૪૩૨ - સંતોની સેવા તથા દેશમાં જવાની રજા

0:000:00

પછી વળી સંતોમાં બધાયને તાવ આવવા લાગ્યો, તે કોઈ કોઈની સેવા પણ ન કરી શકે એવું થઈ ગયું, તેથી ગામના હરિભક્તો સેવા કરવા લાગ્યા. બાપાશ્રીને પણ વૃષપુરમાં થોડો થોડો તાવ જણાતાં તેમનાથી નારાયણપુર આવી શકાય તેવું ન રહ્યું, એટલે રોજ પોતે સંતોના સમાચાર પૂછાવે. સંતો, બાપાશ્રીને કેમ રહે છે તેવા ખબર કઢાવે, ત્યારે એવા સમાચાર આવે કે, આજ તો આખો દિવસ મંદિરમાં જ નહોતા આવી શક્યા! ક્યારેક મંદિરે હોય તો ઘેર ન જાય. કોઈ વાર ‘આજ જરા ઠીક છે.’ એવા ખબર આવે. થોડા દિવસ પછી પોતે વાડીએ જઈને વડ નીચે સૂતા. એ રીતે પંદર દિવસ સુધી બાપાશ્રીને પણ ઠીક રહ્યું નહિ. પછી એક દિવસ તાવ ન આવ્યો, એટલે તુરત પોતે નારાયણપુર આવી સંતોને મળ્યા; ત્યાં તો સંતોને પણ ઠીક થઈ ગયું હતું, તેથી એક રાત રોકાણા ને સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી પર બહુ હેત જણાવી કહ્યું જે, ‘સ્વામી! આ ફેરે તમે ધનજીભાઈને ખૂબ રાજી કર્યા. આ ગામને તમારી તાણ ક્યારેય મટતી નહિ.’ એમ કહી હરિભક્તો પાસે સંતોની ચંદન-પુષ્પથી પૂજાઓ કરાવી, પોતે પણ સૌને ચંદન ચર્ચી હાર પહેરાવી મળ્યા ને દેશમાં જવાની રજા આપી; પછી સંતો ભૂજ થઈ ગુજરાતમાં ગયા ને પોતે વૃષપુર પધાર્યા.

બાપાશ્રીને હજી શરીરમાં ઠીક જણાતું નહોતું. પણ સદ્‍ગુરુઓ આ વખતે વૃષપુરમાં ઘણું રહ્યા હોવાથી વધુ રોકતાં તેમને દેવદિવાળીના સમૈયામાં ગુજરાત, ઝાલાવાડ આદિ દેશના હરિભક્તો ન જુએ તો એવું અનુમાન કરે કે ‘હજુ બાપાશ્રીને શરીરે ઠીક નહિ હોય.’, તેથી બહારગામથી ઘણા હરિભક્તો પાછા વૃષપુર આવવા માંડે, એમ જાણી રજા આપી હતી.