૭૪ - વૃષપુરમાં નવું મંદિર થતાં સૌ સાથે સેવાભાવ
થોડા વખત પછી વૃષપુરમાં નવું મંદિર કરવાની વાત ચાલી ત્યારે સૌએ મળી સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામીને ભૂજથી બોલાવ્યા. સ્વામીશ્રી કહે, ‘તમે એકબે વર્ષ થયાં વાતો કરો છો, પણ કાંઈ કરતા નથી. જો મંદિર નવું કરવું હોય તો અત્યારે સંત નવરા છે, હરિભક્તોને પણ પ્રવૃત્તિ નથી, તો સૌ આ વાતનું નક્કી કરો.’ પછી મુક્તરાજ ભાઈશ્રી તથા કુંવરજી પટેલ આદિ મોટા મોટા હરિભક્તોએ મળી કહ્યું કે, ‘સ્વામી! જેમ આપ કહો તેમ હરિભક્તો સેવા કરવા તૈયાર છે.’ પછી સ્વામીશ્રીએ દિવસનો નિરધાર કરી, મંદિરનું કામ જાણનારા અનુભવી સંતોને ભૂજથી બોલાવી લીધા ને પોતે પણ પાંચ દિવસ ભૂજ જઈ આવ્યા.
આ સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી ત્યાગ-વૈરાગ્યની મૂર્તિરૂપ હતા, તેમ જ પોતે નિયમ-ધર્મમાં દૃઢ વર્તનાર ને વર્તાવનાર હોવાથી તેમનું વચન સૌ માથે ચડાવતા અને તે જે ક્રિયા બતાવે તેમાં કોઈ સંશય કરે નહિ. આખાય કચ્છ દેશમાં તેમનો પ્રભાવ પડતો. કોઈ નિયમધર્મમાં ફેર પાડે તો પ્રાયશ્ચિત્ત કરાવ્યા વિના સત્સંગમાં લેવાય નહિ, તેમ મહારાજના પ્રસંગ વિનાની બીજી કોઈ તેમની પાસે વાતો કરી શકે નહિ, એવો તેમનો દાબ પડતો. આવા સદ્ગુરુના હાથથી આ મંદિરનું કામ ચાલતું થયું. તેથી સૌ હરિભક્તો પોતાથી બનતી સેવા કરવા લાગ્યા. કોઈ પાણા લાવે તો કોઈ લાકડાં લાવે, કોઈ ચણતર કરે, કોઈ ધૂડ ઉપાડે, કોઈ ગારો આપે, રેતી લાવે, પાણી લાવે, એમ જુદા જુદા કામમાં જેનાથી જે સેવા થાય તે ઉમંગથી કરવા લાગ્યા. સ્વામીશ્રી આદિ સંતો પણ નિયમિત કથાવાર્તા કરી પોતાની દેખરેખ નીચે બધું કામ કરાવતા, જેથી કોઈ ક્રિયારૂપ ન થઈ જાય એ ખાસ ધ્યાન રહેતું. કોઈને ક્રિયાનો વેગ લાગ્યા જેવું દિવસે જણાયું હોય તો રાત્રે કથાપ્રસંગે મોટા મોટા સંતો તથા હરિભક્તો મંદિરની સેવાઓ કેમ કરતા ને કેવી રીતે નિર્લેપ રહેતા તેવી વાતો કરી ચડેલો ફેર ઉતારી નાખતા. કથાવાર્તા કરવાની તેમની રીત બહુ અસરકારક હતી. વળી સાધુઓમાં પરસ્પર કોઈ મર્યાદા લોપે નહિ, તેની પણ પોતે ખાસ કાળજી રખાવતા. એમ કથાવાર્તા, સેવાભક્તિ આદિથી વૃષપુરના હરિભક્તોને મંદિરની સેવા ઉપરાંત ઘણો લાભ મળતો. હરિભક્તો ઉમંગભર્યા કીર્તન બોલે, સેવા કરે, તે સાથે ભાઈશ્રી પણ સેવાનો સરખો ભાગ લેતા. ક્યારેક પોતે પાણા ઉપાડતા હોય ને ક્યારેક પાણાનાં ગાડાં બહાર ઠલવેલાં પડ્યાં હોય, તેમાંથી એક એક પાણો હરિભક્તોના માથા ઉપર ચડાવે. કોઈ બહુ મોટા પથ્થર વાંસા પર ઉપાડી મંદિરમાં લઈ જતા હોય તો તેને પણ પોતે વાંસા ઉપર ચડાવતા. બીજા હરિભક્તો ના પાડે ને કહે જે, ‘ભાઈ! તમે નહિ.’ તો કહે, ‘મને સેવા કરવાની કેમ ના પાડો છો? આ તો શ્રીજીમહારાજની સેવા છે.’ એમ કહી પોતે પણ સૌની સાથે દરેક સેવા કરતા. આવી રીતે કામ ચાલતું હતું.