૪૪૫ - ધર્માદો આપવામાં સંશય ન કરવો

0:000:00

થોડી વાર પછી સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી સાથે મહારાજના સર્વોપરી નિશ્ચયની તથા પંચવર્તમાને યુક્ત સંત-હરિભક્તોના મહિમાની વાત કરતા બાપાશ્રી એમ બોલ્યા જે, ‘આ સત્સંગનો વ્યવહાર બહુ મોટો છે, તેમાં ક્યારેક આવી રીતે વિક્ષેપ થઈ જાય તો એકબીજાએ સમજીને ઘરમેળે સમાધાન કરી નાખવું, કેમ કે સત્સંગ બધોય આપણું ગોત્ર કહેવાય. આ સત્સંગમાં શ્રીજીમહારાજને રાજી કરવા સહુ આવ્યા છે, પણ અહંમમત્વે કરીને પરસ્પર વિક્ષેપ વધારી મૂકે, તેમાં એકબીજાના અપરાધ થતાં જીવનું બહુ બગડે; માટે બને ત્યાં સુધી તો સમાધાન થાય તેમ કરવું, પણ કોઈ ઉપાયે એમ ન બન્યું ને કોર્ટ-દરબારે ખર્ચ કરવું પડે તો તેમાં મહારાજ કુરાજી ન થાય અને મંદિરમાં હરિભક્તો ધર્માદો આપે છે, તેમણે પણ એવો સંશય ન કરવો જે, આપણે ધર્માદો આપીએ છીએ તે પૈસા આવા ઠેકાણે ખર્ચાય છે. જો એવો સંશય કરીને તે ધર્માદા ન આપે તો તેને પણ મોટી ખોટ આવે.

એક દિવસ બપોરના સંતો વાડીએ નાહવા ગયા હતા, ત્યાં સહુએ બાપાશ્રીની ચંદન-પુષ્પથી પૂજા કરી, તે વખતે પોતે પોપૈયાં તૈયાર રાખેલ તે સુધારી સંતોને જમાડ્યા; પછી વાત કરી જે, ‘આવી દિવ્ય સભાનાં દર્શન, પ્રસાદી ને જોગ-સમાગમ બહુ દુર્લભ છે. કેમ કે શ્રીજીમહારાજ ને તેમના મુક્ત જેવા અક્ષરધામમાં બિરાજે છે તેવા ને તેવા જ દિવ્ય છે અને મનુષ્યભાવ તો પોતાના સંકલ્પે કરીને દેખાડે છે, માટે આ પ્રાપ્તિ મોટી છે –અતિશય મોટી છે. કયા સ્થાનમાં બેઠા છીએ ને કોનો જોગ થયો છે એ બધું વિચારવું.’