૭૧૩ - સેવક પ્રેમજી સાથે છેલ્લી વાત
પછી એક વાગ્યાના સુમારે બાપાશ્રી ઓચિંતાના જાગી ગયા ત્યારે સેવક પ્રેમજીએ જાગીને પૂછ્યું જે, 'બાપા! કેમ બેઠા થયા? નાહવું છે?' તે વખતે પોતે એમ બોલ્યા જે, 'પ્રેમજી બચ્ચા! મારે નાહવું નથી પણ જાવું છે.' ત્યારે તે પ્રેમજી કહે કે, 'બાપા! ઘેર જવું છે?’ ત્યારે પોતે 'હા' કહી, એટલે તેણે તો પાઘડી લાવીને આપી. ત્યારે તે પાઘડી હાથમાં લઈને પોતે કહેવા લાગ્યા જે, 'બચ્ચા પ્રેમજી! તું અહીં આવ, તુંને પાઘડી બંધાવું; મારે તો અક્ષરધામની પાઘડી છે.' એમ કહી એ પાઘડી નીચે મૂકી દીધી. ત્યારે સેવક પ્રેમજીને એમ થયું જે, ‘ બાપાશ્રીને ટાઢીઓ તાવ આવ્યો છે તેથી આમ બોલે છે.' એમ જાણી કહ્યું જે 'બાપા! સૂઈ જાઓ.' ત્યારે પોતે રાજી થઈને તેના માથે હાથ મૂકી કહેવા લાગ્યા જે, 'પ્રેમજી! તેં મારી નિષ્કામભાવથી સેવા કરી છે.' એમ કહેતાં બહુ હેત જણાવી બાથમાં ચાંપી મળ્યા ને કહ્યું, 'બચ્ચા! તું મારી સેવામાં રહીશ? મને એમ થાય છે જે, આ ટાઢ નડશે ખરી! આ ટાઢ ઊતરે એમ મને જણાતું નથી.' આવાં વચનથી પ્રેમજીને -બાપાશ્રી યજ્ઞ વખતે બોલ્યા હતા જે, 'ગોર મહારાજ! જોજો આ મૂર્તિ ઊડી જાય નહિ.' -તે વચન યાદ આવ્યું તથા સ્વામીશ્રી આદિ દેશમાં જતા હતા ત્યારે પણ ઘણાંક મર્મવચનોમાં પોતે આ લોકમાંથી ઉદાસીપણું જણાવેલું, એ વાત સાંભરી આવતાં મૂંઝવણ થવા લાગી. એટલામાં તો બાપાશ્રી કહેવા લાગ્યા જે, 'પ્રેમજી બચ્ચા! તું તારા મનમાં સંકલ્પ કર્યા કરે છે તે કરતાં સૂઈ જા, હું તારા સંકલ્પ જાણું છું.' ત્યારે પ્રેમજી કહે, 'બાપા! આજનું આપનું દર્શન સંકલ્પ કરાવે છે.' એમ કહી બહુ દિલગીરી જણાવી. તે જોઈ પોતે બોલ્યા, 'બચ્ચા! તું મારું માનીશ કે નહિ?' ત્યારે તે કહે, 'બાપા! હું આપનું કેમ ન માનું? જે કહેશો તે કરીશ.' પછી વળી તેમને પોતાનું વચન ન લોપવા પાકી ભલામણ કરી. ત્યારે તે પ્રેમજી કહે, 'બાપા! આપનું વચન હું ક્યારેય નહિ લોપું.' આ વચનથી બાપાશ્રીએ તેમના પર અતિ પ્રસન્નતા જણાવી, માથે હાથ મૂક્યા ને કહ્યું જે, 'તારે આ વાત કોઈને કહેવી નહિ. તું સંકલ્પ કરે છે કે, બાપો જતા રહેશે તો? અને સ્વામીશ્રી આદિ કોઈને ખબર નહિ પડે તો મને ઠપકો મળશે, પણ બચ્ચા! હું જાઉં તેવો નથી, હું તો અખંડ છું, પણ હવે આ દેહ દેખાય કે નહિ તે મહારાજની મરજી.' આવાં વચન સાંભળી તે પ્રેમજીને ધીરજ રહી નહિ. તેથી ખોળામાં માથું મૂકી રોવા લાગ્યો તે છાનો જ ન રહે, ત્યારે તેને ધીરજ આપતાં પોતે કહેવા લાગ્યા જે, 'બચ્ચા! તું આમ દિલગીર ન થા.' ત્યારે સેવક પ્રેમજી કહે, 'બાપા! તમે મને બોલવાની બંધી કરી એટલે કોઈને કહેવાય પણ નહિ ને જો કોઈને કહું તો આપનું વચન લોપાય.' ત્યારે પોતે એમ કહ્યું જે, 'કહેવાનું કાંઈ નહિ, મહારાજ બધુંય સારું કરશે.' તે વખતે પ્રેમજીએ પ્રાર્થના કરી જે, 'બાપા! આપના ઘરમાં સૌને તથા સર્વે હરિભક્તોને આપના દર્શનથી સુખ વર્તે છે ને સાજો સત્સંગ આપની કૃપાદૃષ્ટિએ સુખિયો છે, તે કોઈને આ વાતની ખબર ન પડે તો કેવું લાગે? વળી સદ્દગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને તો આ વાત જરૂર જણાવવી ખપે! હું તેમને આપના મંદવાડની ખબર આપું?' ત્યારે બાપાશ્રી કહે, 'બચ્ચા! એમને ખબર પડે એટલે તો સત્સંગમાં સૌને ખબર પડી જાય, તેથી બધાં અહીં આવે, કરગરે, દિલગીર થાય, પ્રાર્થના કરે અને મને જવા દે નહિ, તેમજ ઘણા હરિભક્તો પણ આવે અને તે બધાય પ્રાર્થના કરે, કરગરે; મારે સ્વામીશ્રીને તો આ વખતે રોકવા હતા, પણ બીજા સંતોને જવાની તાણ હતી તેથી તેમને રોક્યા નહિ, પણ એ જતાં મને ઠીક ન લાગ્યું, એટલે છેલ્લો મેળાપ કરવા માટે ઠેઠ ભૂજથી માણસ મોકલી પાછા અહીં બોલાવી સુખિયા કર્યા છે, તેથી ખબર આપવાની જરૂર નથી.' આ વાત સાંભળી પ્રેમજીને વધુ દિલગીરી થઈ ને જાણ્યું જે, 'આ મંદવાડમાં બાપાશ્રી રહે તેવું જણાતું નથી.' તેથી દંડવત્ કરી પ્રાર્થના કરવા માંડી, ત્યારે બાપાશ્રી કહે, 'તું કહેતો હતો કે હું તમારું માનીશ ને હવે આમ શોક શું કરે છે? હું ક્યાં જાઉં એવો છું! પણ આ વાત હમણાં તારે કોઈને જણાવવી નહિ, જો કહીશ તો હું રાજી નહિ થાઉં, હવે હું બોલીશ નહિ, હું તારા ઉપર બહુ રાજી છું. મેં આજ દિવસ સુધી સહુને મૂર્તિના સુખની વાતો કરી, હવે શ્રીજીમહારાજની આવી મરજી છે, એમ જાણી તારે રાજી રહેવું, હું તને મૂર્તિના સુખમાં રાખીશ.' એમ કહી તેનો હાથ ઝાલી પોઢી ગયા. સેવક પ્રેમજીને તે વખતે ઘણા વિચારો આવે, પણ બાપાશ્રીએ કોઈને કહેવાની બંધી કરેલી તેથી શું કરે! બાપાશ્રીએ તો ઘણી વાર તેનો હાથ ઝાલી રાખ્યો હતો, તે વળી ઊઠીને કહ્યું જે, 'પ્રેમજી બચ્ચા! જોજે, મારું વચન લોપતો નહિ, હો! હું તારા ઉપર બહુ રાજી છું.' એમ કહીને સૂઈ ગયા તેથી પ્રેમજીને તો સવાર સુધી ઊંઘ જ ન આવી, પણ શું કરે?
પછી ચોથને દિવસ સવારમાં બાપાશ્રી વહેલા જાગ્યા ત્યારે સેવકે નાહવા માટે પૂછ્યું, ત્યારે પોતે હા કહી, પણ ઊઠવા માંડયું ત્યારે ઊઠી શકાણું નહિ, તેથી બાપાશ્રીના પુત્રો કાનજીભાઈ તથા મનજીભાઈ આવ્યા, પણ પ્રેમજીની આંખો રાતી ને મુખ ઉપર ઉદાસી જોઈ તેમને ફાળ પડતાં પૂછ્યું જે, 'પ્રેમજી! તું આમ કેમ થઈ રહ્યો છે, તને કાંઈ શરીરમાં કસર છે?' ત્યારે પ્રેમજી કહે, 'મને કસર ઘણી છે, પણ કાંઈ કહેવાતું નથી.' પછી કહ્યું જે, 'બાપાશ્રીએ હમણાં નાહવા માટે ઊઠવા માંડ્યું હતું પણ ઉઠાણું નહિ.' એ વાત સાંભળી તેઓ માંચી લાવ્યા ને ઓરડા પાસે રાખી તેમાં બેસાર્યા. પછી દાતણ કરવા આપ્યું, ત્યારે જરા ઊલટી થઈ, તેથી સેવકે કોગળા કરાવ્યા. એ વખતે ઘણા હરિભક્તો પાસે ઊભા રહી દર્શન કરતા હતા. એ ટાણે પોતે શુદ્ધિમાં ન હોય તેમ બોલવા માંડ્યું. ‘પ્રેમજી! જાદવા! આપણે કયા સ્થાનમાં છીએ?' ત્યારે કાનજીભાઈ કહે, 'બાપા! આપણે મંદિરના ચોકમાં છીએ.' ત્યારે બાપાશ્રી કહે, 'મને તો આપણે બધા અક્ષરધામમાં છીએ એમ દેખાય છે. આ મહારાજ ને આ અનંત મુક્તો રહ્યા!' એમ કહી હાથ જોડવા માંડ્યા ને સૌને કહ્યું જે, 'દંડવત્ કરો,' તેથી હરિભક્તો દંડવત્ કરવા લાગ્યા. તે વખતે સહુને એમ થયું જે, 'બાપાશ્રી આ બધું દિવ્યભાવમાં બોલે છે.' પછી હરિભક્તોએ મળી નવરાવ્યા, પણ કાંઈ બોલ્યા નહિ, તેથી સૌને વધુ ઉદાસી થઈ. પછી કોરાં વસ્ત્ર પહેરાવી ચોફાળ ઓઢાડ્યો ને ખાટલા પર તકિયો મૂકી ઓઠીંગણે બેસારી પૂજાનાં દર્શન કરાવ્યાં. વળી માંચીમાં બેસારી હરિભક્તો મંદિરમાં લઈ ગયા, ત્યાં મહારાજનાં દર્શન કરીને મૂર્તિ પર હાથ ફેરવતા પગે લાગ્યા ને ઘણી વાર મહારાજ સામું જોઈ રહ્યા. પછી હરિભક્તોએ પાછા ઓરડામાં લાવી સુવાર્યા. તે વખતે બાપાશ્રીના નાના પુત્ર મનજીભાઈએ કહ્યું જે, 'બાપા! કાંઈ જમશો? જે જમવાની રુચિ થાય તે ઘેરથી કરાવી લાવું.' ત્યારે પોતે સૂતા સૂતા તેમના માથે હાથ મૂકીને બોલ્યા જે, 'મનજી! હું તો સદાય મૂર્તિના સુખરૂપ દિવ્ય ભોજન જમું છું,' -એમ કહ્યું, પણ જમવાનું પૂછ્યું હતું તે માટે કાંઈ બોલ્યા નહિ. પછી થોડી વારે બાપાશ્રીના પૌત્ર માવજી ઘેરથી સાકર નાખી ક્ઢેલું દૂધ મહારાજને જમાડીને લાવ્યા ને બહુ પ્રાર્થના કરી, ત્યારે થોડુંક પીધું ને બોલ્યા જે, 'હવે મને કોઈ જમવાનું પૂછશો નહિ.' તે સમયે પોતાની સેવામાં રહેનારા જાદવજીભાઈ તથા હીરજીભાઈ આવ્યા ને દંડવત્ કરી પૂછ્યું, 'બાપા! આપને શું જણાય છે!' ત્યારે પોતે બોલ્યા જે, 'મને સાંજે ટાઢ બહુ હતી ને આ ટાણે ગરમી વધુ જણાય છે, તેથી મને હવે વાડીએ લઈ ચાલો તો ઠંડક થાય.' આમ આજ્ઞા થતાં જાદવજીભાઈ ગાડી લેવા ગયા. ત્યાં તો બાપાશ્રીને બીજી વાર ઊલટી થઈ, એટલે સેવકે કોગળા કરાવી પાણી પાયું. તે વખતે મોટા પુત્ર કાનજીભાઈ કહે, 'બાપા! તમારે શરીરે અશક્તિ છે ને ઊલટી થાય છે, તેથી વાડીએ ન જાઓ તો ઠીક.' ત્યારે પોતે કહેવા લાગ્યા જે, 'બચ્ચા! મને ગરમી બહુ થાય છે, તે વાડીએ તો જવું જોશે,' -એમ કહેતા હતા, ત્યાં ગાડી આવી એટલે હરિભક્તોએ હાથ ઝાલી ગાડીમાં બેસાર્યા. તે વખતે બાપાશ્રી પોતાના બન્ને પુત્રોને પાસે બોલાવીને ભલામણ કરવા લાગ્યા જે, 'હવે મારા દેહનો નિરધાર નથી, તેથી તમે સૌ ખબડદાર રહેજો ને મારો ચીલો રાખજો, મૂર્તિથી ક્યારેય જુદા રહેશો નહિ. કથા, વાર્તા, ધ્યાન, ભજન, નિરંતર કર્યા કરજો, હવે તમને હું વધુ કહીશ નહિ, તમે મૂંઝાશો મા, હું જાઉં તેવો નથી. સત્સંગમાં અખંડ રહ્યો છું. મૂર્તિથી ક્યારેય જુદો રહેતો નથી, પણ તમે હવે આમ નહિ દેખો.'