝાલનારાએ કાંઈક તો વિચાર કરવો જોઈએ.’ એમ કહી ધોખો કરવા લાગ્યા. તેમને બાપાશ્રી કહે, ‘ધનજીભાઈ! આ તો સંત છે, પણ મહારાજ ભગવાન હતા તોય આ લોકના દેહધારીઓ જેમ મનમાં આવે તેમ કહેતા. જુઓને! અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી કેવડા મોટા! જેમને મહારાજે બધાય સત્સંગની સોંપણી કરી; એવાનેય ઉપાધિ થતી તો બીજાની શું વાત કરવી? આ લોક જ એવો છે. જીવને ત્રણ ગુણ બહુ દુઃખ દે છે, તે ગુણ કોઈને સુખ આવવા દે તેવા નથી. આપણે તો એવું કાંઈ મનમાં લાવવું નહિ.’ એવી કેટલીક વાતો કરી ધનજીભાઈને સંતોષ પમાડ્યા.
આ પારાયણમાં રામજીભાઈ તથા વિશરામભાઈ અને ગામના હરિભક્તોને બાપાશ્રી કેટલીક વાર એમ કહેતા જે, ‘આ સભામાં સદ્ગુરુઓ અને હેતવાળા સહુ બેઠા છે, તમે એ સંતો આવ્યા નથી એમ કોઈ ન ધારશો.’ એમ કહી રાજી કરતા ને પોતે પુસ્તક તથા પુરાણીની પૂજા કરી બેય વખત આગળથી આવીને સભામાં બેસતા. પછી જ્યારે હરિભક્તોની પંક્તિઓ થતી ત્યારે ત્યાં દર્શન દેવા જતા તથા હરિભક્તો પાસે મહારાજ અને મોટા મુક્તના મહિમાની વાતો પણ કરતા. એમ કરતાં સમાપ્તિને આગલે દિવસે ગામમાં ઠાકોરજીની પાલખી નીકળી ત્યારે મહારાજની પુષ્પહારથી પૂજા થયેલી અને પાસે દીવા-બત્તીઓની શોભા તથા છત્ર, ચમર અને આરતી સાથે ઉત્સવ-મંડળીઓ હેતભર્યાં કીર્તન બોલતા સહુ શેરીએ શેરીએ ફર્યા તથા રાત આખી હરિભક્તોએ ગરબીઓ લીધી. બીજે દિવસ સવારમાં રામજીભાઈ તથા તેમના મોટા દીકરા અને વિશરામભાઈએ ઠાકોરજીને ભેટ કરવા છાબો ભરાવી, તે ગાજતેવાજતે સૌ મંદિરમાં લાવ્યા; પછી કથાની સમાપ્તિ થયે પુસ્તક, પુરાણીની પૂજા કરીને આરતી કર્યા પછી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં. તે વખતે ઘણા હરિભક્તોએ પણ પુરાણી તથા સંતોની પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યાં તથા બાપાશ્રીને ભાલે ચંદન ચર્ચી કુંકુમના ચાંદલા કરી પાઘડીઓ બંધાવી.