૬૩૧ - નિત્ય પ્રત્યે નવા નવા લહાવ

0:000:00

આ વખતે બાપાશ્રી કરાંચીમાં પંદર દિવસ રહ્યા ત્યાં સુધી સંત-હરિભક્તો પર અત્યંત પ્રસન્નતા જણાવતા સવારે, બપોરે, સાંજે ને રાત્રે મહારાજ તથા મોટા મુક્તના મહિમાની બહુ ચમત્કારી વાતો કરતા તેમ જ હરિભક્તો પર રાજી થઈ વારે વારે માથે હાથ મૂકે, કોઈને હાર પહેરાવી આશીર્વાદ આપે, કોઈને બોલાવે, મળે, આથી નાનામોટા સહુ રાજી થતા. પોતાની પાસે તો સવારથી રાત સુધી હરિભક્તો આવ્યા જ કરે. રોજ સવારે મંગળાઆરતી પહેલાં બાપાશ્રી નિત્યવિધિ કરી પરવારે. એ ટાણે હરિભક્તો ભેળા મળી પ્રભાતિયાં બોલે, ફૂલના હાર તથા કપૂરના હારથી પૂજા કરે, દંડવત્ કરી મળે, ચંદન-પુષ્પથી પૂજાઓ થાય, તે વખતે કાંઈક પ્રસંગ નીકળે તો પોતે કૃપા કરીને વાતો કરવા માંડે તે કલાક બબ્બે કલાક થઈ જાય. વાતોમાં મહારાજની મૂર્તિનું જ વર્ણન આવે, દિવ્ય મૂર્તિ, દિવ્ય સભા, દિવ્ય મુક્ત, દિવ્ય ધામ, દિવ્ય પુષ્પ, દિવ્ય પૂજા, દિવ્ય ક્રિયા, એમ સર્વત્ર દિવ્ય ભાવ રાખવાની અલૌકિક વાતોથી સંત-હરિભક્તોને ઊઠવાનું મન જ થાય નહિ. ઠાકોરજીની શણગારઆરતી થયા પછી રાજભોગઆરતી સુધી સભામાં કથાવાર્તા થાય, ત્યારે પણ પ્રસંગે પ્રસંગે પોતે વાતો કરે; પછી બપોરે મેડા ઉપર અને સાંજે સંધ્યાઆરતી પછીથી સભામાં અને રાત્રે બાર વાગ્યા સુધી પોતાની પાસે હરિભક્તો બેઠા જ હોય. જ્યારે બાપાશ્રી વાતો કરતા હોય ત્યારે તેમાં ચમત્કારી વચનો આવ્યા કરે. અનાદિ મહામુક્તને શ્રીજીમહારાજ મૂર્તિમાં રસબસ કેવી રીતે રાખે છે, એ મુક્ત મહારસનું પાન કેમ કરે છે, આ સમયે મહારાજ કેવી રીતે અઢળક ઢળ્યા છે, શ્રીજીમહારાજ તથા તેમના મહામુક્તનો દિવ્યભાવ તથા મહિમા કેમ જાણવો? –એવી અલૌકિક વાતો થતાં એ વખતે સહુને એમ થાય જે, ‘આપણે તો મહારાજના સુખમાં જ બેઠા છીએ.’ ઉપરાંત કેટલાક દર્દે અને દુઃખે પીડાતા મુમુક્ષુઓ દર્શને આવે ને પ્રાર્થનાઓ કરે તો તેમને પણ પોતે આશીર્વાદ આપી સુખિયા કરતા અને કેટલાક તો ભૂતપ્રેતના વળગાડવાળા હોય તેમને એવા દુઃખથી રહિત કરતા, બાપાશ્રીએ અનેકને સુખિયા કરી મૂક્યા. ઘણાંક નાનાં બાળકોને તેમનાં સગાંવહાલાંઓ શરણે લાવી અનેક જન્મનાં કર્મથી રહિત કરી, શ્રીજીમહારાજના કૃપાપાત્ર અને મોક્ષના અધિકારી કરી ગયા. કેટલાય પોતાની ભૂલથી થયેલ દોષોને માટે માફી માગી શુદ્ધ થયા. એમ અનેક જીવોના આત્યંતિક મોક્ષનું દ્વાર ઉઘાડતા બાપાશ્રીએ કરાંચીમાં બહુ જ પ્રતાપ જણાવ્યો. સભામાં મહારાજના અલૌકિક પ્રતાપની એવી તો ચમત્કારી વાતો થતી કે જે કોઈ હરિભક્તો અથવા મુમુક્ષુઓ દર્શને આવે તે ત્યાંથી જઈ શકે જ નહિ. (આ વખતે પંદર દિવસમાં જે જે વાતો થયેલ તે સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ સંગ્રહ કરી બાપાશ્રીની વાતોના બીજા ભાગમાં પૃષ્ઠ ૮૦ થી ૩૫૩ સુધીમાં પ્રસિદ્ધ કરેલ છે, તે જોવાથી સમજાશે કે, બાપાશ્રીએ કરાંચીમાં કેવી કેવી ચમત્કારી વાતો કરી છે, તેમ જ હરિભક્તોએ પણ અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સંતોને રાજી કરવા શું શું કર્યું છે.