૩૯૮ - સ્વામીશ્રીને ભલામણ કરી
બીજે દિવસ સવારે સ્વામીશ્રીએ નાહવાનું પૂછયું તોય શુદ્ધિ નહિ, પણ સંતોએ ધીરે ધીરે નવરાવ્યા. તે વખતે એટલું બોલ્યા જે, ‘સ્વામી! મને ગોળનું પાણી પાઓ તો ઠીક.’ આ વચન સાંભળતાં જ સંતોએ ગોળનું પાણી ઘણી વાર ગાળી, મહારાજને જમાડીને પાયું, પણ તેનાથી તો નાહવાનું વધુ થઈ ગયું. એક તો શરીરમાં તાવ ને બીજું ઝાઝી વાર દિશાએ જવાનું થયું એટલે અશક્તિ વધતી ગઈ, પછી તો ઉઠાડતાં પરાણે ઉઠાય, લથડિયાં આવી જાય. આવું જોઈ સંતોએ લાકડાની માંચીમાં બેસારી લઈ જવા-લાવવાનું રાખ્યું, એક વાર પોતે જરા શુદ્ધિમાં આવ્યા ત્યારે સ્વામીશ્રીને પાસે બોલાવીને ભલામણ કરી જે, ‘તમે અથવા જે સંતો મારી પાસે રહેતા હો તેને મારે એટલું કહેવાનું છે કે, મને હવે દેહની સ્મૃતિ રહેતી નથી, એ વાતનું તો કાંઈ નહિ; કેમ કે આપણે સૌને મહારાજની મરજી હોય તેમ રહેવાનું છે, પણ તમે સંત-હરિભક્તોને એટલું કહી રાખજો કે, મારા શરીરની ગમે તેવી સ્થિતિ હોય તોપણ મને કોઈ દિવસ નવરાવ્યા વિના ને મહારાજનાં દર્શન કરાવ્યા વિના રાખશો નહિ’ એમ કહી નેત્ર મીંચી ગયા. આ વચનથી રોજ સવારમાં સંતો બેઠા કરે, માંચીમાં બેસારી બહાર લાવે, દાતણ કરાવી નવરાવે, પછી મંદિરમાં લઈ જઈ ઠાકોરજીનાં દર્શન કરાવે. તે વખતે પોતે મહારાજ સામા હાથ જોડે, પણ એ બધું જાણે સ્મૃતિ વિના થતું હોય એમ સૌને લાગે. ભૂજમાં આ વાતની જાણ થતાં ત્યાંથી સંત-હરિભક્તો દર્શને આવ્યા ને ગામડાંમાંથી પણ આવવા લાગ્યા. સૌ ‘જય સ્વામિનારાયણ’ કરી હાથ જોડે, દંડવત્ કરે, એકબીજામાં મંદવાડના સમાચાર પૂછી મનમાં દુ:ખાય, પણ મોટા મુક્તની અલૌકિક રીતમાં કોઈની નજર પહોંચે નહિ, તેથી સદ્ગુરુઓ આદિ અમદાવાદથી તથા મૂળીથી આવેલા સંતો તથા ભૂજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજી વગેરે અને બાપાશ્રીના પુત્ર-પૌત્રાદિક તથા ભાણેજ-ભત્રીજા આદિ સંબંધીઓ અને કણભાવાળા સેવક આશાભાઈ, ભૂજના સોની મોતીભાઈ તથા તેમના પુત્રો વગેરે ઘણા સંત-હરિભક્તો સેવા કરવા લાગ્યા, પણ પોતે કાંઈ બોલેચાલે નહીં, તેથી સહુને એમ થાય જે, ‘આ ફેરે બાપાશ્રીએ કોણ જાણે શુંયે ધાર્યું છે! કાંઈ ખબર પડતી નથી. આ મંદવાડ કોઈ નોખી ભાતનો જણાય છે.’ એમ પરસ્પર વાતો કરી ચિંતા કર્યા કરે.