૩૪૮ - કલ્યાણસિંહજી પર અત્યંત કૃપા

0:000:00

આ રીતે પારાયણની સમાપ્તિ થયા પછી બાપાશ્રી તથા સંતોને મિસ્ત્રીઓના અતિ આગ્રહને લઈને કુંભારીએ જવાનું હતું, તેથી એ સર્વે ગાડાં તથા સિગરામ આવેલાં તેમાં બેસી કુંભારીએ ગયા. સંતો સાથે માથકવાળા કલ્યાણસિંહજી તથા જામનગરવાળા રતિલાલભાઈ આદિ હરિભક્તો હતા. કુંભારિઆના મિસ્ત્રીઓએ બાપાશ્રી તથા સંતોનાં પોતાના ઘરમાં પગલાં કરાવી આશીર્વાદ લીધા ને રસોઈ કરાવી ઠાકોરજી તથા સંતોને જમાડ્યા. બાપાશ્રી માટે બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ થાળ કરેલ હોવાથી મિસ્ત્રીઓએ બાપાશ્રીને જમાડતાં ઘણો આગ્રહ કર્યો. પછી કલ્યાણસિંહજી જમતા હતા, તેને બે વાર બબ્બે લાડુ તાણ કરી પીરસાવતા બાપાશ્રી કહે, ‘તમે જગમાલભાઈને રાજી કરવા મહારાજને ખૂબ જમાડજો.’ કલ્યાણસિંહજીને મહિમા બહુ, તેથી તેમને એમ થાય જે, ‘બાપાશ્રી પીરસાવે ને ના કેમ પડાય? પણ બાપાશ્રીએ તો તેમનો છેડો લીધો, તેથી હાથ જોડી ના પાડતાં કહે, ‘બાપા! દયા કરો, હવે નહિ ખૂટે;’ –એમ તેમને જમાડી રાજી કર્યા. પછી ગામના હરિભક્તોને રાજી કરી પોતે ખીમજીભાઈ ઘોડી લાવેલા તે પર બેસી તેમની સાથે વૃષપુર ગયા ને રતિલાલભાઈ સાથે હતા તેમને જામનગર જવાની રજા આપી ને કહ્યું જે, હવે ત્યાં રહેજો.