૨૦૩ - નિત્ય નવો આનંદ

0:000:00

યજ્ઞ પૂર્ણાહુતિ પછી દેશોદેશથી આવેલા સંતહરિભક્તોએ પોતપોતાને ગામ જઈ અનાદિ મુક્તરાજ બાપાશ્રીની મહાન સ્થિતિ તથા સામર્થ્યની વાતો કરવાથી કેટલાક હરિભક્તો હવે દર્શન-સમાગમ કરવા સારુ આવવા લાગ્યા. ભૂજથી સંતો આવે કે ગામડેથી હરિભક્તો આવે, પણ વૃષપુરમાં તો નિત્ય નવો ને નવો આનંદ! ગામના હરિભક્તોની શ્રદ્ધા પણ એવી. રોજ સવારમાં વહેલા નાહી પૂજાઓ કરી સભામાં બેસી જાય. બાપાશ્રી તો એમનીયે પહેલાં તૈયાર થઈ નેત્ર મીંચી ધ્યાન કરતા આસને બેઠા હોય, એટલે કથા ચાલતી થાય તે આઠ વાગ્યે સહુ ઊઠે. ત્યાર પછી બાપાશ્રી તો ફળિયામાં તડકે બેસે, ત્યાં પણ વૃદ્ધ હરિભક્તો પોતાની પાસે બેઠા હોય. પછી ઘેર જાય, ઠાકોરજી જમાડે, વાડીએ જાય તથા પુત્રપૌત્રાદિક સાથે વ્યવહારની વાતો કરે, કાં તો ખાટલો ઢાળી સૂવે. મોડેથી નાહ્ય, માનસી પૂજા કરે કે ધ્યાન ધરે. જાગ્રત થયા પછી કોઈ હરિભક્ત પાસે બેઠા હોય તો મહારાજની વાતો કરે. સાંજે મંદિરમાં આવી ગોડી, આરતી ને ધૂન્ય કરે. વળી સભા ભરાય ને કથાવાર્તા ચાલે, તેમાં પોતે હરિભક્તોને કાંઈક પ્રશ્ન પૂછે કે વાતો કરે. એમ ને એમ રોજ થયા કરે. દેશીપરદેશી સંત-હરિભક્તો આવે ત્યારે તેને જમાડે, વાતો કરે, વાડીએ ભેળા લઈ જાય, ક્યારેક વ્યાવહારિક વાતો પણ પૂછે, સમૈયાના દિવસ હોય ત્યારે હરિભક્તો ભેળા પોતે ભૂજ દર્શન કરવા જાય.