૫૫૫ - રહસ્યવાતો તથા પ્રસાદીનો મહિમા

0:000:00

બાપાશ્રી વૃષપુરમાં આવ્યા પછી થોડા દિવસ થયા ત્યાં કણભાવાળા આશાભાઈ તથા છોટાલાલભાઈ અને ધ્રાંગધ્રાના શિવલાલભાઈ આદિ હરિભક્તો દર્શન-સમાગમ કરવા આવ્યા. તેમની સાથે ગુજરાતનાં મોટાં બાઈઓ મોંઘીબા, દિવાળીબા આદિ કેટલાંક બાઈઓ મુક્તરાજ ધનબાના ખરખરા નિમિત્તે આવ્યાં હતાં તેથી બાપાશ્રીએ રાજી થઈ કહ્યું, ‘સૌ ભલે આવ્યા, તમારે રામપુર જવું જોઈએ. ધનબા બહુ મોટાં હતાં, એ તો ધામમાં પહોંચી ગયાં, અવસ્થા મોટી હતી પણ છેલ્લી ઘડી સુધી તેમને મહારાજને રાજી કરવાની એવી ને એવી તાણ. બેત્રણ વાર તો મને કહે, હવે મને ધામમાં મૂકી દ્યો. આવા મોટા મુક્તની કચ્છમાં બહુ જ ખામી આવી.’ પછી મોંઘીબા આદિ બાઈઓ માટે થાળ કરાવવાની ગોઠવણ કરી અને આશાભાઈ તથા છોટાલાલભાઈને કહ્યું જે, ‘ તમે એમને જે કાંઈ જોઈએ તે આપણે ઘેરથી પહોંચાડજો.’ એમ તેમની સરભરા કરાવતા, બાઈઓ પણ ત્રણ દિવસ રહી મુક્તરાજ ધનબાના ખરખરા નિમિતે રામપુર ગયાં ને ત્યાંથી પંચતીર્થી કરતાં થોડા દિવસ ગામડાંમાં રહ્યાં.

બાપાશ્રી તો સેવક આશાભાઈ, છોટાલાલભાઈ અને શિવલાલભાઈ આદિ હરિભક્તો પર અત્યંત પ્રસન્નતા જણાવતા રોજ બપોરે તેમને વાડીએ ભેળા લઈ જાય ને ત્યાં કાંઈ કામકાજ હોય તે કરાવે, પાસે બેસારી મૂર્તિના સુખની વાતો કરે, ઘેર લઈ જઈ પોતાને હાથે પીરસી જમાડે. રાત્રે સૂવે ત્યારે સેવા કરવા દે. એક વાર રાત્રે બેઠા થઈ વાત કરી જે, ‘ આ સત્સંગમાં સહુ કોઈ મહારાજને રાજી કરવા તથા મૂર્તિના સુખને પામવા સારુ આવ્યા છે, તેથી અનેક પ્રકારના દાખડા કરે છે, પણ માન, મોટપ, યશ, કીર્તિ, પ્રસિદ્ધિ વગેરે મૂકી શકતા નથી, તેથી તેને મૂર્તિનું સુખ પણ આવતું નથી, માટે જેને મહારાજનું દિવ્ય સુખ પામવું હોય તેણે એ સર્વેને હરામ કરવા જોઈએ. તમે સહુ એ વાતનો ખટકો રાખજો.’

એક વાર પોતે ઠાકોરજીને જમાડવા ઘેર ગયા હતા ને પાછળથી આ હરિભક્તો દર્શન કરવા ગયા, ત્યાં તો એક હાથમાં છાશનું તાંસળું ને બીજે હાથે રોટલો ભાંગી અંગૂઠેથી ભૂકો કરીને જમે ને માથે છાશનો ઘૂંટડો ભરે. એ જોઈને શિવલાલભાઈએ કહ્યું જે, ‘બાપા! અમને તો રોજ તાણ કરી કરીને જમાડો છો, નવા નવા થાળ કરવાની ભલામણ કરો છો અને આપ તો આવું જમો છો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘અમે તો રોજ સવારમાં વહેલા વહેલા મહારાજને છાશ-રોટલા જમાડી લઈએ ને મૂર્તિના સુખમાં રમીએ. અમને તો એવું આવડે. સત્સંગમાં સારું સારું જમનારા ઘણાયે પડ્યા છે!’ ત્યારે છોટાલાલભાઈ કહે, ‘બાપા! રોટલાની પ્રસાદી અમને આપોને.’ ત્યારે કહે, ‘રોટલામાં શું પ્રસાદી લેવી? પ્રસાદી તો લાડવાની સારી. રોટલાને તો કોઈ સંભારતુંયે નહિ હોય.’ એમ કહીને પછી બોલ્યા જે, ‘આ તો સર્વે કાર્ય છે, આપણે તો બધીયે પ્રસાદી કરતાં મૂર્તિના સુખની દિવ્ય પ્રસાદી લેવાની તાણ રાખવી.’ પછી જમીને ઊઠ્યા ને વચનામૃતની કથા થઈ રહી ત્યારે પોતે એમ વાત કરી જે, ‘મહારાજને અર્થે ભક્તિએ કરીને જે થાય તે ખરું. પછી જેવી જેની સંપત્તિ ને રુચિ. મહારાજ તો પોતાના ભક્તની હેતે સહિત કરેલી સેવા અંગીકાર કરે છે, હેત જેવો કોઈ રસ નથી; હેત ન હોય ને ગમે તેવા થાળ કરે, સેવા-ભક્તિ કરે તોય મહારાજ રાજી ન થાય. અનાદિ મુક્તને તો એક મૂર્તિરૂપ જ રસ છે, એમની દૃષ્ટિ બીજું કાંઈ છે જ નહિ.’ એમ વાત કરતા હતા ત્યાં પુરાણી કેશવપ્રિયદાસજી તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી દર્શન કરવા આવ્યા. તેમને જોઈને બાપાશ્રીએ કહ્યું જે, ‘જુઓ! આ મહારસના ભોગી આવ્યા.’ પછી તે દંડવત્ કરવા લાગ્યા ત્યારે, ‘રાખો! રાખો!’ કરતા પોતે બેઠા થઈને હેતે સહિત મળ્યા. પછી હરિભક્તો સહુ દંડવત્ કરવા લાગ્યા, તેને પણ મળ્યા ને બોલ્યા જે, ‘આવા ધર્મ-નિયમવાળા સંતને જોઈને અમારું અંતર ઠરે છે.’ એમ પ્રસન્નતા જણાવી પોતે મગજ તથા સુખડી ઘેર તૈયાર કરાવી રાખેલ હોવાથી તે આશાભાઈ પાસે મગાવીને કહ્યું જે, ‘પુરાણી! તમે તડકામાં આવ્યા છો તે જરા જરા ઠાકોરજીને જમાડી લ્યો, એટલે પાણી પીવા થાય.’ એમ કહી તેમને ઓરડીમાં બેસારી પત્રાવળામાં પોતાને હાથે પીરસીને કહ્યું જે, ‘હવે તમે જમજો ને હું જરા નાહી લઉં.’ એમ કહી પોતે નાહવા પધાર્યા.