૪૧૪ - છત્રીએ જવા નિમિત્તે મહિમા વચન

0:000:00

આ રીતે મહિમાવાળા હરિભક્તોને સેવાનો લાભ આપતા તેમ જ પ્રસન્નતા જણાવી આત્યંતિક મોક્ષના આશીર્વાદથી રાજી કરતા, જ્યારે એકાદશીનો દિવસ આવ્યો, ત્યારે પોતાને છત્રીએ જવાનું નિયમ હોવાથી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘આજ મારે છત્રીએ જવાનું નિયમ છે તે કેમ થશે? મારાથી હજી ચાલીને પહોંચી શકાય તેમ નથી. મેં આશાભાઈ તથા મોતીભાઈને વાત કરી તો કહે, હીરજીભાઈ, જાદવજીભાઈ અને અમે વારાફરતી ખાટલો ઉપાડીને ત્યાં લઈ ચાલીએ. હવે તમે કહો તેમ કરું. મને એમ થાય છે કે, હરિભક્તો મહિમા જાણી સેવા કરે, પણ આપણે તો વિચાર કરવો ખપે! સૌ મહારાજના મુક્ત છે. તમે પણ રાતદિવસ ઊંઘ, ઉજાગરા ને થાક ન ગણીને મારા સારુ દાખડો કરો છો, એ બધુંય મારી જાણમાં છે, એનો બદલો વાળવાનું મારાથી બીજું શું થાય? હું તો રોજ એવા સંકલ્પ કરું છું જે, કોઈ આ ટાણે મહિમા જાણી સેવા કરતા હોય તેને મહારાજ અનંતગણું મૂર્તિનું સુખ આપે. મહારાજના અનાદિ આ લોકમાં બીજું કાંઈ કરવા નથી આવતા. એ તો જે જીવ નજરે ચડે કે કાંઈ જોગમાં આવી જાય તેને અનાદિ કરી મૂર્તિમાં લઈ જવા આવે છે. અમારો પણ એજ વેપાર છે. સ્વામી! તમારા જેવા સંતોનું પણ એ જ કામ છે. તમે તો અનેક જીવને મહારાજની મૂર્તિમાં લઈ જાઓ છો આ બધી સભા પુરુષોત્તમનારાયણની છે, તેમાં મહારાજે નિર્ગુણાનંદ, અખંડાનંદ, પૂર્ણાનંદ, સ્વરૂપાનંદ, સચ્ચિદાનંદ, સુખાનંદ એવાં મુક્તોના નામ પાડ્યાં છે, તે પોતાની મૂર્તિના સુખનાં છે ને પોતામાં તો અતિ અપાર સુખ છે. માટે શ્રીજીમહારાજ સુખના સિંધુ કહેવાય છે. એ મૂર્તિના સુખમાં કલ્પેકલ્પ વીતી જય તોય તૃપ્ત ન થવાય ને પાર ન આવે. અહો! મહારાજની દયા તો જુઓ! ઝીણામાં ઝીણા ને અલ્પમાં અલ્પ જીવ તેને પણ પોતે કેવું સુખ આપી દે છે. રાજાના વૈભવ રાંકને સોંપે તો ગાંડપણ આવી જાય ને અહો! અહો! થઈ જાય. તેમ મહારાજે આ સમે અગમ સુગમ કર્યું છે. આવી વાતો જીવમાં ઉતારે તો ભારે કામ થઈ જાય. ‘ આમ વાતો કરતા કરતા માથે ઓઢી સૂઈ ગયા.

સ્વામીશ્રીએ જાણ્યું જે, ‘મને છત્રીએ જવા માટે કહેતા હતા, પણ એ વાત તો પાછી ભૂલી જ ગયા.’ ત્યાંતો એ જ વખતે માથે ઓઢેલું લૂગડું ઉતારીને બોલ્યા જે, ‘સ્વામી! છત્રીએ જવાનું શું કરવું તેનો નિર્ણય કરો!’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘એમ ને એમ ખાટલો ઉપાડી હરિભક્તો લઈ ચાલે એમાં કાંઈ હરકત નહિ, મહારાજ બહુ રાજી થશે.’ એમ કહેતા સંતો-હરિભક્તો તૈયારી કરવા માંડી, તે જોઈ પોતે બોલ્યા જે, ‘સંતો! તમે સૌ આગળથી જાઓ ને કથાની તૈયારી કરો ત્યાં અમે આવશું.’ આ વચનથી સંત-હરિભક્તો રાજી થતા છત્રીએ વહેલા પહોંચી ગયા.