૧૧૭ - અ.મુ. ભાઈશ્રી તથા સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજીનો મંદવાડ

0:000:00

હવે અનાદિ મુક્તરાજ ભાઈશ્રી તથા સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીના મંદવાડની એકતા વિચારીએ. સંવત ૧૯૪૮ ના જયેષ્ઠ માસમાં ભાઈશ્રીને શરીરે પ્રથમ તાવ આવવા માંડ્યો, ત્યારે ઘરમાંથી સાધારણ ઉપચાર કરવામાં આવ્યા. પણ આ તાવ બેપાંચ દિવસમાં હટી જાય તેવો નહોતો. દિવસ વધતા ગયા તેમ તાવ પણ વૃદ્ધિ પામતો ગયો. થોડા દિવસ આમ ને આમ ચાલતાં મંદવાડે ઘર કર્યું, તેથી કાંઈ જમાય નહિ, એકાંતરે ઉપવાસ જેવું થાય, વખતે કોઈ પોપૈયાં કે દાડમ આદિ ઠાકોરજીને જમાડી લાવે તો જરાક જમે. વળી આ લોકમાંથી પોતે ઉદાસ થઈ ગયા હોય તેમ, આસનમાંથી ઊઠીને પૃથ્વી પર પોઢી જાય, અન્નજળ ન લે. ઘરના બહુ આગ્રહ કરે, દિલગીર થાય, ત્યારે થોડું જમે કે પાણી પીએ. દેહનો અનાદર કરી નાખ્યો હોય તેમ, એવું જ બોલે જે, ‘મૂર્તિ વિના બીજી વાત કોઈ મારી પાસે કરશો નહિ.’ આવાં વચનથી ઘરમાં પુત્રપુત્રીઓ તથા હેત રાખનારા હરિભક્તો બહુ જ દિલગીર થઈ ગયા. આ સર્વે આંખોમાં હેતનાં આંસુ લાવે ને એમ વિચારે જે, ‘કાંઈ પણ ઔષધ થાય નહિ, તેમ એમને દેહની ગણતરી નહિ. સત્સંગમાં આવા મુક્ત ખોળ્યા ન મળે; તે જો ચાલ્યા જશે તો આપણો બહુ મોટો લાભ જશે.’ એમ ધારી સેવામાં હાજર રહે, વાટ જુએ જે, કાંઈ માગે! પણ આ ભાઈશ્રીએ તો સર્વમાંથી વૃત્તિ સંકેલી લીધી હતી, તેથી ન કાંઈ બોલવું કે ન કાંઈ માગવું. જાગે ત્યારે ‘હે મહારાજ! હે દયાળુ! હે મહાપ્રભુ! શ્રીજીમહારાજ!’ આટલા શબ્દ બોલે. કોઈ હાર પહેરાવે તો એમ કહે કે, ‘મહારાજને પહેરાવો; એ મૂર્તિ ભેગા અનંત મુક્ત છે; જો મુક્તે સહિત મૂર્તિ અખંડ દેખાય તો મૂર્તિમાં ફૂલના હાર ઘણાય છે; અને તે બધા દિવ્ય તેજોમય છે.’ ‘વા’લા તારા ઉરમાં વિનગુણહાર, જોઈને નેણાં ઠરે રે લોલ. વા’લા તે તો જાણે પ્રેમીજન, જોઈને નિત્ય ધ્યાન ધરે રે લોલ.’ એ કીર્તનની ટૂંક બોલીને કહે, ‘આવા વિનગુણહાર મૂકીને સગુણ હાર શું પહેરાવવા?’ પછી વળી થોડી વારે એમ કહે જે, ‘ભલે લાવ્યા! મહારાજ નિર્ગુણ છે, તેથી હાર નિર્ગુણ થઈ જશે. હું તો આ ઠેઠની વાત કરું છું. મૂર્તિ વિના બધુંય ભૂલવાનું છે. કારણ તો એક શ્રીજીમહારાજ છે. તેને મૂકીને કાર્યમાં ગોથાં શું ખાવાં? કથા, વાર્તા, કીર્તન, ભજન, સેવા, માળા, માનસીપૂજા એ બધાંય કારણ પામવાનાં સાધન છે. કારણ મળે પછી થઈ રહ્યું. ‘મેરે તો તુમ એક આધાર’ એવું કરી રાખવું.’ વળી કોઈ વખતે હરિભક્ત હાર લાવે ત્યારે પાધરી ના જ પાડે ને કહે જે, ‘મને તો મહારાજ વિના બીજું કાંઈ ખપતું નથી.’ કોઈ હાથ જોડે ત્યારે બેઠા થઈ જાય, ને તેના માથા પર હાથ ફેરવીને સૂઈ જાય, પણ કાંઈ બોલે નહિ. કોઈ વખત હરિભક્તો પ્રાર્થના કરે જે, ‘તમે દયા કરીને અમને દર્શન આપ્યાં, પણ અમે કાંઈ સેવા કરી શક્યા નહિ, તેમ તમારો મહિમા જાણી જોગ કરી શક્યા નહિ. ઊલટું કોઈ વખત અમારી ભૂલચૂક થઈ હશે, તો આમારા ઉપર રાજી રહેજો.’ આવાં વચન સાંભળી પોતે તેમના ઉપર અતિ પ્રસન્નતા જણાવી સૂતા સૂતા બાથમાં ચાંપીને મળે, આંખમાં પ્રેમનાં આંસુ આવી જાય ને બોલે જે, ‘આમ ને આમ તમે ભેગા જ છો. જુઓને, આ મૂર્તિનું તેજ! તેજમાં મૂર્તિ ને મુક્ત વિના બીજું કાંઈ છે જ નહિ. આપણે તો ત્યાં જ છીએ. અહીં મહારાજ દેખાડતા હોય તો ભલે! આપણે શું કરવા દેખાઈએ?’ એમ કહી ઘણી વાર બોલે નહિ. આવાં વચનથી સૌને એમ થાય જે, ‘આ મંદવાડ તો આપણું બધુંય સુખ લઈ જાય તેવો છે.’ આમ કેટલાક દિવસ ચાલતાં કોઈએ અમદાવાદમાં સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીને આ મંદવાડના ખબર આપ્યા જે, ‘વૃષપુરમાં આવી રીતે ભાઈશ્રી પોતાના અંગમાં મંદવાડ દેખાડે છે ને આ લોકમાંથી તદ્દન ઉદાસ થઈ ગયા છે.’

આ સમાચાર મળ્યા પહેલાં જ થોડા દિવસ થયાં સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીને પોતાને પણ અમદાવાદમાં મંદવાડ થઈ ગયો હતો. તેવામાં આ મુક્તરાજ ભાઈશ્રીનો મંદવાડ સાંભળ્યો. પાણી પીવાયે ન રોકાય એવું હેત, છતાં શરીરે અટકાવ્યા. (સ્વતંત્ર મુક્તની લીલામાં પણ આવાં ઘણાંય ચરિત્ર દેખાય). આથી ત્યાં જવાનું નહિ બની શકે એમ જાણી પોતાના સાધુ સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે ભૂજના મહંત સદ્‍ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી ઉપર એક કાગળ લખાવ્યો જે, ‘વૃષપુરમાં અનાદિ મુક્તરાજ અબજીભાઈએ થોડા દિવસ થયાં મંદવાડ ગ્રહણ કર્યો છે, તેના ખબર અમને અહીં મળ્યા, તેથી ઘણા ઉચાટ થાય છે; એવા મુક્ત મળવા બહુ દુર્લભ છે, સહજ મળે તેવા નથી, બહુ મોંઘા છે, મહારાજે તેમને આપણા સુખ સારુ રાખ્યા છે, માટે તમે એમની સંભાળ રખાવશો, ઘેર ખાટલો હોય તો મંદિરમાં લઈ જજો ને ભૂજથી સંતો સેવામાં રહે તેને સેવાની ના ન પાડજો, એમ અહીંથી તેમને મેં લખ્યું છે. માટે તમે તેમની સેવામાં બે સાધુ જરૂર મોકલજો. મંદિરમાં રહેવાથી ઘણાને દર્શનનો લાભ મળે ને સેવા પણ સરખી થાય.’ આ પત્ર વાંચી સ્વામીશ્રીએ બે સંત-સાધુ જગજીવનદાસજી તથા નારાયણચરણદાસજીને વૃષપુર મોકલ્યા. સંતો આવ્યા તે પહેલાં અહીં પણ કાગળ આવેલ હતો, તેથી ખાટલો મંદિરમાં લાવ્યા ત્યાં તો આ મુક્તરાજ તુરત મૂર્તિના સુખમાં ઊંડાં ઊતરી ગયા! કાંઈ બોલે નહિ કે ચાલે નહિ, સમાધિ જેવી સ્થિતિ થઈ ગઈ! એ જોઈને સંતો મૂંઝાયા કે ‘આપણે સેવા કરવા આવ્યા, પણ આમની સેવા હવે કઈ કરવી?’ આમ બેપાંચ દિવસ વિચાર કરતાં ને વાટ જોતાં સંતો અકળાયા. પણ હરિભક્તોએ ઘણી વાર પાંચ પાંચ, આઠ આઠ દિવસ સમાધિમાં રહેતા જોયેલા, તેથી ધીરજ આપી આપીને દસ દિવસ ચલાવ્યું, પણ આ તો જાગે, જુએ કે બોલેચાલે નહિ, નહિ પાણી કે નહિ અનાજ! આ રીતથી રોજ રોજ સૌ તેમના મુખ સામું જોઈને બેઠા હોય. કોઈ ચમરીથી માખીઓ ઉડાડે, કોઈ પવન નાખે, કોઈ વસ્ત્ર ઓઢાડે, તો કોઈ હાર પહેરાવી જાય, કોઈ ભાલમાં ચંદન ચર્ચી સંતોષ વાળે,’ કોઈ પગનાં તળિયાંમાં હાથ ફેરવે, તો કોઈ પગ દાબે, આમ જુદે જુદે પ્રકારે પોતાને હેત ઊપજે તેમ કરીને મન વાળે પણ જ્યાં બોલવા-ચાલવાનું બંધ થાય ત્યાં સુખશાંતિ કેવી? ભૂજ સમાચાર મોકલાવે ત્યારે સ્વામીશ્રી એમ કહેવરાવે જે, તમે ધીરજ રાખજો, એ આ લોકના મનુષ્ય જેવા નથી; સ્વતંત્ર મુક્ત છે, તે પોતાની મેળે જાગશે ને બોલશે, પણ દસ દિવસે ધીરજ ખૂટી ને સહુ અકળાયા તેથી સંત-હરિભક્તો મળી વિચાર કરવા લાગ્યા જે, ‘આમ ને આમ વગર બોલ્યા ભાઈશ્રી ધામમાં જતા રહેશે તો આપણને કાંઈ ખબર નહિ પડે! પ્રાર્થના નહિ કરી શકીએ તેમ આશીર્વાદ પણ નહિ લેવાય! આ ટાણે તો અનાદિ મુક્તરાજ પર્વતભાઈની પેઠે જાગીને સૌ ઉપર દૃષ્ટિ કરે તોય સારું! એમની દૃષ્ટિએ સૌનાં સહજ કલ્યાણ થાય, માટે જગાડવાનો ઉપાય કર્યો હોય તો ઠીક,’ –એમ વિચારી બહુ જ મોટે સાદે બોલાવ્યા ને બેઠા કરવા માંડ્યા, શરીર હલાવ્યું, ધૂન્ય કરી, કેટલાકે દંડ્વત કર્યા, ત્યારે કૃપા કરી નેત્ર ઉઘાડ્યાં ને બોલ્યા જે, ‘તમે મને શું કરવા જગાડ્યો?’ ત્યારે સંતો તથા હરિભક્તો બોલ્યા જે, ‘આપ દસ દિવસ થયા ઊંડા ઊતરી ગયા હતા, તેથી અમે બહુ અકળાયા. અમને એમ થયું જે આમ ને આમ આપ ધામમાં જતા રહેશો, તો અમારે આપની પાસે આશીર્વાદ માગવા, પ્રાર્થના કરી રાજીપો લેવો, એ બધું રહી જશે; એમ જાણી જગાડ્યા. હવે આપ નાહવાનું કે જમવાનું કરો તો સારું.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘અમે કાંઈ પરતંત્ર નથી, સ્વતંત્ર છીએ, તેથી જો અમારે જવાનું થશે તો તમારા સર્વેના મનોરથ પૂરા કરી પછી જઈશું. માટે તમે કોઈ ફિકર રાખશો નહિ, ને હવે અમને જગાડશો નહિ,’ એમ કહીને પાછા તરત જ નેત્ર મીંચી ઊંડા ઊતરી ગયા.’ આ સમાચાર વળી સ્વામીશ્રીને ભૂજ મોકલ્યા જે, આમ બન્યું. ત્યારે તેમણે કહેવરાવ્યું જે, ‘હવે એ રીતે જગાડવાનું કોઈ ન કરશો, મોટા મુક્તને એમ જગાડવા તે ઠીક નહિ. તે તો મહારાજના સ્વરૂપમાં જોડાઈ રહ્યા હોય તેથી વિઘ્ન થાય.’ આવા સમાચારથી બીજા સત્તર દિવસ થયા, પણ સૌ ધીરજ રાખી રહ્યા. સંત-હરિભક્તોને એમ થાય જે, ‘આ મુક્તરાજ પરાધીન નથી, આ તો સ્વતંત્ર થકા મૂર્તિના સુખમાં રમે છે, તેથી હવે ઉઠાડાશે નહિ. વળી આપણને કહ્યું છે કે, તમારા મનોરથ પૂરા કરીશું, તેથી કાંઈ હરકત તો નહિ આવે, પણ હવે ધીરજ ક્યાં સુધી રાખવી?’ આમ વિચાર કરતાં કરતાં કાંઈ ઉપાય ન સૂજયો ત્યારે ભૂજમાં સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીને માણસ મોકલી આ હકીકત જણાવી જે ‘હવે ઊઠવાનો કાંઈ અવધિ નથી ને ઉઠાડવાની આજ્ઞા નથી. દસ દિવસ પહેલાં જગાડ્યા પછી બીજા સત્તર દિવસ થયા, હવે વાટ જોઈ જોઈને સહુ થાક્યા છે, તેથી ધીરજ રહે તેમ જણાતું નથી, કેમ કે જગાડ્યા ત્યારે ‘અમે પરતંત્ર નથી, સ્વતંત્ર છીએ, તમારા મનોરથ પૂરા કરીશું, તમારા સાથે બોલશું,’ –આવાં વચન બોલ્યા હતા. પણ આમ ને આમ ધામમાં જતા રહે તોય અમને કાંઈ ખબર પડે તેમ નથી. માટે આપ અહીં પધારો તો સારું. આપ તો સમર્થ છો, તેથી કાંઈક ખબર પડે જે, હવે શું કરવું? અમે તો રોજ સવારથી રાત સુધી એમના સામું જોઈને બેઠા રહીએ છીએ; બીજી સેવા તો કાંઈ કરવાની છે નહિ; તો આપ હવે ઘટતું કરશો. તેમના દીકરા કાનજીભાઈ રોજ પૂછે છે જે, ‘સ્વામી! હવે મારા બાપ ક્યારે જાગશે?’ તેને આજકાલ કહી કહીને આટલા દિવસ કાઢ્યા, પણ તેને હવે રોજ શું કહેવું? ઘરનાને તથા સગાંવહાલાંને તેમને જોયા વિના શાંતિ ક્યાંથી થાય? આવી રીત છે.’ આ સમાચારથી સ્વામીશ્રીનું હૃદય ભરાઈ આવ્યું ને નેત્રમાં પ્રેમનાં આંસુ વહ્યાં. તુરત જ મંદિરમાં તમામ સંત-હરિભક્તોને કહી દીધું કે, ‘જેને આ અનાદિ મુક્તરાજ ‘અબજીભાઈ’નાં દર્શન કરવાં હોય તે તૈયાર થાઓ, હાલ જવું છે.’ આમ આજ્ઞા થતાં સંતો, બ્રહ્મચારી, પાર્ષદ વગેરે થોડી વારમાં તૈયાર થઈ રાત્રે આઠ વાગ્યે ચાલ્યા તે સૌએ ઉતાવળા વૃષપુરમાં આવી આ મુક્તરાજનાં દર્શન કર્યા ને ખાટલાની ફરતા બેઠા. પછી સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીએ ઘણી પ્રાર્થના કરી, તોપણ કાંઈ બોલ્યા નહિ, તેથી રાત્રે બધા એમના એમ મહારાજને સંભારી બેસી રહ્યા. જ્યારે સવારના ચાર વાગ્યા ત્યારે ભાઈશ્રીને શ્રીજીમહારાજનાં અનંત મુક્તે સહિત દર્શન થયાં, તે જાણે મહારાજ આવીને ભાઈશ્રી સૂતા હતા તે ખાટલા પર બેઠા ને મુક્તથી મંદિર ને ચોક બધો ભરાઈ રહ્યો! તે વખતે ભાઈશ્રી ઓચિંતા ઊઠ્યા ને પોતાની મેળાએ ખાટલા પર શ્રીજીમહારાજ બિરાજેલા છે ત્યાં પ્રદક્ષિણાઓ કરવા મંડ્યા, તે બહુ જ ઉતાવળા ચાલે. કોઈ હાથ ઝાલવા જાય તો વગર બોલ્યા હાથ તરછોડી નાખે! આવું જોઈ સ્વામીશ્રી તથા બીજા સંત, પાર્ષદ ને હરિભક્તો સાથે સાથે પ્રદક્ષિણા કરવા મંડ્યા. સામત્રાના મૂળજીભાઈને સ્વામીશ્રી કહે, ‘ભાઈને ઝાલો, ઘણા દિવસના ઉપવાસી છે તે પડી જશે.’ ત્યારે તેમણે ઝાલવા માંડ્યા, પણ કહ્યું જે, ‘નહિ પડીએ, મૂકી દ્યો.’ પછી તેમણે હાથ મૂકી દીધા, એટલે પચીસત્રીસ પ્રદક્ષિણાઓ ફરીને પચીસત્રીસ દંડવત્ કર્યા ને ઘણી વાર પગે લાગ્યા ત્યાં તો શ્રીજીમહારાજ ખાટલેથી ઊઠીને સિંહાસન પાસે હસતા હસતા આવીને મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા; ત્યારે ભાઈશ્રી પણ સિંહાસન આગળ આવીને બેઠા ને બોલ્યા જે, ‘અમારો દાખડો નિષ્ફળ ગયો!’ આ વચન સાંભળી સ્વામી અક્ષરજીવનદાસજીએ પૂછ્યું જે, ‘ભાઈ! અમારો દાખડો નિષ્ફળ ગયો એમ કહ્યું તે શું?’ ત્યારે પોતે બોલ્યા જે, ‘અમારી અક્ષરધામમાં જવાની ચોવટ શ્રીજીમહારાજ આગળ સત્યાવીશ દિવસ ચાલી, પણ મહારાજ કેમેય હા પાડે નહિ; જ્યારે બહુ પ્રાર્થના કરી ત્યારે છેલ્લી વારે હા પાડી. પણ સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજીએ કહ્યું જે, ‘મહારાજ! તેમના દ્વારે તો અનંત જીવોના ઉદ્ધાર કરવાનો ઠરાવ છે, તેથી તેમની વતી મને લઈ જાઓ ને એમને રાખો તો સારું.’ ત્યારે મહારાજ કહે, ‘ઠીક, એમ કરશું.’ એમ તેમણે અમારી ના પાડી ને પોતાને લઈ જવાનું ઠરાવ્યું; આમ વાત બની.’ પછી સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંત-હરિભક્તો આ મુક્તરાજ પાસે ઘણી વાર બેઠા ને આશ્ચર્ય પામતા થકા સામું જોઈ રહ્યા. તે વખતે વળી ભાઈશ્રી બોલ્યા જે, ‘સ્વામી! અમારો આ મંદવાડ બહુ લાંબો ચાલ્યો. આ લોકમાંથી જવાની મહેનત ઘણી કરી, પણ કોઈ ધણીનો ધણી છે? શ્રીજીમહારાજને સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ પ્રાર્થના કરી એટલે તેમની હા કહી ને અમારું રહેવાનું ઠરાવ્યું. મુક્તો પણ એમ જ બોલ્યા.’ ત્યારે સ્વામી કહે, ‘ભાઈ! શ્રીજીમહારાજે અમારા સારુ તમને રાખ્યા, તેથી અમે બધાય રાજી થયા.’ પછી ભાઈશ્રી કહે, ‘હવે તમે સૌ નહાવો, પૂજા કરો. ઠાકોરજીને થાળ જમાડો. તમને બધાયને ઘણો દાખડો પડ્યો હશે. પણ ‘કરે સેવા તો મળે મેવા’ તેમ આવી સેવામાં અક્ષરધામના મેવા તમને મળ્યા, એમ જાણજો. શ્રીજીમહારાજ તેજોમય દિવ્ય મૂર્તિ આવીને ખાટલા પર બેઠા, અનંત મુક્ત ભેળા તે દિવ્ય સભાની સૌએ પ્રદક્ષિણા કરી, દંડવતૂ કર્યા, એ કામ જબરું થયું! આ દેહે અક્ષરધામના ધામી ને અનંત મુક્તના સ્વામી સર્વોપરી પુરુષોત્તમનારાયણની ભેટ ને દર્શન ક્યાંથી મળે? શ્રીજીમહારાજની સૌ પર અમૃતનજર થઈ ને ઘણા રાજી થયા, માટે આ ટાણે જે પાસે હતા તેના આત્યંતિક મોક્ષ થઈ ગયા એમ જાણજો. કેટલાકને પ્રાર્થના કરવાનું ને આશીર્વાદ માગવાનું રહેતું હતું, પણ શ્રીજીમહારાજને કાંઈ કહેવું પડે છે? એ તો ન્યાલકરણ મૂર્તિ છે, તે નજરે ચડયા ને ન્યાલ જ કરે.’ એમ કહી સૌને નાહી, પૂજા કરી લેવાનું કહીને પોતે સિંહાસન પાસે પોઢી ગયા. થોડી વારે સંત-હરિભક્તોએ નિત્યવિધિ કરી ભાઈશ્રીને નવરાવ્યા ને પૂજાનાં દર્શન કરાવ્યાં, તે વખતે સ્વામીશ્રી તથા સંત, હરિભક્તોએ ભાઈશ્રીની ચંદન-પુષ્પથી પૂજા કરી. ભાઈશ્રી પણ સૌને ભાલે ચંદન ચર્ચી ઊભા થઈ મળ્યા ને ઘણો રાજીપો જણાવ્યો. થોડી વારે ઠાકોરજીના થાળ થયા ને ભાઈશ્રી માટે શીરો તથા શાક, ખીચડી, દૂધ આદિ તૈયાર કરાવ્યું હતું, તેમાંથી ધીરે ધીરે થોડુંક જમ્યા ને બોલ્યા જે, ‘આવી માંદાઈમાં આવા થાળ હોય? ન જમીએ તો તમે દિલગીર થાઓ, નહિ તો જરાય રુચિ થતી નથી, તોપણ મહારાજને થોડું જમાડ્યું.’