૬૯૫ - હરિભક્તોની પંક્તિઓમાં દર્શન દેવા પધાર્યા

0:000:00

કણબી હરિભક્તોની રીત સાધુ જેવી એટલે એ તો સૌ હારોહાર બેસી ધૂન્ય કરવા લાગ્યા અને સારથીઆ (પિરસનારા) સોએ સો હરિભક્તો ભેઠ બાંધી પિરસવા મંડ્યા. પિરસનારાઓમાં કોઈ ‘પાત્ર સામી નજર રાખો’, ‘સામું જુઓ!’ એમ ન બોલતાં ‘સ્વામિનારાયણ! સ્વામિનારાયણ!!’ બોલે ને પિરસતા આવે, તેમ જ જમવા બેઠેલા હરિભક્તો પણ તાંસળીમાં કે થાળીમાં વધુ પિરસાતું દેખે તો આડા હાથ રાખી ‘મહારાજ!’ સ્વામિનારાયણ!’ એમ કહે, પણ ‘હં, હં! રાખો! રાખો! આટલું બધું ન જોઈએ!’ એવું તો કોઈ બોલે જ નહિ. વળી ‘મને આ થોડું ફાવે છે કે આ ઝાઝું મૂકો’ એમ પણ ન કહે, એટલે બધી પંક્તિમાં એકસરખી ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ નામની ધૂન્ય થઈ રહેતાં, આ સર્વોપરી ધ્વનિ યજ્ઞના સારરૂપ ને ફળરૂપ હોય તેમ જાણી પંક્તિઓનાં દર્શન કરનારા હરિભક્તો પણ આવી અલૌકિક રીતથી આનંદ પામતા હતા.

એ વખતે બાપાશ્રી ત્યાં આવ્યા, -તે કેવા શોભતા તો ધોતિયાભર, ઢીંચણથી નીચે સુધીની ઘેરવાળી આંગડી પહેરેલ, માથે સાદી પાઘડી, ખંભે ખેસ અને ભાલે ચંદનના થથેડા તથા કંઠમાં હજારી ફૂલના હાર પહેરેલા એવા હરિભક્તોના સમૂહે સહિત પંક્તિઓમાં ધીરે ધીરે ફરી, સૌના પર અમૃતનજર કરતા, જાણે મૂર્તિના સુખરૂપ ઈનામ આપવા નીકળ્યા હોય તેવી પ્રસન્નતા જણાવી, સારથિઆઓને કહેતા આવે જે, ‘સૌને ખૂબ પિરસજો, જરાય કસર મ રાખજો; નહિ તો મહારાજ લડશે.’ પિરસનારાઓ કોઈને તાણ કરી પિરસતા હોય અને જમનારા લે નહિ ને આડા હાથ ધરે ત્યારે પોતે કહે જે, ‘લ્યો! લ્યો! આ પ્રસાદી દુર્લભ છે, શ્રીજીમહારાજ ને અનંત મુક્ત જમ્યા, એવી પ્રસાદી ક્યાંથી મળે! તમે ના પાડો મા; નહિ તો દેવતાઓ આકાશમાંથી આવીને લઈ જશે.’ વળી પાકશાળાના આગેવાન હરિભક્તોને પણ એમ જ કહેતા કે, ‘પંક્તિમાં શીરો, સુખડી વગેરે સારી પેઠે પિરસાવજો, જરાય બીશો નહિ જે કેમ થશે? જેતલપુરમાં યજ્ઞ વખતે મહારાજે એક કુડલામાંથી ઘી ખૂટવા દીધું નહોતું, એ જ મહાપ્રભુ તમારી સૌની સેવા અને ભક્તિભાવ જોઈ રહ્યા છે તથા પાકશાળામાં ને પંક્તિઓમાં સંતોએ સહિત દિવ્યરૂપે ફરી દર્શન દે છે, એ મૂર્તિને રાજી કરવા સારુ આ યજ્ઞ છે, તેથી સહુ ખટકો રાખજો.’ એમ કહેતા અને પંક્તિમાં ફરી સૌને દર્શન દેતા બાપાશ્રી અતિ પ્રસન્નતા જણાવતા હતા. ત્યાં પણ કેટલાક હરિભક્તો આવી આવીને હાર પહેરાવે, દંડવત્ કરે, હાથ જોડે, ચંદન ચર્ચે, કોઈ તો નાનાં છોકરાંઓને પગે લગાડી માથે હાથ મુકાવે, એમ એ દિવ્યસમૂહની વચમાં આ અનાદિ મુક્તરાજની કૃપાદૃષ્ટિનો લાભ સહુને સહેજે મળતો હતો; પછી પંક્તિઓમાં બધે ઠેકાણે પિરસાઈ રહેતાં હરિભક્તોએ ભડાકા કર્યા એટલે સૌ ‘જય’ બોલી જમવા લાગ્યા. કચ્છના હરિભક્તોને જમતાં ઘણી વાર લાગે નહિ, એમ જાણી રામપુરવાળા દેવરાજભાઈ તથા કરાંચીના લાલુભાઈ અને ભૂજના ભોગીલાલભાઈ, ધનજીભાઈ આદિ હરિભક્તોએ પ્રાર્થના કરી જે, ‘બાપા! આપે જેમ આ યજ્ઞમાં બધાયને સુખ દેવા ધાર્યું છે, તેમ ભેળાભેળું આપના હાથે સૌને થોડી થોડી સુખડી પીરસો તો એ ખરેખરું સંભારણું થાય.’