૧૮૭ - સ્વામી બળદેવચરણદાસજીને દિવ્યભાવ
ત્યાર પછી સંતો દર્શન-સેવાનું ને કથાવાર્તાનું સુખ લેતાં ઘણા દિવસ વૃષપુરમાં રહ્યા હતા. તેમાં એક વાર ધોળકાના મહંત સાધુ બળદેવચરણદાસજીને બાપાશ્રીએ કહ્યું કે, ‘સ્વામી! તમે કોઈ વાર સભામાં વાતો કરતા નથી, તે આજ કરો! આજ હરિભક્તોને તમારી વાતો સાંભળવી છે.’ ત્યારે તે કહે, ‘ભાઈ! મને વાતો કરવાનું બહુ ફાવતું નથી, તેમ વાતો આવડતીએ નથી, જો આવડતી હોય તો આજ સુધીમાં કાંઈ બોલ્યા વિના રહું?’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! મહારાજ અને મોટાને સંભારીને વાતો કરીએ તો એની મેળાએ આવડી જાય.’ એ વચનથી તેમણે તે જ દિવસે રાત્રે સભામાં વાતો કરવા માંડી, તે એક પછી એક વાતો થતી આવે. આવું જોઈ સભામાં કેટલાક હરિભક્તો પરસ્પર કહેવા મંડ્યા જે, ’આ સાધુ આવી વાતો કરનારા છે, એવી તો આપણને ખબર જ નહોતી, પણ બીજાને આ વાતની ખબર ક્યાંથી પડે જે, બાપાશ્રીએ વચન આપ્યા પછીજ એમનું પ્રકરણ ફર્યું છે!’ પછી તો રોજ રાત્રે સભામાં એ જ વાતો કરે, એમ અઢાર દિવસ સુધી વાતો કરી, તેથી બાપાશ્રી તથા સંત-હરિભક્તો ઘણા રાજી થયા, ને તેમણે પણ બહુ આશ્ચર્ય થયું ને કહેવા લાગ્યા જે, ‘મને વાત કરવાનું ફાવતું જ નહિ ને આમ સળંગ અઢાર દિવસ સુધી વાતો થઈ. તે બધો આ અનાદિ મુક્તરાજ ભાઈશ્રીનો પ્રતાપ છે. ‘એમ તેમને ઘણો મહિમા જણાયો. વળી બાપાશ્રીને સદ્ગુરુઓ ઉપર હેત બહુ ને સદ્ગુરુઓને બાપાશ્રીને વિષે અત્યંત હેત, તેથી તેમની સાથે પરસ્પર મહારાજના રહસ્ય અભિપ્રાયની ને પરભાવ તથા દિવ્યભાવની સવાર-સાંજ નવીન નવીન વાતો થતાં એ સાધુ તો ‘અહો! અહો! જ કર્યા કરતા. સંતો કોઈ વાર વાડીએ જાય કે મંદિર આવે. ક્યારેક કાળીતલાવડીએ જાય કે હરિભક્તો ઘેર તેડાવે, પણ સંતો ભેળા બાપાશ્રી તો હોય જ. વચમાં થોડા દિવસ સંતોને આજ્ઞા કરી નારાયણપુર, દહીંસરા, રામપુર, ભારાસર વગેરે ગામો માં મોકલેલા, તેથી તે તે ગામના નાનામોટા હરિભક્તો પણ ઘણા રાજી થયા હતા. આ રીતે બાપાશ્રીએ સંતોને ઘણા દિવસ સુધી રાખી દેશમાં જવાની રજા આપી ચંદન-પુષ્પથી પૂજા કરી હેતે સહિત મળ્યા ને આશીર્વાદ આપ્યા; તે વખતે આ સાધુ બળદેવચરણદાસજી ઉપર હાથ મૂકીને કહ્યું જે, ‘સ્વામી! તમે જેમ વાતો કરવા માંડી ને આવડી તેમ જો મહારાજનું ધ્યાન કરવા માંડો તો મૂર્તિ ઝળઝળાટ તેજમાં દેખાય ને સુખિયા થઈ જવાય. ‘આમ તેમના પર પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા અને કાણોતરના બાપુભાઈને થોડા દિવસ વધારે રહેવાની તાણ હતી, તેથી સંતો પાસે રજા લઈ તે ત્યાં જ રહ્યા.
સંતો દેશમાં ગયા પછી સાધુ બળદેવચરણદાસજીને તો બાપાશ્રી નું વચન અંતરમાં ઊતરી ગયું હતું, તેથી તેણે તો ત્યાં જઈને પાધરું જ ધ્યાનમાં બેસવા માંડ્યું ને એવો અભ્યાસ કરી નાખ્યો જે, રાત્રિદિવસ પલાંઠી જ છોડે નહિ. વચમાં દેહ ની ક્રિયા –નાહવું, ધોવું વગેરે કરે. પણ વધુ તો ધ્યાનમાં જ બેસી રહે. એમ ધ્યાન કરતાં દસ મહિના થયા. એટલે હાલતાં, ચાલતાં ને ક્રિયા કરતા પણ મૂર્તિ ભુલાય નહિ, એવું થઈ ગયું. પછી તો એજ સ્થિતિમાં નળકંઠામાં ફરવા ગયા ને ગામોગામમાં દર્શન દેતાં છેલ્લી વારે કાણોતરમાં જઈને બાપુભાઈને દર્શન દીધાં, તેથી તે ઘણા રાજી થયા ને દૂધપાક, માલપૂવાની રસોઈ કરાવી પ્રાર્થના કરી જમાડવા આગ્રહ કર્યો, ત્યારે તેમના અતિ હેતને લઈને થોડુંક જમ્યા, પછી વાત કરી જે, ‘અનાદિમુક્તરાજ ભાઈશ્રીએ મારા પર ઘણી દયા કરી, તેથી હું તો ન્યાલ થઈ ગયો છું. મને એમની આવડી બધી ખબર નહોતી. ‘–એવાં મહિમાનાં ઘણાં વચનો કહીને બોલ્યા જે, ‘આ હું તમને છેલ્લી વારનું મળવા આવ્યો છું. હવે તો ભાઈશ્રીની કૃપાથી મહારાજ પાસે જતું રહેવું છે,’ એમ કહીને ગયા, પછી પોતાની પાસે સંત-હરિભક્ત જે આવે તેને મહારાજના પ્રતાપની વાતો કરતાં ને દરેક ક્રિયામાં મૂર્તિનું અનુસંધાન રાખતાં અલૌકિક ભાવ સિદ્ધ થઈ ગયો. પોતાને ધામમાં જવાનું જન્માષ્ટમી પછી સાત દિવસે જ હતું. પણ તેમને જન્મસમયે દર્શન કરતાં જાણે હું અક્ષરધામમાં મહારાજનાં દર્શન કરું છું, એવો ભાવ જણાયો. પછી તો આખી રાત મૂર્તિ સામું જોઈને બેસી જ રહ્યા, ત્યારથી ઊઠતાં, બેસતાં, સૂતાં, જાગતાં એકતાર મૂર્તિમાં વૃત્તિ રહેવા માંડી ને શ્રાવણ વદ અમાસને દિવસે દેહત્યાગ કરી મહારાજને સુખે સુખિયા થઈ ગયા. પછી નળકંઠાના ગામડાંમાંથી દર્શને આવતાં હરિભક્તો સંતોને કહેવા લાગ્યા જે, ‘આ ફેરે સ્વામીએ અમને આમ કહ્યું હતું;’ ત્યારે બીજા કહે, ‘અમને આમ કહ્યું હતું.’ પણ દરેક ગામમાં આ છેલ્લી વારે તમને મળવા આવ્યા છીએ એમ તો જણાવી દીધું હતું. આમ આ સંત ઉપર બાપાશ્રીની પૂર્ણ કૃપા થઈ, તેમ એમને પણ બાપાશ્રીનું અધર વચન ઝીલ્યું, તેથી થોડા વખતમાં જ શ્રીજીમહારાજની હજૂરમાં પહોંચી ગયા.