૨૮૬ - મૂર્તિદ્વારા ચમત્કાર જણાવ્યો

0:000:00

આ રીતે શ્રી રાધાકૃષ્ણદેવ ને હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા ધામધૂમથી થયા પછી બાપાશ્રીના આશીર્વાદ પ્રમાણે એ મૂર્તિઓનાં દર્શન કરનારા સંત-હરિભક્તો નાનાંમોટાં બાઈ-ભાઈ સર્વેના કલ્યાણનું સદાવ્રત ચાલતું થયું. ત્યાર પછી એક દિવસ ઠાકોરજીની સેવા કરનારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી હર્ષભર્યા મહારાજને શણગાર ધરાવતા ધરાવતા સંકલ્પ કરવા લાગ્યા જે, ‘આ મૂર્તિઓ હવે પ્રત્યક્ષ મહારાજ કહેવાય; તે પ્રત્યક્ષની પેઠે ભક્તોના મનોરથ પૂરા કરતા હશે કે કેમ?’ એવો વિચાર કરે છે ત્યાં તો હરિકૃષ્ણ મહારાજે તુરત જ ચમત્કાર જણાવવા માંડ્યો, તે કેવી રીતે? તો પોતે ઉઘાડે શરીરે ઊભેલા ને રેશમી ધોતી પર સોનાનો કંદોરો પહેરેલ ને મંદ હાસ્ય કરતા જાણે મનુષ્યની પેઠે શ્વાસ ચાલવા માંડ્યો! તે જોઈ બ્રહ્મચારી તો સ્થિર જ થઈ ગયા. ઘણી વાર એમ ને એમ જોયા પછી આશ્ચર્ય પામતાં પોતાને હાથે નાડી જોવા લાગ્યા. ત્યારે નાડીમાં પણ ધબકારા બરાબર થતા હતા. પછી મુખારવિંદ સામું જોયું તો મહારાજે તેમના સામું જોઈ મંદ મંદ હસવા માંડ્યું. આમ ઘણી વાર જોઈ આનંદ પામતા પોતે દંડવત્ કરી ચરણમાં મસ્તક મેલ્યું ને પ્રાર્થના કરી જે, ‘હે મહારાજ! તમે તો મૂર્તિરૂપે સાક્ષાત્ બિરાજો છો, પણ મને આવો સંકલ્પ થયો તે મારી ભૂલ થઈ, માટે મારા પર રાજી રહેજો,’ એમ કહી શણગાર ધરાવી આરતી કરી. પછી તો આખો દિવસ આનંદમાં ને આનંદમાં રહી થાળ કર્યા, જમાડ્યા, સાંજે જમાડી જળપાન કરાવ્યું, હાર પહેરાવી મેવા ધરાવ્યા. રાત્રે દૂધપાન કરાવ્યું, મોડેથી થાળ જમાડ્યો; પણ એ બધું પ્રત્યક્ષ ભાવમાં જ. એમ ઉમંગભર્યા દર્શન-સેવા કરતા રાત્રે સૂતા, ત્યાં તો પાછા એવી જ રીતે દર્શન આપી ‘બ્રહ્મચારી! એ બ્રહ્મચારી!’ એમ સાદ પાડી હરિકૃષ્ણ મહારાજ તેમને જગાડવા લાગ્યા, પણ તેમને ઊઠતાં વાર લાગી તેથી હાથ ઝાલી પોતે બેઠા કર્યા ને કહ્યું જે, ‘બ્રહ્મચારી! આવો આપણે મળીએ.’ આ વચન સાંભળતાં જ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીનું હૃદય હેતથી ઊભરાઈ ગયું ને બહુ હેત જણાવી મળ્યા ત્યારે પણ મૂર્તિરૂપે જાણે શરીર સાવ સુંવાળું, સુગંધીમાન, કોમળતા માખણ જેવી ને રૂપરૂપના મણિ હોય એવા હસતા હસતા માથે હાથ મૂકી મંદિરમાં ચાલ્યા ગયા, તે જોઈ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને એમ જ થઈ ગયું કે શ્રીજીમહારાજ મૂર્તિરૂપે દર્શન દે છે, એ જ પ્રત્યક્ષ છે, ને પ્રત્યક્ષ છે એ જ મૂર્તિરૂપે છે. પછી તો જ્યારે જ્યારે સભાપ્રસંગે એ બ્રહ્મચારી વાતો કરે ત્યારે એમ જ બોલતા કે, ધામની મૂર્તિ, મનુષ્યમૂર્તિ ને પ્રતિમા એ ત્રણેયમાં એક રોમનોય ફેર નથી એમ મહારાજે કહ્યું છે એ વાત બરાબર છે. આમ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને મૂર્તિદ્વારે ચમત્કાર જણાવ્યો.