૧૩૫ - સ્વપ્નમાં દર્શન
સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ અંતર્ધાન થયા પહેલાં એક વખત ઉપરદળના રામજીભાઈને પોતાના મંદવાડમાં અનાદિ મુક્તરાજ ભાઈશ્રીનો જોગ-સમાગમ કરવાની ભલામણ કરી હતી. પણ તે તો એ આજ્ઞા પ્રમાણે એક વર્ષ થઈ ગયું, તોપણ કચ્છમાં ગયા નહોતા, તેથી સ્વામીશ્રીએ તેમને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું જે, ‘તમે ભાઈશ્રીનાં દર્શન કરવા વૃષપુર કેમ જતા નથી?’ આ રીતે સ્વામીશ્રીનાં દર્શનથી પોતાને આનંદ તો થયો, પણ આજ્ઞા પ્રમાણે કચ્છમાં જવાયું નહિ, તે મોટી ભૂલ થઈ, એમ પશ્ચાત્તાપ કરતાં ને મહારાજને સંભારતાં તુરત એ કચ્છમાં પહોંચ્યા; ત્યાં પ્રથમ ભૂજમાં શ્રીજીમહારાજ તથા સંતોનાં દર્શન કરી એક દિવસ રહી ઉતાવળા વૃષપુર મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કર્યા. એ વખતે આ મુક્તરાજ ઘેર હોવાથી પોતે પણ ત્યાં જઈ તેમને દંડવત્ કરવા લાગ્યા. ભાઈશ્રી તુરત જ દંડવત્ રખાવતાં ‘કેમ રામજીભાઈ! તમે સ્વામીશ્રીને ફેર દાખડો કરાવ્યોને!’ એમ કહીને મળ્યા. સ્વામીશ્રીએ મને દર્શન આપ્યાં તે વાત ભાઈશ્રી અંતર્યામીપણે જાણે છે, એમ જાણી રામજીભાઈની આંખોમાંથી હેતનાં આંસુ પડવા લાગ્યાં, તે કેમેય છાના રહે નહિ! ત્યારે ભાઈશ્રીએ પાસે બેસારી ધીરજ આપી ને કહ્યું કે, ‘મૂંઝાઓ મા, તમારા પર હું રાજી છું, તમે નવા નથી, તમે તો અમારા જૂના સેવક છો.’ એવાં વચનથી રામજીભાઈને અત્યંત દિવ્યભાવ આવ્યો ને ભેગા રહેવાના તથા સદાય દિવ્યભાવ ન ભુલાય તેવાં વરદાન માગ્યાં, તે સર્વે ભાઈશ્રીએ પ્રસન્ન થઈને આપ્યાં. પછી તો જેમ સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજીને વિષે તેમને દિવ્યભાવ તથા હેત હતું તેમ આ મુક્તરાજને વિષે પણ તેમને અત્યંત હેત થઈ ગયું, તેથી ત્યાં જ રહી નવા નવા હેતે ભાઈશ્રીને રાજી કરવા લાગ્યા.