૧૩ - સાથીને દિવ્યભાવ આવ્યો
એક વખત પોતાની વાડીમાં પીપરના ઝાડ ઉપર ત્રણ નાની દીકરીઓ ટેટીઓ (પીપોડી) ઉતારવા ચડેલી હતી, તે છેટેથી જોઈને પોતાના ઘરનાં દેવુબા ઊંચે સાદે વઢતાં વઢતાં આવ્યાં, તેથી એ બે દીકરીઓ તો ઝટ ઝટ ઊતરીને ભાગી ગઈ, પણ એક દીકરી ઉપર રહી. તેણે જાણ્યું જે, હવે જો હું થડથી ઊતરીશ તો મને ઝાલી લેશે, તે બીકે ડાળ ઉપર ગઈ-જાણે ડાળ નમે તો ઊતરી પડાય, ત્યાં તો એ ડાળ તૂટી. એ વખતે આ મુક્તરાજ છેટે ઊભેલા તે ઉતાવળા આવીને તેને ઝાલી લીધી ને દેવુબાને કહેવા લાગ્યા જે, ‘વઢવાની ને રાડો પાડવાની ખબર છે કે બીજી કાંઈ ખબર છે? છોકરાં પડ્યાં હોત તો આ ઘડીએ મરી રે’ત. ઝાડનાં ફળ થાય તે તો પંખીયે ખાય ને છોકરાંય ખાય. ઝાડેય મહારાજનાં, છોકરાંય મહારાજનાં, એમાં આપણે શું, તે આવડું કરીએ? બિચારાં ઘેરથી આવીને ઝાડ માથે ચડ્યાં તેમાં એને મહેનત નહિ પડી હોય? અહીં આવીને ફળ ખાય તે તો અક્ષરધામમાં જાય, કેમ કે આ બધુંય શ્રીજીમહારાજનું છે, પણ મહિમા નહિ તેને શું કહેવું?’ આમ બોલ્યા. એ જ વખતે વાડીના છેડે બીજી બે દીકરીઓ ઝાડેથી ઊતરીને ભાગી જતી હતી, તેને પણ સમજાવતા હતા જે, ભાગો મા, તમને કોઈ નહિ મારે. આમ બે ઠેકાણે દેખાતા હતા તે વાડીનો સાથી છેટે ઊભો જોઈ રહ્યો હતો. આથી તેને આ મુક્તરાજનો બહુ મહિમા સમજાણો ને દિવ્યભાવ આવ્યો.