૪૦૫ - રહેવાના વચનથી સૌ રાજી થયાં

0:000:00

આ રીતે સર્વત્ર ઉદાસી અને પ્રાર્થનાઓ થતાં પોતે સંકલ્પ ફેરવી નાખ્યો ને જાગ્રત થઈ સૌને ‘જય સ્વામિનારાયણ’ કરતાં બોલ્યા જે, ‘હેત જોઈ હરિજનનાં, વા’લો પોતે થયા પ્રસન્ન.’ શ્રીજીમહારાજે તમારી પ્રાર્થના સાંભળીને અમને રાખ્યા. હવે તમે રસોઈ કરીને ઠાકોરજીને જમાડો. એમ કહી હરિભક્તોને પણ સૌ સૌના કામે જવાનું કહી દીધું. બાઈઓમાં આ વાત પહોંચી જતાં તે પણ રાજી રાજી થઈ ગયાં. થોડી વાર પહેલાં જેમ સર્વત્ર ઉદાસી પ્રવર્તી રહી હતી, તેમ ‘હવે બાપાશ્રી રહેશે.’ એવા ખબરથી તુરત જ પાછી જ્યાં ને ત્યાં શાંતિ શાંતિ થઈ ગઈ ને સંત-હરિભક્તો ઘણા રાજી થયા. પછી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું. જે, ‘આપનો ખાટલો હવે મંદિરમાં લઈએ?’ ત્યારે બાપાશ્રી પ્રસન્નતા જણાવતા કહે, ‘ભલે! સુખેથી લ્યો!’ આથી હરિભક્તો ખાટલો ઉપાડી મંદિરમાં લાવ્યા ને સંતોએ તથા બ્રહ્મચારીએ ઠાકોરજીના થાળ કર્યા. પછી મહારાજને જમાડી પંક્તિ કરી બાપાશ્રી તથા સંત-હરિભક્તો સહુ જમ્યા.