૫૧ - શ્રીજીની સર્વોપરી ઉપાસના
આ સમયે ભૂજમાં મહાસમર્થ નિરાવરણ દૃષ્ટિવાળા સદ્ગુરુ અચ્યુતદાસજી સ્વામીની કૃપાદૃષ્ટિથી કચ્છનો સત્સંગ સર્વે દિવ્ય બની રહ્યો હતો. ત્યાર પછી વળી સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી થયા. તે પણ ત્યાગ-વૈરાગ્યની મૂર્તિસમા, સૌને અજ્ઞા-ઉપાસનાના દોર પર ચલાવે તેવા થયા. પોતાનું ચોખ્ખું વૃત્તાંત હોવાથી આખાય કચ્છ દેશમાં કોઈ તેમનું વચન લોપી શકતું નહિ. ને તેમનો દાબ પણ સારો પડતો. વળી ભૂજનો સભામંડપ થયો ત્યારે સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ ભૂજમાં ઘણું રહીને સૌને શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના સમજાવી હતી. ઉપરાંત માંડવીના અનાદિ મુક્તરાજ લક્ષ્મીરામભાઈ, તથા વૃષપુરના અનાદિ મુક્તરાજ ભાઈશ્રી, તેમ જ દહીંસરાના મુક્તરાજ કેસરાભાઈ તથા સુખપુરના મુક્તરાજ દેવજીભાઈ, તથા બાઈઓમાં રામપુરવાળા મોટા મુક્ત ધનબા, એ બધા મુક્તો મહા સમર્થ હતા, તેમાં અનાદિ મુક્તરાજ ભાઈશ્રી બહુ પ્રસિદ્ધ થયેલ નહિ, પણ ‘એ તો એ જ છે,’ –એમ સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજી ઘણીવાર કહેતા. ( આવી મોટી વાત તે દિવસ કેટલાકને સમજાતી નહોતી પણ પાછળથી જ્યારે તેમણે મોટા મોટા યજ્ઞો કર્યા, અને શ્રીજીમહારાજની મૂર્તિમાં અનાદિ મુક્તો રસબસ ભાવે કેમ રહ્યા છે તે વાતો સમજાવી તથા વચનામૃત જેવા અગાધ ગૂઢ તત્ત્વજ્ઞાન પર ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા’ કરી ત્યારે એ મર્મ સમજાયો. )