૬૭૬ - વૃષપુરમાં યજ્ઞની તૈયારી
હવે બાપાશ્રીએ વૃષપુરમાં ચૈત્ર સુદ તેરશથી ચૈત્ર વદ છઠ સુધી પારાયણયજ્ઞ કરવાનું પ્રથમથી જ નક્કી કરી સદ્ગુરુઓને અમદાવાદથી તેડાવવાના કાગળો લખેલા હતા, તે કાર્યનો આદર કરવા એક દિવસ ગામોગામથી કણબીની નાતના આગેવાન હરિભક્તોને બોલાવ્યા હતા તે આવ્યા, ત્યારે મંદિરમાં સભા કરીને પોતે વાત કરી જે, ‘આ ફેરે અમારે યજ્ઞ કરવો છે, તેમાં સહુ હિંમત રાખી સેવા કરો તો સારું. અમે આ વખતે એવો સંકલ્પ કર્યો છે કે, આ યજ્ઞમાં આવીને જે કોઈ જમશે તેનો અમારે આત્યંતિક મોક્ષ કરવો છે, માટે સહુ ભાઈઓ મળીને આ યજ્ઞ સુધારી દ્યો. કેટલાકને હજી એમ રહે છે કે, બાપા તો અમારી નાતના છે, પણ એ વાતમાં ભૂલ છે, કેમ કે અમે કોઈના બાપ નથી, કોઈના દીકરા નથી, તેમ અમારી કોઈ નાતજાત નથી. અમે તો અવતારી જે સ્વામિનારાયણ ભગવાન તેમના અનાદિ મુક્ત છીએ, અને આજ સુધી જે કોઈ અમારા જોગમાં આવ્યા તેને અમે મહારાજના સુખમાં પહોંચાડ્યા છે. હવે તો તમે અમને ત્રણ મહિના સુધી દેખશો, પછી કોઈ આ મુખ જોવાની આશા રાખશો નહિં. આવાં વચનથી સૌ દિલગીર થઈ ગયા. પછી મોટા મોટા હરિભક્તોએ કહ્યું જે, ‘બાપા! અમારે તો જેમ આપ રાજી થાઓ તેમ કરવું છે, અને જે સેવા બતાવશો તે સહુ કરશે.’ આવાં વચનથી પોતે બહુ રાજી થયા. પછી એ હરિભક્તો સૌ પોતપોતાને ગામ ગયા.
એ વખતે ગુજરાતથી બે હરિભક્તો દર્શન કરવા આવ્યા હતા, તેમણે રાધાબા ધામમાં ગયાં તે નિમિત્તે બાપાશ્રી પાસે ખરખરો કર્યો, ત્યારે પોતે બોલ્યા જે, ‘આ વર્ષ તો કરવરિયું છે, તેથી શોક શું કરો છો? હજી કાળ પડવાનો છે, તે તો થોડા વખતમાં પડશે,’ –એમ મર્મવચનો કહ્યાં.
ત્યાર પછી ચૈત્ર સુદ એકમને દિવસે સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ બાવીસ સંતો ભૂજ આવ્યા, તેઓ પોતાની સાથે બાપાશ્રીએ કાગળમાં લખી જણાવ્યા પ્રમાણે કંકોત્રીઓ છપાવીને લાવ્યા હતા, તેમાંથી કેટલાય ગામોમાં હેત-મહિમાવાળા સંત-હરિભક્તોને એ કંકોત્રીઓ ત્યાંથી જ મોકલાવી દીધી. પછી સંતો ચોથના દિવસે બપોર પછી ભૂજથી નીકળીને પ્રથમ નારાયણપુર ગયા, ત્યાં ધનજીભાઈ ધામમાં ગયા હોવાથી તેમના દીકરાઓને ધીરજનાં વચનોથી સંતોષ પમાડી રાત્રે વૃષપુર આવ્યા. એ વખતે બાપાશ્રી ઠાકોરજી સન્મુખ સભા વચ્ચે ઉઘાડે શરીરે ધ્યાને યુક્ત બેઠેલા, તે જોઈ સહુ રાજી થયા; પછી સંતો મહારાજને દંડવત્ કરતા હતા ત્યાં પોતાને ખબર પડી એટલે પોતે પણ ઊભા થઈ સંતોને દંડવત્ કરવા લાગ્યા, પણ સદ્ગુરુઓએ ઝાલી રાખ્યા. તે વખતે પોતે ‘આવડલી વાર કયાં લગાડી વીરા’ એમ કહી હેતે સહિત સૌને મળીને બોલ્યા જે, ‘અમે તમારી બહુ વાટ જોતા હતા જે, ક્યારે આવે, ત્યાં તો તમે આવ્યા, તે આજ દિવ્ય મૂર્તિઓનો મેળાપ થયો.’ પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ શેઠ બળદેવભાઈ, ચતુરભાઈ, બાલુભાઈ, ડૉકટર નાગરદાસભાઈ આદિ મોટા મોટા હરિભક્તોની વતી ‘જય સ્વામિનારાયણ’ કહ્યા અને ભૂજમાં બે દિવસ રહી દેશોદેશ કંકોત્રીઓ લખી નાખી વગેરે વાત કરી. ત્યારે બાપાશ્રીએ પણ પોતે કેવી રીતે યજ્ઞનું નક્કી કર્યું છે તે સર્વે હકીકત જણાવી. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ ધનજીભાઈનો ખરખરો કર્યો, ત્યારે પોતે પણ તેમના પર બહુ રાજીપો જણાવી કહ્યું કે, ‘છેલ્લે વખતે ધનજીભાઈની નિરાવરણ દૃષ્ટિ થઈ જતાં મહારાજ ને મોટાં મુક્તનાં દર્શન થયાં હતાં તથા પોતે તેમના પ્રત્યે જે રીતે લાગણી બતાવી હતી તે બધી વાત વિસ્તારીને કરી, તેમ જ તેમના દીકરાઓની પ્રશંસા કરતાં કહ્યું કે, ‘ધનજીભાઈ ધામમાં ગયા એટલે તેમને એમ થયું કે, બાપાશ્રીએ યજ્ઞની તિથિ નક્કી કરી છે, તે કદાચ ફેરવશે તો ઠીક નહિ થાય, તેથી તેઓ મારી પાસે આવીને કહેવા માંડ્યા જે, ‘બાપા! અમારા બાપને તો તમે મૂર્તિના સુખમાં મેલી દીધા છે, માટે યજ્ઞની તિથિમાં કાંઈ ફેરફાર ન કરશો; અમે તો આપની આજ્ઞાએ કાંઈ શોક પણ કર્યો નથી. આવી તે છોકરાઓની પણ સમજણ છે.’ એમ તેમના કુટુંબ પર રાજીપો જણાવ્યો. પછી સંતોને સૂઈ જવાનું કહી પોતે પણ પોઢ્યા.
બીજે દિવસ સવારે વહેલા નિત્યનિયમ કરી, સદ્ગુરુઓએ ભેળા મળી જે જે ઠેકાણે કંકોત્રીઓ લખવા જેવી બાકી રહી ગઈ હતી તે લખી નાખી ને યજ્ઞની સામગ્રીમાં જે જે જરૂરી વસ્તુ ભેળી કરાવવાની બાકી હતી, તે કામ ચાલતું કર્યું તે સાંજ સુધી ચાલ્યું; પછી રાત્રે સભા થઈ ત્યારે હરિભક્તોને કહી દીધું કે, ‘બાપાશ્રી આ વખતે પ્રસન્નતા બહુ જણાવે છે, તો તમે વખતોવખત યજ્ઞપ્રસંગે જેમ સેવાઓ કરો છો તેમ હિંમત રાખી કરજો. આ વખતે બાપાશ્રી કહે છે કે, અમારે સર્વોપરી યજ્ઞ કરવો છે. કંકોત્રીઓ પણ કરાંચી, મુંબઈ, સુરત, ભરૂચ, વડોદરા, કલકત્તા, ઝરીઆ આદિ શહેરોમાં તથા ઝાલાવાડ, કાઠિયાવાડ, ગુજરાત, ચરોતર આદિ દેશનાં સર્વે ગામોમાં મોકલી છે. સંતો પણ ઘણા આવશે. તમને કોઈને કહેવું પડે તેવું નથી, તોય આ ફેરે ખટકો રાખજો.’ ત્યારે હરિભક્તો કહે, ‘સ્વામી! બાપાશ્રીએ અમને બહુ ભલામણ કરી છે ને આપ પણ કરો છો, તો અમે સેવા કરવામાં બનતું કરશું, કસર નહિ રાખીએ.’ પછી યજ્ઞપ્રસંગે ઘરો ખાલી રાખવાની તથા બીજી કેટલીક ભલામણ કરી, તેમ જ કેરા, દહીંસરા, રામપુર, નારાયણપુર, ભારાસર, માનકૂવા, સુખપુર, માધાપુર આદિ ગામોના સેવા કરે તેવા હરિભક્તોને ખબર મોકલાવ્યા. આ બધું કાર્ય સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ જાણે પોતાને માથે જ ઉપાડી લીધું હોય તે રીત જોઈ બાપાશ્રી બહુ રાજી થયા ને રાત્રે પોતાની પાસે બેસારી યજ્ઞ સંબંધી વાતો કરતાં ઘણી પ્રસન્નતા જણાવી.
બીજે દિવસ સવારમાં બાપાશ્રી વહેલા નાહી પૂજા કરતા હતા, ત્યાં સંતો આવીને પાસે બેઠા ત્યારે પોતે શિક્ષાપત્રીનો પાઠ કરતાં એમ બોલ્યા જે, ‘સંતો! આ શિક્ષાપત્રી તે શ્રીજીમહારાજનું સ્વરૂપ છે, તેથી જે મહારાજના આશ્રિત હોય તે એમાં લખી આજ્ઞા પ્રમાણે રહે ત્યારે જ ખરા સાધુ કે ખરા હરિભક્ત કહેવાય. આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ, ગૃહસ્થ, બાઈ, ભાઈ સૌને આ શિક્ષાપત્રી પાળવાની છે, પણ જો એમાંથી એકેય વચન લોપે તો મહારાજ રાજી ન થાય; માટે વચનનિવાસી થઈને આજ્ઞામાં તત્પર રહેવું ને કોઈ અધિકાર કે મોટાઈ આદિમાં લેવાવું નહિ. શ્રીજીમહારાજ સત્સંગમાં પ્રગટ બિરાજે છે, તે સર્વેને જોઈ રહ્યા છે, પણ જતા રહ્યા નથી અને જે એમ જાણે છે કે જતા રહ્યા, તેમનાથી આજ્ઞા નહિ પળે.’ એમ કહી સૌને ઉઘાડે શરીરે મળ્યા. પછી વસ્ત્રો પહેરી ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી આવી અતિ પ્રસન્નતા જણાવી.
પછી સંતો વચનામૃતની કથા કરતા હતા તે પ્રસંગે પોતે વાત કરવા લાગ્યા જે, ‘તમે મહારાજના સંત છો, તે મહારાજ વિના બીજું કાંઈ ઇચ્છશો નહિ, તમને શ્રીજીમહારાજે વ્યવહારમાર્ગમાં અમાંગલિક ગણ્યા છે, માટે તમારે તો એક મહારાજ વહાલા રાખવા, ત્યાગીની રીત ભૂલીને ગૃહસ્થને માર્ગે ચલાય તો મોટી ખોટ આવે, માટે કોઈ સંત મૂર્તિ વિસારીને અમાંગલિક થશો નહિ. અમાંગલિક તે શું, તો દ્રવ્ય, ખેતર આદિ રાખવું તે. માટે શ્રીજીમહારાજની મૂર્તિ રાખી ખરા માંગલિક થવું, તમારે તો મૂર્તિ વિના બધુંય મૂકી દીધા જેવું છે. અમે આમ વાતો કરીએ છીએ, પણ મૂર્તિને ભૂલીએ નહિ, તેમ અહીં જેટલા સંત-હરિભક્તો આવે છે તેમને પણ મૂર્તિ આપવાનો જ અમારો ઠરાવ છે.’ પછી એમ બોલ્યા જે, ‘આ અમારો અહિંસામય યજ્ઞ છે, તેમાં કોઈનું મન દુઃખાય નહિ એવો પણ અમે ખટકો રાખીએ છીએ, કેમ જે આપણો અહિંસા ધર્મ છે. તમારે સંતોને બીજે ગામ જવા ગાડાં જોડાવવા ટાણે આવો વિચાર કરવો ખપે. અમે તો ક્યાંઈક જવું હોય ને કોઈ ગાડું જોડે તેમાં ઘરડા-દૂબળા બળદ દેખીએ તો કાંઈક બહાનું કાઢીને જઈએ નહિ. એવા અબોલ જીવને દુઃખ થાય તે કરતાં પગે ચાલીને જવું એ ઠીક, એમાં મહારાજ રાજી થાય. મોટા મોટા સંતો પણ પ્રથમ એમ જ કરતા. અમે આ યજ્ઞમાં હરિભક્તોને કહી રાખ્યું છે જે, કોઈનો બળદ ઘરડો, દૂબળો કે માંદો હોય તેને ગાડે જોડવો નહિ, કેમ કે તેનાથી ચલાય નહિ, તેથી એ નિસાસા નાખે તેનું પાપ અમને લાગે. અમે કોઈને દુઃખ દઈએ એવા નથી, પણ ધર્મ પળાવવામાં તો મન દુઃખાય તોય કહ્યા વિના ચાલે નહિ, કેમ જે ધર્મ લોપનારને આગળ બહુ દુઃખ વેઠવું પડે તે કરતાં તેને ઠપકો આપીને કે પ્રાયશ્ચિત્ત કરાવીને પણ ઠેકાણે પાડીએ તો તેનું સારું થાય.’
હમણાં બહારગામથી અમારા ઉપર એક માણસનો કાગળ આવ્યો હતો કે, ‘મારે યજ્ઞમાં આવવું છે, તે તમો લખો તો આવું.’ પણ તેણે પ્રાયશ્ચિત્ત કર્યું નથી, માટે તેને અમે આવવાની હા પાડીએ જ નહિ. કોઈને કાંઈ ભૂલચૂક થઈ હોય ને તેનો પસ્તાવો કરી પ્રાયશ્ચિત્ત કરે તો સત્સંગમાં લઈએ, પણ જો પ્રાયશ્ચિત્ત ન કરે તો તેને પડ્યો મૂકીએ. એમ વાત કરી. તે વખતે કેરાના હરિભક્તો દર્શન કરવા આવેલા, તેમાંથી એકને માટે પ્રાયશ્ચિત્તનું પૂછ્યું હતું તે આ વાત સંભાળતાં પ્રાર્થના કરી કહેવા લાગ્યા જે, ‘બાપા! અમારે આને માટે શું કરવું?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘તમારા ગામના હરિભક્તો ઠરાવ કરીને તમારામાંથી એક અથવા બે ભૂજ જાઓ ને સંતો કહે તેમ શ્રી નરનારાયણદેવની સમક્ષ કરાવી આવો. તેમાં ઝાઝા મનુષ્યને સંભળાવવું નહિ, ઝાઝાને જણાવવું તે પૂંઠ દેખાડવા જેવું છે, માટે જે પાંચ મનુષ્ય જાણતા હોય તે જ જાણે, તે રીતે જેમ બને તેમ છાનું કરાવી ચોખ્ખો કરવો.’
બાપાશ્રી આ રીતે વાતો કરતા હતા, ત્યાં તો કરાંચી, અમદાવાદ, વઢવાણ તથા ધ્રાંગધ્રાના કેટલાક હરિભક્તો આવ્યા, તે સહુ હેતે સહિત દંડવત્ કરી મળ્યા. તેમને પોતે સુખસમાચાર પૂછી સંતોને કહી તેમના ઉતારાની તથા જમાડવાની ગોઠવણ કરાવી. એ વખતે માથકથી ભગવાનજીભાઈ આવેલા હતા, તેમણે પ્રાર્થના કરી જે, ‘બાપા! અમારું ને અમારા કુટુંબનું કલ્યાણ કરજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બહુ સારું, સૌનું કલ્યાણ કરશું.’ પણ જેને શ્રીજીમહારાજનો આશરો નહિ હોય તે તો ચોરાશીમાં અથડાશે. આ સમે શ્રીજીમહારાજે કલ્યાણ બહુ સોંઘું કર્યું છે, પણ અભાગિયા જીવ ઓળખે નહિ, એટલે કલ્યાણ થાય નહિ. જો ઓળખે તો મહારાજ અથવા મહારાજના મુક્ત એક ઘડીમાં મોક્ષ કરી દે એવા સમર્થ છે. અમારી દૃષ્ટિ તો એવી છે જે, નજરે ચડે એટલામાં કલ્યાણ કરીને મૂર્તિમાં મૂકી દઈએ.
પછી પુરાણી ધર્મકિશોરદાસજી વચનામૃત વાંચતા હતા, ત્યારે પોતે સંતો સામું જોઈને બોલ્યા જે, ‘સત્સંગમાં જેને દિવ્યભાવ આવે તેને મહારાજ ને મુક્ત સર્વે તેજોમય ભાસે. આ મંદિર, મેડી, ઘર, ઓશરી સર્વે તેજોમય છે. તેજનો અંબાર છે, વચ્ચે મહારાજ બિરાજે છે, એ મૂર્તિમાં અનંત મુક્ત કિલ્લોલ કરે છે, ફરતી સભા બેઠી છે તે પણ સર્વે તેજોમય છે. મહારાજ કહે છે કે, જ્યાં પુરુષોત્તમની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. એટલે મૂર્તિને ફરતું તેજ, તેમાં ચારેકોરે મુક્તનાં મંડળ ભરાઈને બેઠાં છે. મહારાજના અનાદિ મુક્તનો વિશ્વાસ હોય તેને આ વાત મનાય ને આઠે પહોર આનંદ આનંદ ને મૂર્તિના સુખની ખુમારી રહે. ક્યાં મહારાજ! ને ક્યાં તેમના અનાદિ મુક્ત! આ તો બહુ જબરી પ્રાપ્તિ થઈ છે, પણ જીવને એવો અલૌકિક ભાવ આવતો નથી તેથી અપૂર્ણપણું રહે છે, પણ આપણે તો સદાય આનંદમાં રહેવું.’