૩૩૬ - પ્રસાદી-મહિમા તથા પીરસનારાઓને ભલામણ
આગલે દિવસ હરિભક્તોએ સુખડીઓના ઓરડા ભરી રાખેલા, તેમ શીરાના મોટા હોજ ભરેલા, ત્યાં બાપાશ્રી સંત-હરિભક્તોએ સહિત પધાર્યા. પ્રથમ શીરાના હોજ પર મહારાજની મૂર્તિ પધરાવી પાસે ઘીના દીવા કર્યા. પછી સહુ થાળ બોલ્યા, તે ટાણે પોતે ઘણીવાર ધ્યાનસ્થ ઊભા રહ્યા ને મહારાજને જમાડી આગેવાન હરિભક્તોને કહ્યુ જે, ‘હવે સૌને ભેઠ બાંધીને ખૂબ પીરસજો.’ એવી જ રીતે સુખડીના ઓરડે મહારાજને સુખડીના ઢગલા પર બેસારીને થાળ જમાડ્યો. ત્યાં પણ હરિભક્તોને કહ્યું જે, ‘સહુને સારી પેઠે જમાડજો ને શ્રીજીમહારાજ સુખડી પર બેઠા છે એમ જાણજો.’ થોડી વારે વાડીમાં મોટી મોટી પંક્તિઓ થઈ ને સારથિયા હરિભક્તો શીરો, શાક, સુખડી વગેરે પીરસવા લાગ્યા જ્યારે બધી પંક્તિઓમાં પીરસાઈ રહ્યું, ત્યારે જમવાની છૂટી માટે બંદૂકના ભડાકા થયા, એટલે સહુ શ્રી ઘનશ્યામ મહારાજની ‘જય’ બોલતાં મૂર્તિમાં વૃત્તિ રાખી જમવા લાગ્યા. એ ટાણે બાપાશ્રી ઘણી વાર પંક્તિમાં ફરી સહુને દર્શનદાને સુખિયા કરતા ને સારથીયાઓને સારી રીતે પીરસવાનું કહેતા. આંબાના વૃક્ષની ઘાટી છાયા નીચે જઈને હરિભક્તોએ સહિત બેઠા. જ્યારે હરિભક્તો બધા જમી રહ્યા, ત્યારે આગેવાન હરિભક્તોને પોતાને હાથે પાઘડીઓ બંધાવી રાજી કર્યા, એ વખતે પણ બાપાશ્રીની ચંદન-પુષ્પથી પૂજા તો ચાલતી જ હતી. આ રીતે જમી પરવાર્યા પછી કીર્તન બોલતા બોલતા સહુ મંદિરમાં આવ્યા.
આસપાસનાં ગામોમાંથી આવેલા કચ્છી હરિભક્તોને તો બપોર પછી પોતપોતાને ગામ જવાનું હતું, એટલે એ તો બાપાશ્રીને તથા સંતોને દંડવત્ કરી મળતા ને આશીર્વાદ લેતા સુખડીની પ્રસાદી લઈ ગામડે જવા લાગ્યા, એ વિધિ સાંજ સુધી ચાલ્યો. બીજે દિવસ વળી બહારગામથી આવેલા સંત-હરિભક્તો સહુ બાપાશ્રીની ચંદન-પુષ્પથી પૂજા કરી હાર પહેરાવતા ને ભેટ મૂકી રાજી કરતા જવા લાગ્યા. મોટા મોટા સંતો આવીને ચંદનકુંકુમથી પૂજા કરી હાર પહેરાવે, મળે, એ સૌને વિદાય કરતા પોતે વળાવવા જાય ને ઘણું હેત જણાવી આશીર્વાદ આપે, સુખડીનાં ભાતાં બંધાવે, આમ તે યજ્ઞમાં પોતે ઘણી પ્રસન્નતા જણાવી હતી; યજ્ઞની પૂર્ણાહુતિ પછી સુખડી તથા સીધું-સામાન ઘણો વધી પડેલો જોઈ સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો તથા ગામના હરિભક્તો સર્વેને ઘણું આશ્ચર્ય થયું.