સંઘ-મંત્રીશ્રીનું નિવેદન
જગતના ઈતિહાસનું અવલોકન કરતાં એક વસ્તુ ચોક્ખી નજરે પડે છે કે, જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં યુગ પ્રવર્તક મહાપુરુષો પ્રકટ થાય છે ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં કોઈ અદભુત વાતાવરણ જામે છે. જાણે કે, આ મહાપુરુષો તેમની જીવનલીલા અનુસાર દરેક સાધન-સામગ્રી સાથે લઈને આવ્યા હોય તેવું પણ જણાય છે. દરેક મહાપુરુષના સંબંધમાં બલ્કે આ પુસ્તકનું તત્ત્વ-અબજીબાપાશ્રીના સંબંધમાં પણ આ કથન તદ્દન સત્ય છે.
બાપાશ્રીની બેનમૂન સાદાઈ, તેમના જીવન અને વર્તનનો એક દોર, તેમનું આજ્ઞાપાલન અને શિસ્ત વગેરેની છાપ તેમના વખતના કચ્છીઓ અને કચ્છમાં આબેહૂબ પડી છે. શ્રીજીમહારાજની આજ્ઞાનું પાલન તેમણે યથાર્થ કર્યું છે અને સાથે સાથે યથાર્થ પાલન કરાવવા માટે પણ ખૂબ પ્રયત્ન સેવ્યો છે. તેમની સાથે રહેનારા, તેમનો સંબંધ ધરાવનારા બધા ય જાણે કે બાપાશ્રીની સાથે જ આવ્યા હોય અને બાપાશ્રીની ક્રિયાઓમાં એક યંત્રરૂપ હોય તેવું જણાય છે. શ્રીજીમહારાજમાં રસબસ રહેવું એ તેમના જીવનનું તત્ત્વ કે સત્ત્વ હતું. તેથી તેમના સંબંધમાં આવનાર દરેકને માટે એ વાત જ ઉપદેશરૂપ હતી, તે આ પુસ્તકનાં વાંચન ઉપરથી સ્પષ્ટ સમજાશે. જેવી રીતે આ પુસ્તકમાં જ્યાં ત્યાં મૂર્તિમાં રહેવાની વાતો જ માલૂમ પડે છે, તેવી જ રીતે તેમનાં અને તેમના ગાઢ સંબંધમાં આવનારના જીવનમાં પણ હતું! બસ મૂર્તિ, મૂર્તિ અને મુર્તિજ! તે સિવાય કશી વાતનું સ્મરણ કે અધ્યાપન બાપાશ્રીએ રાખ્યું નથી. બાપાશ્રી સમાધિમાં અનેક દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા રહેતા, તે તેમનું મૂર્તિ વિષે કેટલું તન હતું તેનો ખ્યાલ આપે છે. આ મૂર્તિ તે આપણા ઈષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામીશ્રી પોતે જ! આ મૂર્તિ પાછળ બાપાશ્રીએ આખા કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતને ઘેલું બનાવી મૂક્યું હતું.
અનેકને બાપાશ્રીના જાતજાતના ચમત્કારોનો અનુભવ થયો હતો. શ્રીજીમહારાજ અને બાપાશ્રી સાથે-સાથે દેખાય અને દુઃખી હોય તેમની પીડાનું શમન થાય. માત્ર પોતાનો દેહ છોડતી વખતે જ નહિ, પરંતુ જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલીઓ જણાય ત્યારે ત્યારે શ્રીહરિની મનોરમ મૂર્તિ અને બાપાશ્રીના આશીર્વાદનો અનુભવ સૌને ઘણી વાર થતો.
બાપાશ્રીના સંબંધમાં આવનાર હરિભક્તોને કોઈ અદભુત પ્રકારનો સંતોષ રહેતો. તેઓ જાણે કે જીવનમુક્ત બની ગયા હોય અને છતે દેહે જ શ્રીહરિની મૂર્તિમાં રમી રહ્યા હોય તેવો તેમને સાક્ષાત્કાર થતો.
આ પુસ્તકમાં કોઈ કહેશે કે મોટી તત્ત્વજ્ઞાનની વાતો નથી, પણ અમે કહીએ છીએ કે મૂર્તિનો અભ્યાસ અને મૂર્તિની અખંડ સ્મૃતિ તે જ તત્ત્વજ્ઞાન છે, તે જ સાદું અને સૌથી મોટું અને આદર્શ તત્ત્વજ્ઞાન છે. બાપાશ્રીનું જીવન આ તત્ત્વજ્ઞાનને સજીવ કરે છે, તેમના જીવનમાં ડગલે ડગલે આપણને વેદની ઋચાઓનો સાક્ષાત્કાર થાય છે; તેમની દરેક ક્રિયામાં અલૌકિકપણાનો અનુભવ થયા વગર રહેતો નથી.
તેમની જીવનલીલા દરમિયાન તેમણે ઘણા યજ્ઞો કર્યા, અનેક પારાયણો કરી અને અનેક વાર સંત-હરિભક્તોને જમાડ્યા-રમાડ્યા; તે બધાયનો હેતુ માત્ર શ્રીહરિની મૂર્તિનું અખંડસ્મરણ સૌને રહે તે હતું.
આ ગ્રંથની ભાષા બાપાશ્રીના જીવન જેવી જ સાદી છતાં મહાન છે. કોણ જાણે કેમ, પણ મહાન વાતો અને મહાન જીવનચર્ચાઓ સાદી દિવ્યભાષામાં જ લખાય છે. આખા પુસ્તકમાં ક્યાંઈ અઘરો શબ્દ માલુમ પડતો નથી અને છતાં વિષયની મહત્તા ઘટતી નથી. “શિક્ષાપત્રી” અને “વચનામૃત” પણ આવી જ સાદી અને સીધી ભાષામાં આપણને આપવામાં આવ્યાં છે. વચનામૃતની ભાષા તો કોઈ અલૌકિક રીતે સાદી, સરળ અને મહાન છે. આ ઉપરથી મહાન વાતો સાદી ભાષામાં થતી હોય તેમ જણાય છે. તેનું કારણ એ જ હોય કે, મહાન વાતો નિષ્કપટ અને છળ રહિત હોય છે; તે તો અભ્યાસીને કે મુમુક્ષુને માતાની જેમ સમજાવે છે અને હળવે હળવે જગતમાંથી ઉદ્ધાર પામવાના દિવ્યપાઠ શિખવે છે.
વળી આ પુસ્તકના પ્રકાશનમાં પ્રેરણા આપનાર અનાદિ મહામુક્તરાજ સદગુરુ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજીનું નામ કેમ ભૂલી શકાય ? ખરી રીતે આ પુસ્તકનું ઉત્પાદન તેમણે કર્યું છે, તે આ પુસ્તકમાં આપેલી ‘વિજ્ઞપ્તિ’ ઉપરથી સમજાશે. સત્સંગસમાજ તેવા અનાદિ મુકતોનો આવી સુંદર દિવ્ય પ્રવૃત્તિ કરવા બદલ સદાને માટે આભારી રહેશે. તેઓશ્રીની સત્સંગની અનવધિ સેવામાં આ પુસ્તકનું પ્રાકટ્ય એક અગત્યનો ફાળો નોંધાવે છે.
આ પુસ્તકના લેખક શ્રીયુત સોમચંદભાઈ જીવરાજભાઈ તેમની સાદી ભાષાનું પ્રયોજન કરી સત્સંગને એક મહાન ગ્રંથ આપીને તેમનું જીવન ધન્ય બનાવે છે; સત્સંગસમાજ તેમની આ અનન્ય સેવા બદલ તેમનો આભાર માન્યા વગર રહેશે નહિ.
આ પુસ્તકનું સઘળું ખર્ચ શ્રીયુત હીરજીભાઈ ભીમજીભાઈ ચાવડાએ આપીને “શ્રી સ્વામિનારાયણ સંઘ” તરફથી તેને પ્રકાશમાં મૂક્યું છે, એ અતિ હર્ષની વાત છે. આટલી બધી કાગળની મોંઘારતમાં અને આટલી બધી સામગ્રીવાળું પુસ્તક પ્રકટ કરવું એ જેવો તેવો ભોગ ન કહેવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા બાપાશ્રી પ્રત્યે શ્રીયુત હીરજીભાઈની અનન્ય નિષ્ઠા પુસ્તકના અક્ષરેઅક્ષરે નોંધાઈ રહેશે, એ નિનિર્વાદ છે. આ હકીકત ઉપરથી જોઈ શકાય છે કે જનસેવાનાં કાર્યમાં તેઓ-આ ‘શ્રી સ્વામિનારાયણ સંઘ’ કે જેના પોતે સંસ્થાપક તથા પહેલા પ્રમુખ છે અને જેની સ્થાપનામાં તેમનો હેતુ પોતાની વધુમાંવધુ શક્તિઓ એક સ્થળે કેંદ્રિત કરી તેને બને તેટલી ફળદાયી બનાવવાનો છે-તે સંઘના નામથી જ ઘણીખરી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે કે જેથી “શ્રી સ્વામિનારાયણ ભગવાન” નું નામ જગતની સન્મુખ વિશેષ ને વિશેષ આવતું રહે ને તેમ થતાં જીવોમાં તેનું બીજારોપણ થઈ છેવટ આત્યંતિક મોક્ષમાં પરિણમે.
અમને પણ આ પુસ્તકના પ્રાકટ્યમાં જે કાંઈ સેવા કરવાનું કાર્ય પ્રાપ્ત થયું છે, તે “શ્રીહરિની મૂર્તિમાં રાખવાના” ફળરૂપ નિવડો એવું શ્રીહરિ પ્રત્યે અમારું પ્રાર્થન છે.
કેશવલાલ જસરાજ પારેખ, બી.એ.
રાજકોટ, મંત્રી, શ્રી સ્વામિનારાયણ સંઘ.
તા. ૧૧-૧૦-૧૯૪૨