૭૧૨ - છેલ્લો મંદવાડ અને ઉદાસીપણું
આ પૃથ્વી પર બાપાશ્રીએ દૃષ્ટિગોચર થઈ, અનંતકોટિ મુક્તના સ્વામી અને સદા સાકાર દિવ્યમૂર્તિ જે શ્રીજીમહારાજ તેમનું સર્વોપરીપણું પ્રવર્તાવવા ઉપરાંત એ મૂર્તિમાં અનંત અનાદિ મુક્ત દિવ્ય સાકારપણે રસબસ રહ્યા થકા અનંતકલ્પ થયાં દિવ્ય અખંડ સુખ ભોગવી રહ્યા છે, એવા ગૂઢ રહસ્યજ્ઞાનને સમજાવ્યું તેમ જ અનાદિ મુક્તની સ્થિતિ કરાવવા માટે પોતાનો આગ્રહ દરેક પ્રસંગે જણાવતા, તે કાર્ય હવે પૂર્ણ થયું માની શ્રીજીમહારાજની ઇચ્છાનુસાર પોતે આ લોકમાંથી અદૃશ્ય થવાનો દૃઢ વિચાર કરી લીધો હોય તે રીત જણાવવા માંડી.
સવંત ૧૯૮૪ ના અષાઢ સુદિ ત્રીજને દિવસ સવારમાં સહજ મંદવાડ જણાવતા બાપાશ્રી નાહી, પૂજા કરી મંદિરની ઓશરીમાં જ્યાં રોજ સભા થતી ત્યાં પોતાને આસને સૂઈ રહ્યા. સમય થયો ત્યારે હરિભક્તોએ વચનામૃતની કથા કરી પણ પોતે તો કાંઈ બોલ્યા જ નહિ, ત્યારે સહુને એમ થયું જે, 'બાપાશ્રીને શરીરે આજ કાંઈ ઠીક જણાતું નથી.' પછી સમય થયો એટલે કથાની સમાપ્તિ કરી સહુ ઘેર ગયા, ત્યારે સેવક પ્રેમજી તથા પૌત્ર જાદવજી પાસે હતા તેમને જગાડ્યા ને ઠાકોરજીને જમાડવા ઘેર આવવા કહ્યું, ત્યારે પોતે એમ બોલ્યા જે, 'મને આજે રુચિ નથી,' પણ તેમના બહુ આગ્રહથી ઘેર જઈ જરા ખીચડી ને છાશ જમ્યા, પછી તુરત મંદિરમાં આવી ઓરડામાં આસને સૂતા, તે એમ ને એમ બપોરે ઠાકોરજી જાગ્યા ત્યાં સુધી સૂઈ રહ્યા. પછી જાગીને હળવા હળવા મંદિરમાં આવી દર્શન કરવા લાગ્યા, પણ જાણે ઘણા દિવસનો મંદવાડ હોય તેમ શરીરમાં અશક્તિ જણાવતા પાછા ઓશરીમાં આસને આવી માથે ઓઢીને સૂતા. પછી સંધ્યાઆરતી થઈ રહી ત્યારે પોતે ઘેર જઈ જમવાની ના પાડી, ત્યારે દીકરી વાલબાઈએ કહ્યું જે, 'બાપા! જરા આ ઊનું ઊનું દૂધ પીઓ તો તમને શરદી જેવું છે તે ઠીક થઈ જાય.' તે વખતે પોતે એમ બોલ્યા જે, 'બાઈ! આ શરદી ઊના દૂધથી મટે એવી નથી,' -એમ કહી થોડું દૂધ પીધું. પછી હળવા હળવા મંદિરમાં આવ્યા, પણ સભામાં દર્શન કરતાં સહુને એમ જણાઈ ગયું જે, 'બાપાશ્રીને શરીરે આજે કાંઈ કસર વધુ છે.' પછી કથાવાર્તા થઈ રહી ત્યાં સુધી પોતે આસને બેઠા; જ્યારે ઊઠયા ત્યારે સૌને હાથ જોડી 'જય સ્વામિનારાયણ' કરતાં પોતાને લડથડિયું આવી ગયું, ત્યારે સેવક પ્રેમજી તથા પૌત્ર જાદવજી પાસે હતા તેમણે ઝાલી રાખ્યા. પછી બેય કોરે હાથ ઝાલી ઓરડામાં આસન પર લાવી સુવાર્યા. ત્યાં પૌત્ર જાદવજીભાઈએ પૂછ્યું જે, 'બાપા! આજ આપને ઠીક જણાતું નથી.' ત્યારે પોતે કહ્યું જે, 'જાદવા! મને બીજું કાંઈ નથી, પણ જરા ટાઢ વાય છે.' પછી ચોફાળ તથા ગોદડું ઓઢાડવાનું કહ્યું, એટલે તેમણે ચોફાળ તથા ગોદડું ઓઢાડ્યું. ખબર પડતાં હરિભક્તો આવી આવીને પૂછે તે સહુને પોતે એમ કહે જે, 'મને જરા આજ શરદી જેવું છે, હું પછાડનો નાહ્યો ત્યારથી ટાઢ ચડી છે, વળી સવારે ખીચડીમાં છાશ લીધી, તેથી શરદી થઈ જણાય છે, હવે ગોદડું ઓઢીને સૂતા સૂતા મહારાજને સંભારશું એટલે વાંધો નહિ આવે,' -એમ હરિભક્તો સાથે વાત કરતા પોઢી ગયા. પછી બાપાશ્રીના બન્ને પુત્રોએ આવી ઘણી વાર સેવા કરી. પછી રાત્રિના બાર વાગ્યા એટલે એ પણ સૂઈ ગયા.