૯૬ - અક્ષરધામમાં લઈ જવાનું વરદાન
એક વખત ભાઈશ્રી બપોરના વાડીમાં આંટો દેવા ગયા હશે. ત્યાં ઝાડ નીચે એક નાની દીકરી બેઠી બેઠી રમતી હતી, તેને સાંઠાનાં મલોખડાં ભેગાં કરી છોલી છોલીને પાયા, ઈસ, ઉપળાં કરી ખાટલો બનાવ્યો. ભાઈશ્રીએ ફરતા ફરતા ત્યાં આવી પાછળથી જોયું ને હળવે રહી માથે પગ મૂકીને તે ખાટલો ભાંગી નાખ્યો. ત્યારે તેણે પાછળ જોયું નહિ ને એ ખાટલો ભેળો કરતાં કરતાં બોલવા માંડ્યું કે, ‘આવા કોણ જાણે ક્યાંથીયે આવે છે! અમે મલોખડાં છોલી છોલીને મરી ગયાં; અમને શું મહેનત નહિ પડી હોય? પાધરા પગ મૂકીને ભાંગી નાખતાં તો સૌને આવડે, પણ આવો ખાટલો કરે તો ખબર પડે જે કેમ થાય છે!’ ત્યારે ભાઈશ્રી હસ્યા ને કહ્યું જે, ‘અમથું શું બોલે છે! જોતી નથી જે કોણ છે? ’ એમ કહ્યું ત્યાં તો તેણે જાણ્યું જે, ‘આ તો ભાઈ!’ પછી તે દીકરીને ભાઈશ્રીનો મહિમા બહુ હતો, તેથી શરમાણી ને ઝંખવાણી પડી ગઈ, તેથી પોતે પૂછવા લાગ્યા જે, ‘ગગી! તું એકલીજ આવી છું? બીજાં છોરાં કેમનાં ગયાં?’ તોપણ તે દીકરી બોલી નહિ. પછી તેને ગુંજામાંથી સાકર આપી ને કહ્યું જે, ‘લે આ પ્રસાદી, મેં તને સંભારણું કર્યું છે હો! તું હવે મોટી થઈશ તોય તને આ વાત સાંભરશે જે, એક દિવસ મારો મલોખડાંનો ખાટલો ભાંગી નાખ્યો હતો.’ પછી તે દીકરીએ પગે લાગીને કહ્યું જે, ‘તમને મેં જોયા વિના જેમતેમ કીધું, તે ગુનો માફ કરજો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘ગગી! હું તો તારા પર બહુ જ રાજી છું. જોજે તો ખરી! હું તને ઠેઠ મહારાજ પાસે અક્ષરધામમાં લઈ જઈશ.’ એમ કહી એક પોપૈયો આપ્યો તે લઈને ઘેર ગઈ ને તેની માને બધી વાત કરી, તેથી એ તરત વાડીએ આવ્યા ને ‘જય સ્વામિનારાયણ’ કરીને બોલ્યા જે, ‘ભાઈ! આજ તો અમારી ગગી માથે બહુ રાજી થયા!’ ત્યારે ભાઈશ્રી કહે, ‘અમારા હોય તેને અમે ઓળખી લઈએ. આ દીકરીનો જીવ બહુ બળિયો છે, તે મોટી થાશે ત્યારે મહારાજ તથા મોટાને ઘણા રાજી કરશે.’ પછી તે બાઈને ભાઈશ્રીએ કહ્યું જે, ‘ઘણા જન્મ ધરી ધરીને જીવે દુ:ખ ભોગવ્યાં હોય ત્યારે એમ થાય જે, ઉત્તમ અવતાર આવે તો ભગવાનની ભક્તિ કરીએ,’ પણ અહીં આવે એટલે એ વાત ભૂલી જાય, પણ જે આ સત્સંગમાં આવ્યા છે તેની તો મહારાજ અને મોટા મુક્ત રક્ષા કરે છે.’ પછી એમ બોલ્યા જે, ‘બાઈ! આ તમારી દીકરી મુક્ત છે. તેને ભગવાન ભજવાનો ખટકો રખાવજો.’ આ દીકરી પર ભાઈશ્રીનો ઘણો રાજીપો હતો, તેથી કોઈ વાર બોલાવતા, હસાવતા, પ્રસાદી આપતા, કોઈ વાર માથે મોછલો (ટોપલી) ઓઢ્યો હોય તે લઈ લેતા, કોઈ વાર પાણી છાંટતા ને કહેતા જે, ‘તુને ભગવાન ભજતાં નહિ આવડે ત્યાં સુધી હું ખટકો રખાવીશ-પછી તો તું જાણે ને મહારાજ જાણે,’ –એમ કહી પ્રસાદી આપતા. (આવી રીતે આ દીકરી પર ભાઈશ્રીની પ્રસન્નતા હોવાથી તેની મોટી ઉમર થતાં તેણે મહારાજના વચનમાં ખબડદાર રહી આ મુક્તરાજને બહુ રાજી કર્યા હતા.)