૪૮૯ - હનુમાનજીની પ્રતિષ્ઠા તથા આનંદોત્સવ

0:000:00

એ વખતે સૌને છત્રીએ ચાલવાનું છે, એમ સભામાં કહેવરાવી બાપાશ્રી અને સદ્‍ગુરુઓ આદિ સંતો પ્રથમ પાકશાળામાં પધાર્યા. ત્યાં શીરાથી ભરેલો મોટો હોજ જોઈ રસોઈઆઓને શાબાશી આપી. તે હોજ ઉપર મહારાજને બિરાજમાન કરી થાળ જમાડ્યો. ત્યાંથી સુખડીના ઓરડે આવી મહારાજને સુખડીના ઢગલા ઉપર પધરાવી જમાડ્યા. પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ મહારાજને જળપાન કરાવ્યું ને રમૂજ કરતાં બોલ્યા જે, ‘બાપા! શીરા ને સુખડીનું કેમ છે? હરિભક્તો ઘણા જણાય છે.' ત્યારે બાપાશ્રી કહે, ‘ શ્રીજીમહારાજ શીરાના હોજ ઉપર ને સુખડી ઉપર બેઠા છે તેનો પ્રતાપ કેવો છે! આથી દસગણા મનુષ્ય હોય તોય ખૂટે નહિ.’ એમ કહી કીર્તન બોલતા બોલતા સહુ છત્રીએ આવ્યા.

આ પ્રસાદી-સ્થાને સવારથી બ્રાહ્મણો હોમહવન ને વેદમંત્રોથી આવાહનવિધિ કરતા હતા. ત્યાં આ દિવ્યસ્વરૂપ અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સદ્‍ગુરુઓ આવ્યા, એટલે સૌને હર્ષનો પાર ન રહ્યો. બાપાશ્રી અને સંતો ઘણી વાર એકનજરે હનુમાનજી સામું જોઈ રહ્યા હોય, તેમ સૌને દર્શન થતાં હતાં. એ વખતે હનુમાનજીના શરીર પર હાથ ફેરવતાં બાપાશ્રી બોલવા લાગ્યા કે, ‘હે હનુમાનજી! તમે વનમાં બહુ સેવા કરી મહારાજને રાજી કર્યા છે તેમ જ કેટલાંય મોટાં મોટાં કામો કર્યાં છે. તેથી એ મહાપ્રભુને અત્યંત વહાલા છો. હવે તમે આ પ્રસાદીના સ્થાને બેસી જે કોઈ ભૂત-પ્રેતવાળા કે દુઃખી-દરિદ્રી તમારા પાસે આવે તેના પર દૃષ્ટિ કરી ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ એ મહામંત્ર ઉચ્ચારણ કરાવી એ સર્વેનાં અનેક પ્રકારનાં દુઃખ ને સંકટ મહારાજના પ્રતાપે નાશ કરજો.’ આવાં વચનો કહી સંતોને આગળ બોલાવી પોતે હનુમાનજીને ભાલે કુંકુમનો ચાંદલો કરી, પુષ્પનો મોટો હાર પહેરાવ્યો. એ ટાણે સંતો અષ્ટક ને સ્તોત્રો બોલવા લાગ્યા. પછી સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી અને બ્રહ્મચારી નિર્ગુણાનંદજી વગેરે પાસે બાપાશ્રીએ હનુમાનજીની પૂજા કરાવી પ્રતિષ્ઠા કરી, આરતી ઉતારી, એટલે મંડળીઓએ ઉત્સવની ઝીક વગાડવા માંડી. એ સમયે તળાવની ચારે તરફ ચંદન, પુષ્પ ને અગરબત્તી આદિનો સુગંધ સુગંધ થઈ રહ્યો. આકાશમાં પણ જાણે દેવતાઓ દર્શન કરતા હોય તથા દુંદુભિના નાદ થતા હોય એ રીતે ચારે તરફ આનંદ-ઉત્સવ ને ગર્જના સાથે સૌ ‘જય, જય’ બોલી રહ્યા હતા.

એ વખતે મહારાજ તથા મોટા મુક્તના અદભુત પ્રતાપને જાણનારા સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પૂછ્યું કે, ‘ આ હનુમાનજીનું નામ શું?’ ત્યારે બાપાશ્રી કહે આમનું નામ ‘ ભીડભંજન હનુમાનજી.’ એ ટાણે સહુ શ્રીજીમહારાજની જય સાથે ફરી વાર ‘ ભીડભંજન હનુમાનજીની જય ’ એમ ઊંચે સાદે બોલ્યા.

ત્યાર પછી સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘હવે અહીં દર્શન કરવા આવનારને વર આપો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! આ હનુમાનજી સારંગપુરના હનુમાનજીની પેઠે કામ કરશે અને જે કોઈ અહીં દર્શન કરવા આવશે તેને અમે અક્ષરધામમાં તેડી જઈશું.’ આવા આશીર્વાદથી સૌ રાજી થઈ ફરી વાર જય બોલ્યા. પછી ધર્મશાળામાં સંતોને ફેરવી સૌને થાળની ઉતાવળ કરવા આગળથી મંદિર મોકલ્યા.