૩૧૪ - મંદવાડમાં મહિમાની વાતો
આ રીતે લૌકિક-અલૌકિક ભાવ જણાવતા ને પોતાને વિષે હેતવાળા સંત-હરિભક્તોને અનેક પ્રકારે સુખિયા કરતા. બાપાશ્રીએ પાછો ભાદરવા માસમાં મનુષ્યભાવ જણાવી ઓચિંતો મંદવાડ ગ્રહણ કર્યો, તેમાં પ્રથમ પોતે બે દિવસ જમ્યા જ નહિ. આથી ઘરમાં સૌ મૂંઝાઈ ગયા ને ઘેર ખાટલો ઢાળી સૂવાર્યા. પુત્ર-પૌત્રાદિક સેવા કરવા તલખે, પણ પોતે જરાય બોલેચાલે નહિ. આ વાતની હરિભક્તોને ગામડાંમાં ખબર પડતા, નારાયણપુરથી ધનજીભાઈનું કુટુંબ તથા દહીંસરાથી મુક્તરાજ કેસરાભાઈ વગેરે જોવા આવ્યા. જે આવે તે સામું જોઈ રહે. એકાદ દિવસ રહી પાછા ઘેર વળી જાય. વધુ રહે તો ઘરમાં સૌને સેવા-સરભરાની તાણ પડે. એમ કરતાં રામપુરમાં મુક્તરાજ ધનબાને ખબર પહોંચ્યા એટલે એ પણ તુરત ગાડું જોડાવી સેવક કાનબાઈ સાથે વૃષપુર આવ્યાં ને આ અનાદિ મુક્તરાજને આમ સૂતા જોઈ સાવ ઢીલાં થઈ ગયાં ને પાસે ઊભા રહી ‘જય સ્વામિનારાયણ’ કરી કહેવા માંડ્યું જે, ‘ભાઈ! તમે આ શું કરવા ધાર્યું છે? આ હરિભક્તો સામું જુઓ તો ખરા! સાવ નિરાશ થઈ ગયા છે. તમારી માંદાઈને પાંચ દિવસ થઈ ગયા, પણ મને તો હજી કાલ ખબર પડ્યા. હવે સાજા-નરવા થઈને બઘાયને રાજી કરો. જુઓને! નાના છોકરા કેવા ઓશિયાળા થઈ રહ્યા છે. ઘરમાં આવડો મંદવાડ હોય ને કામકાજ શેનું સૂજે!' આવાં ઘણાય વચનો કહ્યાં, પણ આ અનાદિ મુક્તરાજ તો કાંઈ ન બોલતાં જેમ સૂતા હતા તેમ ને તેમ સૂતા જ રહ્યા, તેથી ધનબા બહુ મૂંઝાણાં ને પાધરાં બાઈઓના મંદિરમાં જઈ ઠાકોરજી પાસે માળા લઈને બેઠાં. ઘણીયે માળા ફેરવી મહારાજને પ્રાર્થના કરી. પછી ખબર કઢાવી તો હજી મંદવાડમાં જરાય ફેર પડ્યો નથી એવાં ખબર આવ્યા. સવારનાં રામપુરથી નીકળેલાં એમ ને એમ પાણીયે પીધું નહોતું, તેથી એમનાં સેવક કાનબા કહે, ‘મા! જરા ખીચડી ઠાકોરજીને જમાડશો?’ ત્યારે કહે, ‘કાનબાઈ! હજી એક વાર આપણે ભાઈ પાસે ચાલો, એ કાંઈક બોલે તો મને ઠીક પડે.’ એમ કહી એ ઘેર આવ્યાં ત્યાં તો બાપાશ્રીએ તુરત તેમના સામું જોયું ને હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ કર્યા તે વખતે પણ ધનબા સવારની પેઠે જ બોલવા લાગ્યાં; તે સાંભળી બાપાશ્રી કહે, ‘બાઈ! મહારાજની મરજી હશે તેમ થતું હશે. શ્રીજીમહારાજ વિના કોઈ કર્તા નથી, તેથી એમના ગમતામાં આપણે રાજી રહેવું. તમે ઠાકોરજીને જમાડો, બધુંય ઠીક થઈ જશે.’ આમ કહ્યાથી તેઓ રાત્રે જરા ખીચડી જમ્યાં, પછી ધનબા ચાર-પાંચ દિવસ રહ્યાં ત્યાં સુધી જ્યારે એ દર્શન કરવા આવે ત્યારે બાપાશ્રી કાંઈ ને કાંઈ તેમની સાથે બોલે. ક્યારેક રાબ કે ખીચડી જમે પણ રુચિ નહિ. પોતે આખો દિવસ સૂતા ને સૂતા જ રહે. હરિભક્તો બાઈ-ભાઈ રોજ ‘જય સ્વામિનારાયણ’ કરી જાય ને વાટ જુએ જે, ‘હમણાં સાજા થઈ જશે.’ પણ મંદવાડ તો એમ ને એમ લાંબો ચાલવાથી અશક્તિ આવતી ગઈ.
આ વાતની ભૂજમાં ખબર પડવાથી કેડામોર સંત-હરિભક્તો આવી દર્શન કરી ગયા. જે કોઈ પ્રાર્થના કરે તેને બાપાશ્રી એમ કહે જે, ‘જેમ મહારાજની મરજી હશે તેમ થશે.’ આમ કરતાં એક વાર સંતોને સાથે લઈ બ્રહ્મચારી નિર્ગુણાનંદજી ભૂજથી આવ્યા. તે તો બાપાશ્રીનું અશક્ત શરીર જોઈને બહુ દિલગીર થઈ ગયા, તે બોલાવ્યા બોલે નહિ. પછી બાપાશ્રીએ તેમનો હાથ ઝાલીને કહ્યું, ‘બ્રહ્મચારી! શું અમને દેહધારી જેવા જાણો છો? અમે તો એક મટકું ભરે એટલી વારેય મૂર્તિથી જુદા રહેતા નથી.’ એ વચનથી તેમને આનંદ આનંદ થઈ ગયો.