૫૭૮ - કાનનો દુ:ખાવો અને મોક્ષનું વરદાન

0:000:00

ત્યાર પછી એક દિવસ હરિભક્તો સાથે બાપાશ્રી હિંડોળાનાં દર્શન કરવા ભૂજ ગયા, પણ તે વખતે પોતાને કાનમાં દુ:ખાવો થતો હોવાથી બરાબર રહેતું નહિ, એટલે ઠાકોરજીનાં દર્શન કરી આસને ને આસને ઘણો વખત સૂતા રહે. બ્રહ્મચારી નિર્ગુણાનંદાજી તાણ કરી જમાડે તો માંડ માંડ જમે, પણ તે ન જમ્યા જેવું. સવાર-સાંજ સભામાં આવે તે વખતે કાને હાથ રાખ્યો હોય, કાં તો લૂગડું બાંધેલું હોય, તેથી સંત-હરિભક્તોને એમ થતું જે, ‘બાપાશ્રીને કાનમાં પીડા થતી હશે.’ ધનજીભાઈ જેવા હરિભક્તો પૂછે તો કહે, ‘સહેજ દુ:ખે છે,’ –આવું જોઈ ભોગીલાલભાઈ તથા ધનજીભાઈ આદિ હરિભક્તો બાપાશ્રીના કાનમાં શું છે, તે બતાવવા માટે દુલેરાય નામના ડૉક્ટરને બોલાવી લાવ્યા. તેણે આવીને કાનમાં જોયું તો કાંઈ દરદ જણાયું નહિ. તોપણ પિચકારીથી કાન ધોયો, ત્યારે બાપાશ્રી તેમને કહેવા લાગ્યા જે, ‘અમારો કાન ધોયાનું તમે કેટલું લેશો?’ ત્યારે તે કહે, ‘બાપા! આપ રાજી થાઓ એટલે મને બધુંય મળ્યું. આપના જેવા મોટા પુરુષની અમને સેવા ક્યાંથી મળે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘એવું જાણીને જો સેવા કરી હોય તો ભલે! એવો ને એવો ભાવ રાખી મંદિરમાં મહારાજ બિરાજે છે તેમને સંભારજો તથા આવા મોટા મોટા સંત-હરિભક્તો સાથે અમને પણ સંભારજો, તો તમારા મોક્ષમાં વાંધો નહિ આવે. તમે અમથી તો ઘણાયની સેવા કરતા હશો, પણ આવી સેવા તો કોઈ વખતે જ મળે.’ એમ કહી તેમના પર પ્રસન્નતા જણાવી ઠાકોરજીનો પ્રસાદીહાર પહેરાવ્યો. પછી બે દિવસ બાપાશ્રી ભૂજમાં રહી, સંત-હરિભક્તોને રાજી કરી વૃષપુર પધાર્યા.