૩૭૯ - કુંભારીઆમાં પારાયણ તથા વૃષ્ટિ

0:000:00

થોડા દિવસ એ રીતે ચાલતાં જ્યારે વદ સાતમ આવી, ત્યારે કુંભારીઆથી મિસ્ત્રી ગોવાભાઈએ સિગરામ તથા ગાડાં તેડવા મોકલ્યાં, તેમાં સદ્‍ગુરુઓ તથા કથા વાંચનાર પુરાણી ધર્મકિશોરદાસજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી અને થોડા સંતોને લઈને બાપાશ્રી કુંભારીએ પધાર્યા, ત્યાં તો ભૂજના સંતો તેમ જ ગામોગામથી ઘણા હરિભક્તો આવી ગયા હતા ને બાઈઓમાં રામપુરથી મુક્તરાજ ધનબાને તેડાવેલ હોવાથી તે પણ પોતાના સેવકો તથા અસલાલીવાળાં મુક્તરાજ કંકુબા સાથે આવ્યાં. આ બંને મહામુક્તો આવી પહોંચતાં મિસ્ત્રી ગોવાભાઈ બહુ રાજી થયા. આ પારાયણમાં ઘણા હરિભક્તો આગળથી આવી પહોંચ્યા, તેથી મંદિરમાં સંકડાશ પડશે, એમ જાણી સંતોએ કથામંડપ બહારના ભાગમાં તૈયાર કર્યો હતો. ને ઉપર ચંદની બાંધી માંહી હાંડી, તકતા તથા દીવાબત્તીઓની ઘણી શોભા કરેલી. આ બધું જોઈ બાપાશ્રીએ ભૂજના સંતો તથા ત્યાંના હરિભક્તોને બોલાવીને એમ કહ્યું કે, ‘તમે બહારના ભાગમાં કથામંડપ કર્યો છે, તે મંદિરમાં લાવો તો ઠીક. ઇંદ્ર અતિ ઘેલો થયો છે ને વરસાદ પડશે તો હેરાનગતિ થશે.’ બાપાશ્રીનાં આવાં વચન સાંભળ્યાં, પણ જાણે એ વાત કોઈએ લક્ષમાં લીધી ન હોય તેમ કોઈ કાંઈ બોલ્યું નહિ. વળી થોડી વારે બીજી વખત કહેવરાવ્યું, પણ સાધુઓને એમ જે, ‘મંદિરમાં મનુષ્ય સમાશે નહિ ને આ બધી મહેનત કરી મૂકી છે તે નકામી જશે. એમ કરતાં કદાચ વરસાદ આવશે તો તે વખતે થાય તે ખરું.’ બાપાશ્રીએ તો થોડી વાર વાટ જોઈ પણ કોઈ કાંઈ બોલ્યું નહિ, તેથી પોતે આસને આવીને સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી સાથે ઘણી વાતો કરી કહ્યું કે, ‘કોઈ પોતાનું ધાર્યું મૂકતા નથી પણ દુઃખિયા થશે એટલે ખબર પડશે.’

બીજે દિવસ સવારમાં ‘શિક્ષાપત્રીભાષ્ય’ની પારાયણ બેસવાની હતી તેથી સવારથી તૈયારી થવા માંડી ને વિધિએ સહિત મિસ્ત્રી ગોવાભાઈ તથા તેમના પુત્રોએ મહારાજ તથા પુસ્તક અને પુરાણી વગેરેની પૂજા સાથે બાપાશ્રીની ચંદન-પુષ્પથી પૂજા કરી આરતી ઉતારી એટલે કથા ચાલતી થઈ. સંત-હરિભક્તો હેતે સહિત કથા સાંભળતા હતા, પણ આકાશમાં વાદળાં વધતાં જતાં જોઈ, સહુ વિચાર કર્યા કરે જે, ‘બાપાશ્રીએ બેત્રણ વાર કહેરાવ્યું પણ આપણે મંડપ ફેરવ્યો નથી તેથી કાંઈ વિઘ્ન થાય તો કહેવાય નહિ.’ આમ વિચાર કરે છે ત્યાં તો વરસાદ બહુ જ ચડી આવ્યો તે જાણે હમણાં તૂટી પડશે. આથી સૌ મૂંઝાવા લાગ્યા, પણ હવે શું થાય? બાપાશ્રીને કહેવા જેવું તો રહ્યું નહોતું. વરસાદનો દેખાવ વધુ થતાં ગોવાભાઈની ધીરજ ન રહી, એટલે તેમણે બાપાશ્રી પાસે જઈને કહ્યું જે, ‘બાપા! વરસાદ ઘણો ચડી આવ્યો છે. પણ કાંઈ દયા કરો ને ન થાય તો ઠીક!’ એમ હજી કહે છે ત્યાં તો વરસાદ મોટે ફોરે વરસવા લાગ્યો, એટલે હરિભક્તો મૂંઝાતા કથામંડપ ઉપર તાલપત્રીઓ બાંધવા મંડ્યા. આવું જોઈ સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, ‘હવે ઇંદ્રને કાંઈક કહો તો ઠીક. ‘એ વચન સાંભળી પોતે એમ બોલ્યા જે, ‘પ્રથમ કોઈએ કહ્યું માન્યું નહિ ને હવે અમે શું કરીએ?’ પછી સ્વામીશ્રીએ તથા ગોવાભાઈએ બહુ પ્રાર્થના કરી ત્યારે કહ્યું જે, ‘મહારાજ સારું કરશે.’ પછી એમ બોલ્યા જે, ‘અમે ઇંદ્રને કહી દીધું જે, આ ગામની અંદર ન વરસીશ ને ગામને ફરતો બીજે વરસજે.’ પછી વરસાદ તો થતો જ હતો, પણ ગામમાં બંધ રહ્યો, તેથી સહુ રાજી થયા ત્યાર પછી વળી એક દિવસ વાદળાં બહુ થવા માંડ્યાં, એટલે હરિભક્તો બીવા લાગ્યા, પણ સ્વામીશ્રીએ કહ્યું કે, ‘હવે બીક ન રાખો; વરસાદ નહિ નડે.’