૨૯૦ - મોતીભાઈને મહારાજનાં દર્શન

0:000:00

સ્વામીશ્રી તો સંતો સાથે ગામોગામ ફરતા માલણીઆદ ગયા, ત્યારે ત્યાંના હરિભક્તો ગાંધી મોતીભાઈ, અમીચંદભાઈ, છગનભાઈ, ચતુરભાઈ આદિ નાનામોટા સહુ સ્વામીશ્રીનાં દર્શને રાજી રાજી થઈ ગયા, અને રસોઈ કરાવી જમાડ્યા. ત્યાં પુરાણી ધર્મકિશોરદાસજીએ મોતીભાઈ સાથે મહિમાની વાતો કરતાં કરતાં કચ્છમાંથી પોતે લાવેલ પ્રસાદી આપી તથા બાપાશ્રીએ પ્રસાદી વહેંચતાં કહ્યું હતું તે વચનો કહ્યાં. આથી તેમને બહુ આનંદ થયો પણ મનમાં એવો સંકલ્પ થઈ ગયો જે, ‘બાપાશ્રી એમ બોલ્યા હશે?’ આવો તેમનો સંશય નિવૃત્ત કરવા તે જ રાત્રે તેમને શ્રીજીમહારાજે એવાં દર્શન આપ્યાં કે જાણે પોતે ખુરસી પર બેઠાં છે ને બાપાશ્રી પડખે ઊભા છે, અને વૃષપુરમાં જે રીતે બાપાશ્રીએ સંતોને મેવાની પ્રસાદી આપી હતી, તેવી જ રીતે મહારાજે મોતીભાઈને પોતાની પાસે બોલાવી મેવાની પ્રસાદી આપી રાજીપો જણાવ્યો, અને એમ બોલ્યા જે, ‘તમને સંશય થયો, પણ એ મુક્તદ્વારે પ્રસાદી અમે જ આપી હતી.’ આ રીતે મહારાજે તેમનો સંશય મટાડ્યો. એ વાત તેમણે સવારમાં આવી સ્વામીશ્રી આદિ સંતોને કહી, તેથી સૌ રાજી થયા.