૩૨૦ - રામજીભાઈને દર્શન આપીને સાજા કર્યા
આ સંતો દેશમાં ગયા ને થોડા દિવસ થયા ત્યાં વળી નારાયણપુરમાં ધનજીભાઈના મોટા દીકરા રામજીભાઈને મંદવાડ બહુ થઈ ગયો, તેથી તેમના ઘરમાં સહુ ઉદાસ થઈ ગયા. ધનજીભાઈ રોજ તેની પાસે બેસી મહારાજ તથા બાપાશ્રીના મહિમાની વાતો કરે ને ધીરજ આપે, બનતા ઓસડ કરે. એમ કરતાં પંદર દિવસ થયા, પણ કોઈ રીતે મંદવાડ હઠે નહિ. પછી તો મૂંઝારો થઈ જતાં દેહ રહે તેવું ન રહ્યું, તેથી ધનજીભાઈએ બાપાશ્રીને ખબર મોકલાવ્યા; એટલે ચારપાંચ વખત પોતે નારાયણપુર આવી ગયા. જ્યારે આવે ત્યારે એવી ભલામણ કરે જે, ‘રામજી! બચ્ચા! મહારાજને સંભાર્યા કરજે, મૂર્તિ વિના બીજો કોઈ આળપંપાળ ન કરવો, શરીર છે તે પાંચ દિવસ ઠીક હોય ને પાંચ દિવસ બગડે, તેમાં હિંમત ન હારવી,’ એમ કહે, પણ મંદવાડ તો જરાય હઠે નહિ.
એક દિવસ વધુ કસર જણાતાં ધનજીભાઈ ઘરમાં બેઠા બેઠા ઉદાસ થઈ ગયા, ત્યાં તો તેમને શ્રીજીમહારાજની સાથે બાપાશ્રીનાં દર્શન થયા; તેથી પોતે એમ જાણ્યું જે, ‘મહારાજ રામજીને તેડવા આવ્યા હોય એમ લાગે છે.’ પછી એ ઉતાવળા તેમના ખાટલા પાસે આવ્યા, ત્યાં તો રામજીભાઈ પણ બેઠા થઈ હાથ જોડવા મંડ્યા. ઘણી વાર પગે લાગતા જોઈ ધનજીભાઈ તેને પૂછવા લાગ્યા જે, ‘રામજી! શું છે?’ ત્યારે તે કહે, ‘બાપા! તમે પડખે ઊભા હતા ને કેમ પૂછો છો? તમને ખબર ન પડી? અબજીબાપાએ મહારાજને પ્રાર્થના કરી જે, ‘ધનજી ઉદાસ થઈ ગયેલ છે, તે હમણાં રામજી ભલે રહ્યો’ ત્યારે મહારાજ કહે, ‘ભલે!' એમ કહી જતા રહ્યા.’ આ વાતથી ઘરમાં સહુ આશ્ચર્ય પામ્યા, પછી દિવસે દિવસે ઠીક થવા માંડ્યું તે આઠ દિવસે તો જાણે મંદવાડ જ નહોતો એવું થઈ ગયું.