૬૯૬ - સુખડી પીરસી પ્રસન્નતા જણાવી
બાપાશ્રીને તો પ્રાર્થના કરવાની જ વાર હતી! એટલે કહે, ‘ભલે! લાવો સુખડી.’ એમ કહી પોતે તુરત જ પાસે રાખવાના ખેસની ભેઠ બાંધી ને આંગડીની બાંયું ચડાવી. ત્યાં તો સારથિયા હરિભક્તો પણ સુખડીના તાસડા લઈ ઉતાવળા ઉતાવળા આવ્યા. પછી તો બેય કોર હરિભક્તો તાસડા ઝાલ્યા આવે ને પોતે ઊભાઊભા સૌના વાસણમાં એક એક કટકો સુખડીનો પિરસતા આવે. સૌને એમ જે, ‘નીચે નમીને પિરસતાં બાપાશ્રીની કેડ દુઃખશે, તેથી સહુ પોતપોતાનાં વાસણ ઊંચાં ઝાલતા આવે તો કોઈ હાથ ધરે.’ બાપાશ્રી પણ એ વખતે જાણે દિવ્યભાવ જણાવતા હોય તેમ સૌને ઉતાવળા ઉતાવળા પિરસતા આવે ને બોલે જે, ‘સુખડી સુખ દેશે અપાર, જમ્યા છે પોતે ધર્મકુમાર.’ -એ રીતે પ્રસન્નતા જણાવી સૌ હરિભક્તોને પીરસી રહ્યા. પછી દર્શન કરવા ઊભેલા હરિભક્તોને પણ એ સુખડીની પ્રસાદી વહેંચી.
પછી મોટા મોટા હરિભક્તોને બાપાશ્રી કહેવા લાગ્યા જે, ‘અમારે આ યજ્ઞમાં સુખડી ને શીરા જમાડીને તથા કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ કરીને સર્વેને મૂર્તિનું સુખ દેવું છે.’ આ સમયે શ્રીજીમહારાજ સૌના પર અઢળક ઢળ્યા છે, માટે સહુએ મૂર્તિમાં રહી એ મૂર્તિનું દિવ્ય સુખ ભોગવવું.’ મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોયા જેવું નથી. અમે તો આમ વાતો કરીએ, કોઈને હેતે કરીને મળીએ, કોઈને વઢીએ, કોઈને વખાણીએ અને જમીએ કે જમાડીએ -એવી ગમે તે ક્રિયા કરીએ, પણ મૂર્તિને ઘડી વાર મૂકીએ નહિ. આવી દિવ્ય સભાનો જે ગુણ લેશે તેને પણ મૂર્તિમાં મૂકી દેશું. આવો અમારો અભિપ્રાય જે જાણતા હોય તેને આનંદ વર્તે. આ લોકમાં તો એકે કાંઈ કીધું ને બીજાએ કાંઈ કીધું એવું ચાલે છે, પણ જેને મહારાજ તથા મોટા મુક્ત મળ્યા છે, તેને એ કાંઈ કામનું નથી. આપણે તો મૂર્તિના સુખરૂપ મહારસનું પાન કરવું. એ અમૃતરસ મેલીને પ્રકૃતિના કાર્યમાં કુટાવું નહિ. આ ટાણે મહારાજે જીવો ઉપર ઘણી દયા કરી છે, તેથી કોઈના વાંકગુના સામું જોતા નથી, તેથી નજરે ચડે તે ન્યાલ થાય છે.