૮૬ - મુક્તરાજ ધનબા પર મોટાં બાઈઓની પ્રસન્નતા
આ બધી વાત સાંભળી રામજીભાઈ કહે, ‘કાકા! મારા મનમાં તો એમ થતું હતું કે આજ નિરાંત છે, તે ધનબા કેવાં મોટાં છે તે પૂછું. ત્યાં તો તમે સૂરજબાની વાત કરી કે, એમની સેવાએ એમને મોટપ આવી, પણ પ્રથમથી જ એ ધનબા મોટાં મુક્ત ખરાં કે નહિ?’ ત્યારે ભાઈ કહે, ‘એ પ્રથમથી જ બળિયાં તો હતાં ને વળી આવા મોટાને સેવાએ રાજી કર્યા, પછી શું ખામી રહે?’ એમ કહીને વળી વાત કરવા લાગ્યા જે :-
કેરા ગામમાં મોટાં મુક્ત સદાબા રહેતાં, તે પણ સૂરજબાની પેઠે અખંડ શ્રીજીમહારાજને દેખતાં, તેથી તેમનો જોગ-સમાગમ ને દર્શન કરવા અડખેપડખેનાં ગામમાંથી કેટલાક મહિમા જાણી જતા.
એક વખત રવજી નામનો સત્સંગી સદાબાનાં દર્શન કરવા કેરે જતો હતો. એ વખતે ધનબા ને તેના બીજા બે ભાઈ ઘેરથી વાડીએ જતા હતા, તે માર્ગમાં ભેળા થયા. તેને ધનબાએ પૂછ્યું, ‘કાકા! તમે કેમણા જાઓ છો?’ ત્યારે તે કહે, ‘હું કેરે સદાબાનાં દર્શન કરવા જાઉં છું.’ ત્યારે આ ત્રણે છોકરાં કહે, ‘અમે તમારા ભેગાં આવશું.’ ત્યારે તે રવજી કહે, ‘તમે નાનાં છોકરાં ચાલી ન શકો, તેમ તમારાં માબાપ ગોતે.’ એમ કહીને તે તો ઉતાવળો ચાલતો જ થયો. (આ વખતે ધનબાની ઉંમર આઠ વર્ષની હતી અને તેમના એક ભાઈની ઉંમર દસ ને બીજા ભાઈની ઉંમર બાર વર્ષની હતી.) કેરા થોડુંક દૂર રહ્યું ત્યાં તો આ ત્રણે પાછળથી આવી ભેળાં થયાં, તેને રવજીએ ઘણીયે ના પાડી પણ રોઈને વાંસે વાંસે ગયાં. સદાબા નાનાં છોકરાંને જોઈને બોલ્યાં, ‘રવજીભાઈ! આટલાં નાનાંને તેડી લાવ્યા, તે કેડે એનાં માબાપ નહિ ગોતે?’ પછી તેણે માર્ગની વાત કરી, ત્યારે રાજી થયાં ને કહે, ‘હશે!’ પછી બાજરાના લોટમાં ગોળ, ઘી નાખી કૂલેર કરી મહારાજને જમાડીને તે ત્રણેને જમાડ્યાં. સાંજે રવજીભાઈ ગયા ત્યારે તેનાં માબાપને સોંપી આવવાનું કહ્યું ને છોકરાંઓને ભલામણ કરી કે, ‘મોટાં થાઓ ત્યારે આવજો; હમણાં ન આવવું,’ એમ કહ્યું; પણ ધનબાને જવું ગમ્યું નહિ ને આંખોમાં આંસુ આવી ગયાં, તેથી સદાબા રાજી થયાં ને કહ્યું કે, ‘હું તારા ઉપર રાજી છું હો! તારે તો આવતાં-જતાં મારી પાસે આવવું. તને ના નથી,’ –એમ કહ્યું ત્યારથી ધનબાનું વ્યવહારમાંથી ચિત્ત ઊખડી ગયું.
આ ધનબાને તેમનાં માબાપે નાની અવસ્થામાં પરણાવ્યાં હતાં, પણ પછી તો સાસરાને ઘેર રહે નહિ. થોડા દિવસ થાય ત્યાં છાનાંમાનાં માબાપને ઘેર જતાં રહે ને કહે, ‘મારે ભગવાન ભજવા છે.’ તેનાં માબાપ સમજાવીને સાસરાને ઘેર મૂકવા આવે, ત્યારે સદાબાને મોટાં જાણી તેને ત્યાં મૂકી જાય ને શિખામણ દેવાનું કહે. પછી સદાબા બે દિવસ રાખી, સમજાવી પોતાનું કામ કરનાર બાઈ માણસને કહે, ‘તું આ ધનબાઈને તેના સાસરે વૃષપુર મૂકી આવ.’ પછી તે બાઈ તેને મૂકવા જાય. જ્યારે એ બાઈ તેના સાસરાના ઘેરથી પાછી વળે ત્યારે વળી ધનબા તેની ડોકે હાથ નાખીને બાઝી પડે ને બહુ રુવે ને એમ કહે જે, ‘મને તમે સદાબા પાસે ભલાં થઈને લઈ જાઓ.’ તેથી તેનાં સાસરિયાં કહે, ‘આમ આ નહિ રહી શકે, ભલે હમણાં તેડી જાઓ, પાંચ દિવસ ત્યાં રોકજો, પછી સમજાવીને મૂકી જજો.’ એમ તે બાઈની સાથે જ પાછાં સદાબા પાસે જાય.
એક દિવસ સદાબાએ તેમને બહુ સમજાવી પરાણે મોકલ્યાં ને કહ્યું કે, ‘તું હવે સાસરે રહેજે, ત્યાં મહારાજ તને દર્શન દેશે ને તારી રક્ષા કરજે.’ આ વચનથી તેમને સારું લાગ્યું અને જાણ્યું જે, ‘આ સદાબા મોટાં છે ને કહે છે, તેથી હવે મહારાજ મારી જરૂર સહાય કરશે.’ પછી તો સાસરાને ઘેર કામકાજ કરે, પણ મનમાં એમ કે, ‘મહારાજ ક્યારે મારી સંભાળ લેશે!’ સવારમાં વહેલું દળવું પડે તે કઠણ તો પડે, પણ મહારાજને સંભારી આંખો મીંચીને દળી કાઢે, તોય સાસુ રોજ કહે કે, ‘લોટ પૂરો થાતો નથી, તે ઝાઝું દળણું લેતી હો તો?’ પછી એક દિવસ તો પોતાના હાથે એક માપ (અર્ધો મણ) બાજરો દળવા કાઢ્યો. ધનબા અકળાણાં તો ખરાં! પણ ધીરજ રાખી મહારાજને સંભારી દળવા મંડ્યાં. થોડી વાર થઈ ત્યાં તો મહારાજ પધાર્યા ને ઘંટીએ સામા બેસી દળવા લાગ્યા ને એકદમ ઉતાવળી ઘંટી ફેરવી, તે બધોય બાજરો થોડી વારમાં દળાવી નાખ્યો. ધનબા સામું જુએ, પણ ઓળખે નહિ. તેથી મહારાજે હસતાં હસતાં કહ્યું, ‘બાઈ, તું જરાય દિલગીર ન થાજે, અમે ભગવાન છીએ હો!’ પછી એંધાણ આપીને કહ્યું જે, ‘આજ સાંજે નવ ડોશિયું અહીં આવશે, તે તારું ઉપરાણું કરશે. તે ડોશિયુંમાં એક વીરબાઈ ડોશી સુતાર છે, તેના કપાળમાં અમે પગને અંગૂઠેથી ચાંદલો કર્યો છે, તે હજીએ એમ ને એમ દેખાય છે. જો એ ડોશી ભેળાં હોય તો આ વાત ખરી માનજે કે, સ્વામિનારાયણ ભગવાન મને દર્શન દેવા આવ્યા હતા.’ એમ કહી મહારાજ અદૃશ્ય થયા. પછી ધનબાએ આખો દિવસ હરખભર્યાં કામ કર્યું. સાંજ પડી ને બધા વાડીએથી ઘેર આવતા હતા, ત્યાં તો ભૂજથી સૂરજબા, લેરખીબા, વીરબા વગેરે નવ ડોશિયું આવ્યાં, ને રેંકડા કુંવરજી પટેલને બારણે ઊભા રાખ્યા. ત્યાં ધનબાને બોલાવી મળ્યા, માથે હાથ મૂક્યા ને હિંમત દીધી. તે વખતે વીરબાના કપાળમાં ચાંદલાનું ચિહ્ન જોઈને ધનબાને ખાતરી થઈ કે, ‘સવારે મહારાજ આવ્યા હતા, એ વાત તો નક્કી, અને હવે એમ લાગે છે કે સદાબાએ વચન આપ્યું હતું તે પ્રમાણે મહારાજ સહાય કરશે.’ એ વખતે કુંવરજી પટેલ ને તેના ઘરના, એ બેય, આવેલ બાઈઓને પ્રાર્થના કરવા લાગ્યાં કે, ‘રેંકડા છોડાવો ને તમે સૌ રાત રોકાઓ.’ ત્યારે સૂરજબા આદિ બાઈઓ કહે, ‘આ ધનબાઈને ભગવાન ભજવા છે ને વ્યવહારમાં રહેવું નથી. વળી તેને સાસરા તરફનું દુઃખ છે, તેનો તમે છૂટકો કરાવતાં નથી. માટે જ્યાં સુધી એનું દુઃખ નહિ મટાડો ને ચોખ નહિ કરાવો ત્યાં સુધી તમારા ગામનું અમે પાણી પીશું નહિ,’ એમ કહી તે બાઈઓ બધાં ચાલી નીકળ્યાં ને કેરે સદાબા પાસે ગયાં. પછી કુંવરજીભાઈ તો મહિમાવાળા હતા તેથી જાણ્યું જે. ‘આવાં મોટાં મુક્ત કચવાઈ જાય તો તેમાંથી બહુ દુઃખ થાય.’ પછી થોડા દિવસમાં તેમનાં સાસરિયાંને સમજાવી ચોખ કરાવી આપ્યું, તેથી ધનબા તથા સૂરજબા વગેરે બધાં બાઈઓ તેમના પર રાજી થયાં.
એક વખત ધનબાના નાની અવસ્થામાં ગઢડે દર્શન કરવા ગયેલાં. ત્યારે ચાર મહિના ત્યાં રહી મોટાં મોટાં બાઈઓના જોગ-સમાગમ કરી તેમને રાજી કર્યાં હતાં. પોતે નાનાં પણ મહિમાવાળાં બહું, એટલે સેવા ઘણી કરતાં, તેથી બાઈઓ રાજી થતાં. એ વખતે દાદા ખાચરની જમીનમાં શેરડી વાવેલ. ત્યાં ચિચોડો ફરતો હતો. એ ઠેકાણે કોઈ દિવસ મોટાં મોટાં બાઈઓને બોલાવતા, ત્યારે ધનબા પણ ભેળાં જતાં. એક વાર પોતે આઘાંપાછાં હશે ને બાઈઓ પરસ્પર મળ્યાં. તેની ધનબાને પાછળથી ખબર પડી જે, ‘હું રહી ગઈ,’ તેથી રોવા લાગ્યાં; એ જોઈ મોટાં ડોશી હતાં તે કહે, ‘ધનબાઈ! કેમ રુવે છે?’ ત્યારે કહે, ‘બા! હું મળ્યા વિના રહી ગઈ.’ પછી તેમણે કહ્યું જે, ‘બાઈઓ, આવો! આ ધનબાઈને માટે આપણે ફરીથી મળીએ,’ એમ કહી સૌ મળ્યાં. તે વખતે બાઈઓમાં ધારણા-પારણા તથા કોળિયાવ્રત વગેરે તપ કરવાના નિયમ ચાલતા હોવાથી બાઈઓનાં શરીર સાવ કોમળ થઈ ગયાં હતાં ને આ ધનબાઈ તો સૌને હેતથી મળે તે શરીર વધુ દબાય. તેથી બીજાં બાઈઓ કહે, ‘આને તો મળતાંય નથી આવડતું!’ ત્યારે મોટાં ડોશી રાજબા નામે હતાં તે કહે, ‘કોઈ બોલશો નહિ, એને પ્રેમ બહુ છે, તેથી ભગવાન રાજી થાય છે.’ એમ મોટાં બાઈઓને નાનપણમાં રાજી કરેલાં તેમના આશીર્વાદનું આ ફળ છે.
એક વખત ધનબા કુટુંબમાં ચાર ભાઈઓના ઘરના માણસો આંબાનો રસ કાઢી રસરોટલી જમ્યા ને ધનબાને કોઈએ કહ્યું નહિ. તેથી પોતાને જરા રીસ ચડી, એટલે ઠાકોરજીને થાળ ધરી પોતે જમ્યા વિના સૂઈ રહ્યાં ત્યાં તો શ્રીજીમહારાજ મોટી થાળીમાં ચાર આંબા લઈને આવ્યા ને કહ્યું, ‘ધનબાઈ! શું રિસાઈને સૂતાં છો? લ્યો, આ આંબા જમો.’ એ વખતે મહારાજે હીરકોરી ધોતી ને શ્વેત અંગરખું પહેરેલ હતું, મસ્તક પર શ્વેત પાઘ બાંધી હતી, ખભા પર ખેસ ધારણ કર્યો હતો અને બેય ચરણમાં મોજડિયું શોભી રહી હતી. ધનબા તો મહારાજની મનોહર મૂર્તિ જોઈને રાજી રાજી થઈ ગયાં ને બોલ્યાં જે, ‘મહારાજ! આ આંબા મૃત્યુલોકના તો નહિ! આવાં ફળ ક્યાંથી લાવ્યા?’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘જ્યાંથી લાવ્યા ત્યાંથી, ઊઠો, જમી લ્યો. આમ રીસ ન કરવી.’ એમ કહેતાં જ અદૃશ્ય થઈ ગયા. આ રીતે તેમના પર શ્રીજીમહારાજ ઘણા રાજી હતા.
દહીંસરાના મુક્તરાજ કેસરાભાઈ તથા જાદવજીભાઈ પોતપોતામાં સગાં થતાં. એ બેય ભૂજમાં સૂરજબાનાં દર્શને વખતોવખત જતા, તેથી તેમના પર સૂરજબાનો ઘણો રાજીપો હતો. એક વખત સૂરજબા કહે, ‘તમે બેય કામકાજ મૂકીને અહીં આવો છો તે તમને ઘરમાં બધાય વઢતા હશે; માટે તમારે હવે આટલે બધે છેટે ન આવવું. રામપુરમાં પૂનમે પૂનમે ધનબાનાં દર્શન કરી આવવાં.’ આવી આજ્ઞાથી જ્યારે પૂનમ આવે ત્યારે એ બેય રાત્રે વાડીએ બળદને ચરો નાખીને રામપુર જાય ને ધનબાનાં દર્શન કરી વહેલા પરોઢમાં આવતા રહે. ઘણો વખત એવો નિયમ રાખેલ હોવાથી જ્યારે એ દર્શને જાય ત્યારે ધનબા તેને ‘પૂનમિયા’ ભક્ત આવ્યા એમ કહેતા. એમ તે બેય પર સૂરજબા રાજી હતાં. આમ ધનબા પ્રથમથી જ મોટાં હતાં ને વળી સૂરજબા, સદાબા જેવાને સેવાએ રાજી કર્યાં, પછી શું બાકી રહે?
એક વખત મુક્તરાજ સૂરજબાએ હસતાં હસતાં ધનબાને એમ કહ્યું કે, ‘તું કણબીની નાતને મારી વતી જમાડજે.’ ત્યારે ધનબા કહે, ‘બા! મારી પાસે કાંઈ છે નહિ ને હું કેવી રીતે જમાડું?’ સૂરજબા કહે, ‘તને જો મહારાજ આપે તો જમાડજે. જ્યારે તું જમાડવાનો આદર કરીશ ત્યારે હું ને મહારાજ છ મહિમા આગળથી આવીને તારી પાસે બેસશું,’ એમ કહ્યું, તેથી ધનબા ઘણાં રાજી થયાં.