૭૨ - આડાં લેવા જતાં સર્પ વળગ્યો

0:000:00

એક વખત ભાઈશ્રીને બીજા ગાડાંવાળાઓ સાથે ગામધણી આયસબાવાની વેઠે જવાનું હતું. ગાડાં તૈયાર થયાં તે સાથે ભાઈશ્રીનું ગાડું જૂત્યું, પણ તેમાં બે આડાં નહિ, તે લેવા ઉતાવળથી ઘરમાં ગયા, ત્યાં આડાંને બદલે સર્પ પડેલ તે હાથમાં આવતાં આંગળીએ વળગ્યો, તેને તરછોડીને પોતે હાથ છોડાવી લીધો, પણ કોઈને એ વાત કરી નહિ; બીજા ગાડાંવાળાઓ તો ચાલતા થયા હતા, તેથી આ મુક્તરાજ ગાડું દોડાવીને ભેગા થઈ ગયા. સૌની વાંસે આ ગાડું ચાલ્યું આવતું હતું, પણ ચાર-પાંચ ગાઉ ગયા ત્યાં તોં ઘેન ચડવા માંડ્યું. બીજા ગાડાંવાળાઓની નજર પડતાં તેઓ હેઠે ઊતરી એકબીજામાં કહેવા લાગ્યા જે, ‘જુઓ તો ખરા! આમને શું થાય છે?’ પછી પૂછ્યું જે, ‘તમને રાતનો ઉજાગરો છે કે શું?’ પણ કાંઈ બોલ્યા નહિ. આવું જોઈ સહુ વિચારમાં પડ્યા ને ગાડાં ઊભાં રાખી જોવા લાગ્યા. કોઈ કહે ઊંઘમાં છે ને કોઈ કહે સમાધિ થાય તેવું લાગે છે, એમ કહેતા આવે, પણ કાંઈ નક્કી ન થાય. ઘણી વારે પોતે વાત કરી જે, ‘મને ઘરમાં આડાં લેવા જતાં આંગળીએ સર્પ વળગ્યો છે, મેં જાણ્યું નહિ ચડે, પણ ચડતો લાગે છે. હવે શું થાય?’ સહુ ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કરો.’ આ વાત સાંભળી ગાડાંવાળા ચિંતામાં પડ્યા કે આમને માર્ગમાં કાંઈ થશે તો આપણે શું કરીશું? ને વેઠે નહિ જઈએ તો ગામધણીના વાંકમાં આવશું. માટે હવે આપણે ઉતાવળા જઈએ ને આ ભલે ગાડામાં સૂતા. એ વિચારે વેઠમાં ખડ ભરી લાવવાનું હોવાથી ત્યાં ગયા, પણ ખડ પાસે ચોકીવાળો હતો તેણે એક ગાડામાં ભાઈશ્રીને આવી હાલતમાં જોઈ, તેમ સૌની પાસેથી સર્પ કરડ્યાની વાત સાંભળી કહ્યું કે, ‘તમે ભલા થઈને એમને ઝટ ઘર ભેગા કરો, હું આયસબાવાને કહીશ તે તમને ઠપકો નહિ મળે.’ આમ કહ્યાથી સૌ તુરત ગાડાં ઉતાવળાં હાંકી ઘેર આવ્યા ને ભાઈશ્રીને ઘેર લાવીને સૂવાડ્યા ને સર્પની વાત કરી, તેથી સહુ શોકાતુર થઈ ગયા. ગામમાં ખબર પડતાં સહુ જોવા દોડ્યા, જે આવે તે એમને એમ સૂતેલા જુએ, ઘરમાં પુત્રપુત્રીઓને ધીરજ રહે નહિ, તેથી મહારાજને પ્રાર્થના કરે. છેવટે પોતાની મેળાએ જાગ્યા ને બોલ્યા જે, ‘મહારાજની દયા બહુ. સૌના માથેથી વેઠ જ ઉતારી નાખી.’